શંકુક : નવમી સદીના એક આલંકારિક આચાર્ય. તેમણે ભરતના નાટ્યશાસ્ત્ર પર ટીકા લખી હતી, જે હાલ પ્રાપ્ત નથી. ઈ. સ. 1000માં થઈ ગયેલા આચાર્ય અભિનવગુપ્તે પોતાની ‘નાટ્યશાસ્ત્ર’ પર રચેલી ટીકા ‘અભિનવભારતી’માં પોતાની પૂર્વે થઈ ગયેલા ટીકાકાર તરીકે શંકુકના રંગપીઠ, રસસૂત્ર, નાટક, રાજાનું પાત્ર, નાટિકાભેદ, પ્રતિમુખ અને વિમર્શ સંધિ વગેરે બાબતો વિશેના અભિપ્રાયોનો ઉલ્લેખ કર્યો છે. એ બધા ઉલ્લેખો પરથી શંકુકે આખા નાટ્યશાસ્ત્ર પર ટીકા લખી હશે એમ જણાય છે. તદુપરાંત, અભિનવગુપ્ત એવી માહિતી આપે છે કે શંકુકના અનુમિતિવાદને ન સ્વીકારી તેનું ખંડન પોતાના ગુરુ ભટ્ટ તૌતે કરેલું.
કલ્હણે ‘રાજતરંગિણી’માં કવિ શંકુક અને તેમના ‘ભુવનાભ્યુદય’ નામના કાવ્યનો નિર્દેશ કરે છે. શંકુક આચાર્ય અભિનવ પહેલાં થયેલા, તેથી તેમનો સમય 9મી સદીમાં સિદ્ધ થાય છે. કવિ શંકુક અને આલંકારિક શંકુક એક જ હોય તો 815ની આસપાસ તેમનો સમય નક્કી કરી શકાય. બંને ભિન્ન હોય તોપણ શંકુક 9મી સદીમાં થયા હોવાનું માની શકાય.
તેમના જીવન વિશે કોઈ વિગત નથી મળતી, કારણ કે તેમની ટીકા કે અન્ય ગ્રંથો નથી મળતા. એમના નામે કેટલાક શ્લોકો શાર્ઙ્ગધરની ‘શાઙર્ગધરપદ્ધતિ’, જલ્હણની ‘સૂક્તિમુક્તાવલી’ અને વલ્લભદેવની ‘સુભાષિતાવલી’ જેવા સુભાષિતસંગ્રહોમાં મળે છે; તેથી તેમણે કોઈ કાવ્યની રચના કરી હશે એમ માની શકાય.
શંકુકે ‘રસનિષ્પત્તિ’ શબ્દનો અર્થ રસની અનુમિતિ એવો કરીને અનુકૃતિ કે અનુમિતિવાદની સ્થાપના કરી એ તેમનું મહત્વનું પ્રદાન છે. તેમના અનુમિતિવાદ મુજબ વિભાવો કારણરૂપ, અનુભાવો કાર્યરૂપ અને વ્યભિચારી ભાવો સહચારીરૂપ છે. તેને પ્રયત્નપૂર્વક નટ સિદ્ધ કરે છે. નટના તાલીમ અને અભ્યાસના બળે તે નાટકમાં રજૂ થાય ત્યારે તે કૃત્રિમ હોવા છતાં કૃત્રિમ લાગતા નથી. વસ્તુમાં રહેલા સૌંદર્યના બળથી આવી આભાસી અકૃત્રિમતા ખડી થાય છે. પ્રેક્ષક લિંગબળે પ્રતીત થતા મૂળ રામાદિના સ્થાયીના અનુકરણરૂપ સ્થાયીને અનુમિત કરે છે. આવો અનુકૃત કે અનુમિત સ્થાયી તે જ રસ છે. કાવ્ય દ્વારા વિભાવોની, તાલીમ દ્વારા અનુભાવોની અને અનુભવજ્ઞાન દ્વારા વ્યભિચારી ભાવોની અર્થપ્રતીતિ થાય છે. સ્થાયી ભાવની અર્થપ્રતીતિ કાવ્ય દ્વારા નથી થતી. આ બાબત ચિત્રતુરગન્યાયથી સિદ્ધ થાય છે. ચિત્રમાં દોરેલો અશ્વ સમ્યગ્, મિથ્યા, સંશય અને સાશ્ય પ્રતીતિથી જુદો પ્રતીત થાય છે. એ ન્યાયે નટની બાબતમાં રામાદિની વિશિષ્ટ બુદ્ધિ થાય છે. શંકુકનો આ મત વિલક્ષણ છે.
પ્ર. ઉ. શાસ્ત્રી