શર્મા, જીતેશ (. 6 ઑગસ્ટ 1932, લાખીસરાઈ, જિ. મુંઘ્યાર, બિહાર) : હિંદી નિબંધકાર. તેઓ હિંદી અઠવાડિક ‘જનસંસાર’ના સંપાદક રહેલા. તેમણે અત્યાર સુધીમાં હિંદી અને અંગ્રેજીમાં 10 ગ્રંથો આપ્યા છે.

તેમાં ‘વિકૃત સમાજ’ (1980); ‘સાંપ્રદાયિક એકતા એવમ્ સાંપ્રદાયિક દંગે’ (1985); ‘ધર્મ કે નામ પર’ (1994) તેમના જાણીતા કટાક્ષાત્મક ગ્રંથો છે. ‘ઈશ્વર, ધર્મ, માનવ’ (1997) બંગાળીમાં રચેલ ગ્રંથ છે.

અંગ્રેજીમાં ‘પર્વર્ટેડ સોસાયટી’ (1980), ‘ડબલ ફૅન્ટસી’ (1996), ‘મૅન, ગૉડ ઍન્ડ રિલિજન’ (1998) તેમના ઉલ્લેખનીય નિબંધસંગ્રહો છે. તેમણે કરેલ વિદેશયાત્રાના સ્મરણ રૂપે હિન્દીમાં ‘શાંતિદૂતોં કે સાથ’ (1976) પુસ્તક આપ્યું છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને હિંદી પુરસ્કાર પરિષદ તરફથી ભારતેન્દુ પુરસ્કાર, બિહાર સરકારના રાજભાષા વિભાગ તરફથી રાષ્ટ્રીય એકતા પુરસ્કાર, ‘ગૉર્ગી દિમિટ્રૉવ ઍવૉર્ડ, બલ્ગેરિયા’, સેલિતા લેજર્લૉફ મેડલ, ઉત્તરપથ, સ્વીડન તથા હિંદી સાહિત્ય સંમેલન દ્વારા ‘સાહિત્ય-સારસ્વત’ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા