શર્મા, કેદાર (. 12 એપ્રિલ 1910, નારોવાલ, સિયાલકોટ (હાલ પાકિસ્તાન); . 20 એપ્રિલ 1999) : અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક, ગીતકાર, કથા-પટકથા-લેખક. હિંદી ચિત્રઉદ્યોગમાં પોસ્ટર અને પડદા ચીતરનાર તરીકે કારકિર્દી શરૂ કરીને લેખનથી માંડીને દિગ્દર્શનની જવાબદારી સંભાળી યાદગાર ચિત્રો આપનાર કેદાર શર્મા, રાજ કપૂર, મધુબાલા, ગીતા બાલી જેવાં કલાકારો અને રોશન તથા બુલો સી રાની જેવાં સંગીતકારને પ્રથમ વાર ચિત્રોમાં તક આપનાર સર્જક તરીકે પણ જાણીતા હતા. અંગ્રેજી સાહિત્ય સાથે તેઓ અનુસ્નાતક થયા ત્યાં સુધીમાં તેમણે પંજાબી રંગભૂમિ માટે નાટકો લખવા માંડ્યાં હતાં.  આ નાટકોમાં તેઓ અભિનય પણ કરતા. તેમના પિતા એવું ઇચ્છતા હતા કે કેદાર કૉલેજમાં પ્રોફેસર બને, પણ કેદારને ચિત્રનિર્માણમાં

કેદાર શર્મા

રસ પડવા માંડ્યો. આ માટે તેઓ ત્રીસીમાં કોલકાતા પહોંચી ગયા અને ન્યૂ થિયેટર્સમાં જઈને તેમના પ્રિય દિગ્દર્શક દેવકી બોઝને મળ્યા. ન્યૂ થિયેટર્સના માલિક બી. એન. સરકારે તેમને પોસ્ટર અને પડદા ચીતરવાનું કામ આપ્યું. પણ થોડા જ સમયમાં તેમની પ્રતિભા પરખાઈ આવતાં તેમને આ સંસ્થાએ બનાવેલાં બંગાળી ચિત્રોનાં હિંદી સંસ્કરણોમાં લેખનનું કામ મળી ગયું. લેખક તરીકે તેમને પહેલી વાર સાયગલ અને જમુના અભિનીત ચિત્ર ‘દેવદાસ’ના સંવાદ લખવાની તક મળી હતી. એ પછી ‘મુક્તિ’, ‘વિદ્યાપતિ’ અને ‘સપેરા’ના સંવાદો લખ્યા. આ ચિત્રમાં તેમણે સામાન્ય બોલચાલની ભાષામાં લખેલા સંવાદોએ પછી હિંદી ચિત્રોમાં સંવાદલેખનને નવી દિશા આપી હતી. કે. એલ. સાયગલ અને પૃથ્વીરાજ કપૂર સાથે આ અરસામાં જ તેઓ સંપર્કમાં આવ્યા હતા. બંને સાથે સારી મિત્રતા થઈ ગઈ. પછી તો સાયગલ માટે તેઓ ગીતો લખતા. સાયગલે ગાયેલાં ઘણાં લોકપ્રિય ગીતો કેદાર શર્માએ લખ્યાં છે, જેમાં ‘દુ:ખ કે અબ દિન બિતત નાહીં’, ‘જબ દિલ હી ટૂટ ગયા’, ‘સો જા રાજકુમારી, સો જા’, ‘બાલમ આય બસો મોરે મન મેં’, ‘મૈં ક્યા જાનું ક્યા જાદુ હૈ’ સહિતનાં ગીતોનો સમાવેશ થાય છે.

1941માં મુંબઈ આવીને તેઓ રણજિત સ્ટુડિયો સાથે જોડાયા, પણ પછી પોતાનું સ્વતંત્ર નિર્માણ-દિગ્દર્શન શરૂ કર્યું. પૃથ્વીરાજે પોતાના મોટા પુત્ર રાજ કપૂરને તાલીમ મળી રહે તે માટે કેદાર શર્માને જવાબદારી સોંપી. તેમની સાથે રાજ કપૂરે ક્લેપર બૉય તરીકે કામ શરૂ કર્યું હતું, પણ અભિનેતા તરીકે રાજને તેમણે ‘નીલકમલ’ ચિત્રમાં પહેલી વાર તક આપી. મધુબાલાનું પણ એ પહેલું જ ચિત્ર હતું. ભગવતીચરણ વર્માની નવલકથા ‘ચિત્રલેખા’ પરથી તેમણે 1941માં બનાવેલું ચિત્ર કોઈ પણ સાહિત્યકૃતિનું પડદા પર રજૂ કરાયેલું પ્રામાણિક ચિત્રણ હતું. આ ચિત્રે તેમને ખૂબ પ્રતિષ્ઠા અપાવી. 1964માં આ જ ચિત્રનું તેમણે પુનર્નિર્માણ કર્યું. દૂરદર્શન માટે તેમણે કેટલાંક લઘુ ચિત્રો પણ બનાવ્યાં. તેમના પુત્ર વિક્રમ શર્માએ ‘ધ વન ઍન્ડ ઓનલી કેદાર શર્મા’ નામે તેમનું જીવનચરિત્ર પ્રગટ કર્યું છે.

નોંધપાત્ર ચિત્રો : અભિનેતા તરીકે : ‘ઇન્કિલાબ’, ‘દેવદાસ’, ‘ધૂપછાંવ’ (1935), ‘કરોડપતિ’ (1936), ‘વિદ્યાપતિ’ (1937), ‘બડી દીદી’ (1939), ‘નેકી ઔર બદી’ (1949),

દિગ્દર્શક તરીકે : ‘દિલ હી તો હૈ’ (1939), ‘ચિત્રલેખા’ (1941), ‘અરમાન’ (1942), ‘નીલકમલ’ (1947), ‘સુહાગ રાત’ (1948), ‘નેકી ઔર બદી’ (1949), ‘બાવરે નૈન, જોગન’ (1950), ‘જલદીપ’ (1956), ‘ચિત્રલેખા’ (1964), ‘પેહલા  કદમ’ (1981).

હરસુખ થાનકી