શક-પહ્લવ સિક્કાઓ
January, 2006
શક–પહ્લવ સિક્કાઓ : શક-પહ્લવ રાજાઓએ પડાવેલા સિક્કા.
મધ્ય એશિયાના રહેવાસી શક લોકો ઈરાનમાં આવી વસ્યા. સ્થાનિક પહ્લવો સાથે સાંસ્કૃતિક રીતે એટલા બધા ભળી ગયા કે શક-પહ્લવોને અલગ ઓળખવા મુશ્કેલ પડે. ધીમે ધીમે તેઓ બાહ્લિક અને કંદહાર તરફથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં ઈ. પૂ. 75ના અરસામાં આવીને વસ્યા. એમાંના જેઓ કંદહાર અને બલૂચિસ્તાનના પ્રદેશમાં સ્થાયી થયા તે રાજવંશનો સ્થાપક વોનોન હતો. એણે રાજાધિરાજની પદવી ધારણ કરી. એના ચાંદીના સિક્કા ગ્રીક ઢબના છે. આ સિક્કાના અગ્ર ભાગ પર અશ્વારૂઢ રાજાની આકૃતિ અને ગ્રીક ભાષામાં વોનોનના નામનો લેખ છે; જ્યારે પૃષ્ઠ ભાગ પર ઝ્યૂસ કે હિરક્લિસની આકૃતિ તથા પહેલાં એના ભાઈ સ્પલહોરના અને પછી તેના પુત્ર સ્પલગદમના નામનો ખરોષ્ઠી લિપિમાં અને પ્રાકૃત ભાષામાં લેખ છે. આ પરથી જણાય છે કે રાજાની સાથે ઉપરાજાનું સંયુક્ત શાસન હશે.
આગળ જતાં સ્પલિરિષે માત્ર પોતાના નામે સ્વતંત્ર સિક્કા પડાવ્યા. સ્પલિરિષ-સ્પલગ-સ્પલદમના તાંબાના એક ચોરસ સિક્કાના અગ્ર ભાગ પર અશ્વારૂઢ રાજાની આકૃતિ અને એની ચારેય બાજુ ‘રાજાના ભાઈ ન્યાયી રાજા સ્પલિરિષનો’ એવું ગ્રીક લખાણ છે. પૃષ્ઠ ભાગમાં ગ્રીક દેવ હિરક્લિસ તથા તેની આજુબાજુ ખરોષ્ઠી લિપિમાં ‘ન્યાયી રાજા સ્પલહોરસના પુત્ર સ્પલગદમનો’ એવું પ્રાકૃત ભાષામાં લખાણ છે; પરંતુ થોડા સમયમાં એને અય (અજ) નામે રાજાનું સંયુક્ત શાસન સ્વીકારવું પડ્યું. અય અન્ય શક-પહ્લવ રાજકુલનો હતો. એ રાજવંશનો સ્થાપક ‘મોઅ’ હતો, જેને અહીં ‘મોગ’ કહેતા. એ વોનોનનો સમકાલીન હતો અને ગંધારમાં રાજ કરતો હતો. વોનોન અને મોએ ઈ. પૂ. પહેલી સદીમાં ભારતીય યવન શાસનનો અંત આણ્યો હતો.
ગંધાર પ્રદેશનો પ્રથમ શક રાજા મોઅ હતો. મોઅના સિક્કા મોટેભાગે ચાંદી અને તાંબાના છે. ઘણી બાબતમાં એના સિક્કા ભારતીય યવન સિક્કાઓ સાથે સામ્ય ધરાવે છે. એના ચાંદીના સિક્કાઓની બંને બાજુ ગ્રીક દેવદેવીઓની આકૃતિઓ છે. એના સહુથી સારા પ્રકારના બગીમાં બેઠેલા રાજાની આકૃતિવાળા સિક્કા છે. એનો ચોરસ હેમી-દ્રક્મ પણ આ પ્રકારનો છે. એના સહુથી વધુ પ્રચલિત તાંબાના સિક્કા વૈવિધ્યપૂર્ણ છે. એમાં અશ્વારૂઢ રાજાની આકૃતિ નોંધપાત્ર છે. ઘણા સિક્કાઓના અગ્ર ભાગ પર ગજનું મસ્તક અને પૃષ્ઠ ભાગ પર કડ્યુસિયસ(દેવોના દૂત હરમિઝનો દંડ)ની આકૃતિ તથા માત્ર ગ્રીક ભાષામાં ‘રાજા મોઅનો’ એવો લેખ જોવા મળે છે. એના તાંબાના ચોરસ સિક્કાઓ પર હાથી, અંકુશ, વૃષભ, ઘોડો જેવી અનેકવિધ આકૃતિઓ છે. કેટલાક સિક્કાઓના પૃષ્ઠ ભાગ પર યોગાસનમાં બેઠેલ માનવઆકૃતિને કેટલાક ‘બુદ્ધ’ હોવાનું માને છે. તો કેટલાક સિક્કામાં ગદા અને ત્રિશૂલ લઈ કદમ ભરતી વ્યક્તિને ‘શિવ’ માને છે. મોઅના ઘણા સિક્કા દ્વિભાષી છે. એમાં ગ્રીક લિપિ અને પ્રાકૃત ભાષામાં લખાણ છે.
