શર્મા, કે. વી. (જ. 22 ડિસેમ્બર 1919, ચેગાન્નૂર, જિ. કોલ્લમ, કેરળ) : સંસ્કૃત અને મલયાળમ લેખક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી બી.એસસી.; એમ.એ.; મદ્રાસ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન ફ્રેન્ચ ઍન્ડ જર્મન, પંજાબ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં ડી.લિટ્.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ 1962-65 દરમિયાન વી. વેદિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, હોશિયારપુરમાં ક્યુરેટર; 1965-1979 દરમિયાન વી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સંસ્કૃત ઍન્ડ ઇન્ડૉલોજી, પંજાબ યુનિવર્સિટી હોશિયારપુરમાં ડિરેક્ટર-પ્રોફેસર; 1980 પછી સંસ્કૃતના પ્રાધ્યાપક રહ્યા. તેમણે અડ્યાર લાઇબ્રેરી ઍન્ડ રિસર્ચ સેન્ટર, ચેન્નાઈમાં સંસ્કૃતના પ્રાધ્યાપક અને એસએસઈએસ રિસર્ચ સેન્ટરના નિયામક તરીકે કામગીરી કરી.
તેમણે અત્યાર સુધીમાં સંસ્કૃત, અંગ્રેજી તથા મલયાળમમાં 63 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘વીણાવાસવદત્તમ્’ (1962); ‘વિવેકચંદ્રોદયનાટકમ્’ (1966) બંને સંપાદિત નાટકો; ‘પુરુષાર્થોપદેશ ઑવ્ ભર્તૃહરિ’ (1969) સંપાદિત કાવ્ય; ‘દ્ગ્ગિનિતા ઑવ્ પરમેશ્વર’ (1962), ‘લીલાવતી ઑવ્ ભાસ્કરાચાર્ય વિથ કૉમેન્ટ્રી કિયાક્રમકારી’ (1975) બંને પ્રાચીન ગણિતશાસ્ત્રને લગતા ગ્રંથો; ‘જ્યોતિર્મીમાંસા’ (1977) ખગોળશાસ્ત્રવિષયક સિદ્ધાંતો; ‘રૅશનાલ્સ ઑવ્ હિંદુ એસ્ટ્રૉનોમી’; ‘એકલોકાવુમ ભારતવુમ’ (1963) અંગ્રેજીમાંથી મલયાળમમાં અનૂદિત નિબંધ-સંગ્રહોનો સમાવેશ થાય છે.
તેમને સંસ્કૃતમાં કરેલ સંશોધન માટે 1974માં મહારાણી શેઠુ પાર્વતીબાઈ પ્રાઇઝ અને 1991માં સંસ્કૃત માટે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સર્ટિફિકેટ ઑવ્ ઑનર તથા કેરળ સરકાર તરફથી ‘સાહિત્યભૂષણમ’નો ખિતાબ એનાયત કરવામાં આવેલાં. તેમણે કોઈ ને કોઈ પ્રતિનિધિમંડળ કે પરિષદના સભ્ય તરીકે વિવિધ દેશોનો પ્રવાસ ખેડેલો.
બળદેવભાઈ કનીજિયા