શર્મા, ઉમાકાન્ત (જ. 30 નવેમ્બર 1914, કાકય, જિ. કામરૂપ, આસામ) : આસામી લેખક. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી ફિલૉસોફીમાં એમ.એ. તથા અમેરિકામાં એમ.ડી.ની પદવી મેળવી. 1941-48 દરમિયાન આસામની વિવિધ કૉલેજોમાં પ્રાધ્યાપક;
1948-55 દરમિયાન આસામ એલિમેન્ટરી એજ્યુકેશન બૉર્ડના સેક્રેટરી; 1955-62 સુધી આસામ સરકારના શિક્ષણવિભાગમાં ઉપસચિવનાયબ સચિવ રહ્યા; 1962-69 દરમિયાન સંયુક્ત શિક્ષણ નિયામક તથા અધિક નિયામક અને છેલ્લે નિયામકપદેથી સેવાનિવૃત્ત થયા.
તેમણે આસામીમાં 10 ગ્રંથો આપ્યા છે. ‘શેષ પતાકા’ (1948) નાટક; ‘ઘુરનીયા પૃથ્વિવીર બેકા પોથ’ (1947); ‘ઉકા એતિ મયોન’ તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે. ‘ઉરંતા મેઘાર શા’ (1960); ‘એજક માનુહ એખાન અરણ્ય’ (1986); ‘ભરંદા પાખિર જાક’ તેમની ઉલ્લેખનીય નવલકથાઓ છે. તેમણે ટાગોરની કૃતિઓને આસામીમાં અનૂદિત કરી છે.
તેમને 1989માં આસામ પબ્લિકેશન બૉર્ડ ઍવૉર્ડ; 1991માં આસોમ સાહિત્યસભા ઍવૉર્ડ; 1996માં ભારતીય ભાષા પરિષદ ઍવૉર્ડ તથા 1997માં ‘મગોર’ લિટરરી ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા.
બળદેવભાઈ કનીજિયા