કૉન્સ્યાન્સ, હેન્ડ્રિક (જ. 3 ડિસેમ્બર 1812, ઍન્ટવર્પ; અ. 10 સપ્ટેમ્બર 1883, બ્રસેલ્સ) : બેલ્જિયમના રોમૅન્ટિક નવલકથાકાર. ફ્લેમિશ નવલકથાના ઊગમ અને વિકાસમાં એમના ફાળાને લીધે એમ કહેવાયું કે એમણે લોકોને વાંચતાં શીખવ્યું. પિતા ફ્રેન્ચ, માતા ફ્લૅમિશ. માતાના અવસાન (1820) બાદ, પિતા સાથે નગરના કોટવિસ્તારની બહાર રહેવા ગયા ત્યારે પ્રકૃતિના સાન્નિધ્યની મજા માણી. થોડાંક વર્ષો મદદનીશ શિક્ષક તરીકે રહ્યા પછી (1831) લશ્કરમાં ભરતી થયા. 1836માં લશ્કરમાંથી છૂટા થયા. ઍન્ટવર્પના સાહિત્ય-કલાપ્રેમી વર્તુળમાં જોડાયા. પાછળથી કુટુંબનિર્વાહ માટે કારકુનની તો વળી માળીના મદદનીશની નોકરી પણ કરી. સ્થાનિક રાજકારણમાં સક્રિય રસ લીધો. 1856માં તેમને કોંત્રિજના જિલ્લા કમિશનર અને બ્રસેલ્સના વિર્તઝ મ્યુઝિયમના ક્યૂરેટર તરીકે પસંદ કરવામાં આવ્યા. 1881માં એમના અંતિમ એકસોમા પુસ્તકનું પ્રકાશન થયું તે નિમિત્તે બ્રસેલ્સમાં અભૂતપૂર્વ આનંદ વ્યક્ત થયો. 1883માં એમના માનમાં ઍન્ટવર્પમાં તેમની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
તેમનું ‘ઇનિજ બ્લેદિઝજ્દેન ઇત હેત બૉક દેર નેચુર’ (1846 : ‘એ ફ્યુ પેજીસ ફ્રૉમ ધ બુક ઑવ્ નેચર’) પ્રસિદ્ધ થયું. ફ્રેન્ચ રોમૅન્ટિસિઝમના સંપર્કથી તેમણે ફ્રેન્ચમાં કવિતા રચી. તે જમાનામાં અણઘડ ગણાતી ગ્રામ્ય ભાષા ફ્લેમિશમાં એમણે (ઇન ધ યર ઑવ્ મિરેકલ્સ) (1837) લખેલ. વાસ્તવમાં તેમાં સોળમી શતાબ્દીનાં ઐતિહાસિક ર્દશ્યોનું નિરૂપણ હતું. ‘ધ લાયન ઑવ્ ફલૅન્ડર્સ’ (1838; અં. 1853-57) ફ્લેમિશ નગરપાલિકાઓના ફ્રેન્ચ હકૂમત સામેના વિદ્રોહના મહાકાવ્ય સમું અને ફ્લેમિશ લડવૈયાઓના ‘બૅટલ ઑવ્ ધ ગોલ્ડન સ્પર્સ’ની અમર કહાણી હતું. આ કૃતિઓને કારણે તે ફ્લેમિશ નવલકથાના મહાન સર્જકનું બિરુદ પામ્યા અને યુરોપિયન રોમૅન્ટિસિઝમની તે યાદગાર કૃતિ બની રહી. ગ્રામ અને શહેરી જીવનની એમની નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓ ઉપર અતિ ઊર્મિલતાનો આરોપ મુકાયો છે. જોકે ઘણુંખરું તો તે બધાયમાં નીતિઉપદેશ છે. તેમાં ‘વૉટ એ મધર કૅન સફર’; ‘વુડન ક્લૅરા’ (1850); ‘ધ પુઅર જેન્ટલમૅન’ (1851); ‘બ્લાઇન્ડ રોઝા’ (1850); ‘ધ કૉન્સ્ક્રિપ્ટ’ (1864) અને ‘રિકેતિક તેક’ (1856) વગેરેનો સમાવેશ થાય છે. આ જ અરસામાં તેમની ઐતિહાસિક નવલકથાઓ જેવી કે ‘જેકબ વાન આર્તેવેલ્દે’ (1849) પ્રસિદ્ધ થઈ. એમની સર્જક પ્રતિભાનો એ સર્વોચ્ચ સમય હતો. અન્ય ભાષાઓમાં પણ એમની કૃતિઓના અનુવાદ થયા છે. એમની છેલ્લી નોંધપાત્ર કૃતિઓમાં ‘ધ લૅન્ડ ઑવ્ ગોલ્ડ’ (1862) જેવી ફ્લેમિશ ભાષાની સહુપ્રથમ સાહસકથાને અને ‘દ કેરેલ્સ વાન વ્લાન દે રેન’(1871)ને ગણી શકાય.
ઓગણીસમી સદીના ફ્લેમિશ પુનરુત્થાનના યુગમાં એમનું સ્થાન અદ્વિતીય રહ્યું છે.
વિ. પ્ર. ત્રિવેદી