કૉમોરોસ (comoros) : મોઝામ્બિકની ખાડીના પ્રવેશદ્વાર નજીક 274 કિમી. લંબાઈ ધરાવતા, આફ્રિકાની મુખ્ય ભૂમિ તથા માડાગાસ્કર વચ્ચે આવેલા ચાર ટાપુઓનું બનેલું નાનું રાજ્ય. તે 12o 00′ દ. અ. અને 44o 00′ પૂ. રે.ની આજુબાજુનો 1,862 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આંઝ્વાં, ગ્રેટ કૉમોરો, મૉએલી અને માયૉટના મોટા ટાપુઓ અને બીજા અનેક નાના ટાપુઓથી તે બનેલું છે. સૌથી મોટો ટાપુ ગ્રેટ કૉમોરોના દક્ષિણ છેડા નજીક 2590 મી. ઊંચો સક્રિય જ્વાળામુખી પર્વત છે. આ ટાપુનું પાટનગર મૉરોની છે. આંઝ્વાંની ટેકરીઓના ઢોળાવો ઉપર ગીચ જંગલો છે. માયૉટની આસપાસ પરવાળાંના બાધક ખડકો છે. અહીં 900 કિમી. લંબાઈ ધરાવતા રસ્તા આવેલા છે. મોરોની ખાતે ‘પ્રિન્સ સૈયદ ઇબ્રાહિમ’ નામ ધરાવતું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે.

ટાપુઓની આબોહવા ગરમ અને ભેજવાળી છે. નવેમ્બરથી માર્ચ દરમિયાન ચોમાસામાં વરસાદ પડે છે અને તાપમાન 17o સે. હોય છે, સૂકી ઋતુમાં તાપમાન 14o સે. હોય છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી છે. વેનિલા અને સુગંધિત છોડવાઓ, નારિયેળ, લવિંગ, સિસલ, કૉફી, મસાલા, શાકભાજી, ફળો મુખ્ય પાક છે. ખોરાક અને જીવનજરૂરિયાતની વસ્તુઓ ફ્રાંસથી આયાત થાય છે; અત્તર, કૉફી, કોતરકામવાળી લાકડાની વસ્તુઓ વગેરે નિકાસ થાય છે.

આફ્રિકન, મલય અને આરબની મિશ્રિત પ્રજા છે. મોટાભાગના મુસ્લિમ છે. માયૉટમાં ખ્રિસ્તીપંથીઓ છે. આ ટાપુ ફ્રાંસે 1841માં કબજે કરેલ. ત્યારબાદ બાકીના ટાપુઓ 1866-1909 દરમિયાન ફ્રાંસના કબજામાં આવ્યા હતા. 2019માં રાજ્યની વસ્તી 8,50,886 હતી. મુખ્ય શહેર મૉરોનીની વસ્તી 1,11,326 હતી. 1975ના જુલાઈની છઠ્ઠી તારીખથી આ દેશ સ્વતંત્ર બન્યો છે.

શિવપ્રસાદ રાજગોર