સ્પલિરિષના મૃત્યુ બાદ મોઅના ઉત્તરાધિકારી અજ (અય) 1લાએ વોનોન અને મોઅનાં રાજ્યોનું સંયોગીકરણ કર્યું લાગે છે. હવે એણે પોતાના સ્વતંત્ર નામે ચાંદીના ગોળ તેત્રા-દ્રક્મ અને દ્રક્મ તથા તાંબાના ગોળ તથા ચોરસ સિક્કા પડાવ્યા. અજના ઘણા સિક્કાઓમાં અગ્ર ભાગ પર ભાલાથી સજ્જ રાજાની અશ્વારૂઢ આકૃતિ તથા નીચે ખરોષ્ઠીમાં ‘સ’ લેખ. આજુબાજુ ગ્રીકમાં ‘મહાન રાજાધિરાજ અયનો’ એ મતલબનું લખાણ હોય છે. પૃષ્ઠ ભાગ પર કોઈ ગ્રીક દેવની આકૃતિ હોય છે. ક્યારેક અશ્વારૂઢ રાજાને બદલે શિવના નંદિતક્ષશિલામાં પ્રચલિત ખાંધવાળા વૃષભની આકૃતિ હોય છે. આજુબાજુ ગ્રીક લેખમાં ‘રાજાઓના રાજા મહાન અઝનો’ અને પ્રાકૃત લેખમાં ‘મહારાજા રાજરાજ મહાન અયનો’ લખ્યું હોય છે.
અજ 1લાએ સિક્કામાં એક નવો પ્રકાર અપનાવ્યો, જેમાં રાજા બે ખાંધવાળા બૅક્ટ્રિયન ઊંટ ઉપર સવાર થયેલો છે ને હાથમાં અંકુશ ધારણ કર્યું છે. એના સહુથી વધુ પ્રચલિત સિક્કા મોટા અને ગોળ છે. એના અગ્ર ભાગે વૃષભની અને પૃષ્ઠ ભાગે સિંહની આકૃતિ છે.
અજ 1લાના ઉત્તરાધિકારી અઝિલિષના સિક્કાઓ વિવિધ પ્રકારના મળે છે. એણે ગ્રીક દેવતાની જેમ ભારતીય લક્ષ્મીદેવીની ગજ વડે જલનો અભિષેક પામતી આકૃતિ અપનાવી. એના પછી અજ 2જો ગાદીએ આવ્યો. એના સિક્કાના અગ્ર ભાગે ચાબુક ધારણ કરેલ અશ્વારૂઢ રાજાની આકૃતિ અને પૃષ્ઠ ભાગે ગ્રીક દેવતાની આકૃતિ છે; પરંતુ એના સિક્કા અ-કલાત્મક અને હલકી ધાતુના છે. તાંબાના એક સિક્કાના અગ્ર ભાગે એ પલાંઠી વાળીને બેઠેલો છે. બીજા એક સિક્કા પર પહેલાં ભારતીય સેનાપતિ ઇન્દ્રવર્માનું અને પછી તેના પુત્ર અસ્પવર્માનું નામ નજરે પડે છે. અસ્પવર્માનું નામ પહ્લવ રાજા ગોંદોફર 1લાના સિક્કાઓ પર પણ મળે છે. આ પરથી શક અને પહ્લવ વંશો વચ્ચેનો સંબંધ સૂચિત થાય છે.
ગોંદોફર-ગુદફર કે ગુંદુફર્ણ પહ્લવ રાજા હતો. એનું રાજ્ય સીસ્તાન(પૂર્વ ઈરાનમાં)થી ગંધાર સુધી વિસ્તૃત હતું. એના ચાંદીના સિક્કા ભાગ્યે જ મળે છે. મુખ્યત્વે એના સિક્કા તાંબાના અને મિશ્રધાતુ-બિલનના મળે છે. ગોંદોફરના ચાંદીના સિક્કાના અગ્ર ભાગ પર અશ્વારૂઢ રાજાની આકૃતિ સાથે બાજુમાં રાજાની સંજ્ઞા અને ‘રાજાઓના રાજા મહાન ઉંદીફરનો’ એવું ગ્રીક લખાણ છે. પૃષ્ઠ ભાગમાં ગ્રીક દેવતા ઝ્યૂસની આકૃતિ સાથે ‘મહારાજ રાજાતિરાજ ત્રાતા દેવવ્રત ગુદુફર્ણનો’ એવું ખરોષ્ઠી લિપિમાં લખાણ છે. તેના તાંબાના સિક્કા ગોળ છે. એના અગ્રભાગે રાજાનું ઉત્તમાંગ અને પૃષ્ઠ ભાગે નાઇકી કે પલસની આકૃતિ હોય છે. મોટાભાગે એના તાંબા અને બિલનના સિક્કાના અગ્ર ભાગ પર અશ્વારૂઢ રાજાની આકૃતિ, ક્યારેક રાજાનું ઉત્તમાંગ ને સિંહાસનસ્થ રાજાની આકૃતિ હોય છે. પૃષ્ઠ ભાગ પર નાઇકી, પલસ કે ઝ્યૂસની આકૃતિ હોય છે. ગોંદોફરની સાથે પહેલાં અસ્પવર્માની, પછી તેના ભત્રીજા સસની આકૃતિ નજરે પડે છે. તેના એક પ્રકારમાં પૃષ્ઠ ભાગ પર શિવની આકૃતિ દૃષ્ટિગોચર થાય છે. ગોંદોફર ઈ. સ. 1લી સદીના પૂર્વાર્ધમાં થયો. એ સમયે કુષાણોએ ભારતમાં આવી શક-પહ્લવોના આધિપત્યનો અંત આણ્યો.
ગોંદોફર પછી એના વંશના ચારપાંચ રાજા થયા. એમના સિક્કાઓ મળે છે; પરંતુ તેઓનું રાજ્ય પશ્ચિમ ગંધાર અને સીસ્તાનમાં સીમિત રહ્યું; જ્યાં તેઓએ એના સિક્કાઓની પદ્ધતિ પણ ચાલુ રાખી.
રામજીભાઈ સાવલિયા