વ્રણશોથ (Inflammation)
January, 2006
વ્રણશોથ (Inflammation) : ત્વચા-માંસની વિકૃતિથી પેદા થતો સોજો. વ્રણ અને વ્રણશોથ બંનેમાં તફાવત છે. તે બંને એક નથી. જ્યારે શરીરના વાતાદિ દોષો પ્રકુપિત થઈને ત્વચા અને માંસને વિકૃત કરી, એકદેશીય (સ્થાનિક) સોજો પેદા કરે છે કે જેમાં પાક, ધાતુઓનો વિનાશ અને વ્રણ(જખમ)ની ઉત્પત્તિ થાય છે, તેને ‘વ્રણશોથ’ (inflammation) કહે છે. પ્રાય: શરીરના કોઈ મર્યાદિત સ્થાનમાં ઉત્પન્ન થનાર શોથ (સોજો) એ વ્રણનું પૂર્વરૂપ હોય છે.
સંપ્રાપ્તિ : દેહનો પ્રકુપિત વાયુ શિરામાં જઈ કફ, રક્ત તથા પિત્તને દૂષિત કરે છે. જે દુષ્ટ થયેલા કફ, રક્ત, પિત્ત તથા વાયુના માર્ગોને રોકીને શરીરના કોઈ સ્થાનિક (મર્યાદિત) અંગ પર સોજો, ગાંઠ કે ટેકરો પેદા કરે છે, તે ‘વ્રણશોથ’ કહેવાય છે. શરીરના અંદરના વાતાદિ દોષો સિવાય પડવું-વાગવું જેવાં બાહ્ય કારણોથી પણ આ રોગ થાય છે.
રોગનાં લક્ષણો : વ્રણશોથ રોગમાં મર્યાદિત અંગ વિશેષમાં ઉત્સેધ (ઉઠાવ-ટેકરો), ત્વચા લાલ કે સફેદ રંગની થવી, પીડા તથા ગરમાવો થવો તથા જે અંગ પર હોય, તે અંગની ક્રિયાશક્તિ ઘટવી જેવાં સામાન્ય લક્ષણો થાય છે.
પ્રકારો : દોષની દૃષ્ટિએ વ્રણશોથના 6 પ્રકારો છે : વાતિક, પૈત્તિક, કફજ, ત્રિદોષજ, રક્તજ તથા આગંતુક. વ્રણપાકની અવસ્થાની દૃષ્ટિએ તેના 3 પ્રકારો છે : (1) આમાવસ્થા, (2) પચ્યમાનાવસ્થા અને (3) પક્વાવસ્થા. મૂળ નિદાન-(કારણ)દૃષ્ટિએ આ રોગ (1) શરીરના દોષોથી થયેલા – શારીર અને (2) આગંતુક-સદ્યોવ્રણ કે કોઈ શસ્ત્રાદિ વાગવાથી, માર-ચોટ, ઝેરી જીવજંતુના ડંખ કે હિંસક પ્રાણીના દાઢ-નખથી ઈજા થતાં થાય છે.
ભેદ–તફાવત : વ્રણ અને વ્રણશોથનો તફાવત : દેહની ત્વચા અને શ્લેષ્મકલા ફાટી જઈ, અંદરની ધાતુ બહારથી દેખાય તેવા ઘા(જખમ)-વાળી બને તે વ્રણ (અલ્સર). શરીરના દોષ પ્રકુપિત થઈ ત્વચા અને માંસને વિકૃત કરી, એક મર્યાદિત જગ્યામાં સ્થાનિક સોજો કરે કે જેમાં ધાતુનો નાશ અને પાક હોય, તેને ‘વ્રણશોથ’ કહે છે.
ચિકિત્સા : દર્દની કાચી, પાકી અવસ્થા જોઈને જે યોગ્ય લાગે તે વિમ્લાપન (પકાવવું), અવસેચન (દૂષિત રક્ત કાઢવું), ઉપનાહ (દવાની થેપલી), પાટન (ત્વચા ચીરવી), શોધન (વ્રણની શુદ્ધિ), રોપણ (રૂઝ લાવવી) અને વિકૃતિનાશન એમ 7 પ્રકારે ચિકિત્સા થાય છે.
સિદ્ધાંત : વ્રણશોથ પેદા થતાં વૈદ્ય તેને શાંત કરવા-સોજો બેસાડવા પ્રયત્ન કરે છે; જેથી વ્રણ પાકે નહિ. કદાચ તે પાકી જાય તો તેને ફાડીને દૂષિત પરુ ને લોહી બહાર કાઢી, તેની શુદ્ધિ કરી, તેને રૂઝવવાની સારવાર અપાય છે. આમાં કાચાં ગૂમડાં(ગાંઠ)ને કદી ચિરાતાં નથી ને પાકેલાંની ચેકો મારી, દોષ બહાર કાઢી ઉપેક્ષા કરવાની હોતી નથી. વ્રણશોથમાં શીતજળનાં પોતાં મુકાય, શીતજળની ધારા કરાય કે શીતદ્રવ્યો(ચંદન, રતાંજળી, વાળો, લીમડો)નો લેપ કરાય છે. કાચા વ્રણ(ગાંઠ)ને પકાવવા ઘઉંનો કે જવનો લોટ, હળદર અને મીઠું મેળવી પાણી નાંખી ગરમ કરી બનાવેલી પોટીસ (લોપરી) મુકાય છે અથવા સિંદૂરાદ્ય-કાળા મલમની પટ્ટી મારી તેને પકવીને ફોડાય છે. પરિપક્વ વ્રણ સ્વયં ન ફૂટે તો શસ્ત્રથી ચેકો મૂકી ફોડીને, દૂષિત રક્ત-પરુ બહાર કઢાય છે. તે પછી તે વ્રણની શુદ્ધિ માટે સોજો દૂર કરવા માટે તલ + લીમડાનાં પાન અથવા લીમડા અને કણજીનાં પાનની પોટીસ મુકાય છે કે શોધન તેલ મૂકી પાટો બંધાય છે. વ્રણ શુદ્ધ થઈ જાય પછી તેમાં રૂઝ લાવવા માટે જાત્યાદિ તેલ કે મલમ અથવા પંચગુણ તેલનું પોતું મૂકી પાટો બંધાય છે. છરી-ચપ્પું જેવું વાગવાથી થયેલ સદ્યો-વ્રણમાં થતા રક્તસ્રાવને બંધ કરવા માટે જેઠીમધ, હરડે કે લોધ્રનું બારીક ચૂર્ણ દબાવી પાટો બંધાય છે કે તેના પર શીતજળની ધાર કરાય છે. ઘાના સફેદ ડાઘ દૂર કરવા બાવચીનું તેલ મસળાય છે. વ્રણદોષથી કાળી પડેલી ત્વચા પર ઘીનું માલિસ કરાય છે. રૂઝેલ વ્રણની જગ્યાએ વાળ ન ઊગતા હોય તો ત્યાં રસવંતી તથા હાથીદાંતની મસીનો લેપ કરાય છે. વ્રણશોથમાં ખાવાના ઔષધ રૂપે કિશોર ગૂગળ, ત્રિફળા ગૂગળ, અમૃતા ગૂગળ, મંજિષ્ઠાદિ ક્વાથ, વરુણાદિ ક્વાથ, ગંધક રસાયન વગેરે અપાય છે. વ્રણશોથમાં ખાટી, મીઠી ચીજો, ઘી-દૂધ ખાસ નથી આપાતાં.
બળદેવપ્રસાદ પનારા