શર્મા, નરેન્દ્રનાથ (જ. 25 એપ્રિલ 1916, પુરાણીગુડમ્ ચલચલી, જિ. નાગોન, આસામ) : આસામી લેખક. તેમણે આસામીમાં એમ.એ.ની પદવી મેળવી. તેઓ ગુવાહાટી સવિતા સભા, આસામના સ્થાપકમંત્રી; આસોમ સાહિત્યસભાના ખજાનચી; સાંસ્કૃતિક સંબંધો માટે આસામ અકાદમીના ઉપપ્રમુખ; આસામી શબ્દકોશ ‘ચલંતા અભિધાન’ના સંપાદક અને સંકલનકાર; બાળકોના માસિક ‘જોનબાઈ’ના સંપાદક રહ્યા અને ગુવાહાટી યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકે સેવાનિવૃત્ત થયા.
તેમણે અત્યાર સુધીમાં 11 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘લક પક કુર-ર-ર’ (1962); ‘મુનુર પુસ્સી’ (1983); ‘કોન બેશી તેંગર’ (1985) તેમની બાળકો માટેની લોકપ્રિય કથાઓ છે. ‘આત્મજીવનચરિત’ (1964) નેહરુની આત્મકથાનો આસામી અનુવાદ છે. ‘વ્યાવહારિક શબ્દકોશ’ (1971); ‘સિલ્પિર પ્રતિમા’ (1985); ‘જોનબાઈ દેસર જિયારી અરુ જાદુકર’ (1991) વાર્તાસંગ્રહો છે. સાહિત્ય અકાદમી માટે કરેલો ‘ગુલિવર્સ ટ્રાવેલ્સ’નો આસામી અનુવાદ નોંધપાત્ર છે.
તેમને આસામી સાહિત્યમાં કરેલા પ્રદાન બદલ 1990માં સાહિત્ય અકાદમી ટ્રાન્સલેશન પ્રાઇઝ; બાળસાહિત્ય માટે આસામ પબ્લિકેશન બૉર્ડ પ્રાઇઝ આપવામાં આવ્યાં છે.
બળદેવભાઈ કનીજિયા