વ્યાસ, રેખા (. 19 એપ્રિલ 1962, ઉદેપુર, રાજસ્થાન) : હિંદી કવયિત્રી. તેમણે એમ. એલ. સુખડિયા યુનિવર્સિટી, ઉદેપુરમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી, કોટા યુનિવર્સિટીમાંથી પત્રકારત્વની પદવી મેળવી તેમજ પુણે અને દિલ્હીમાં અન્ય ટેક્નિકલ અભ્યાસક્ષેત્રોમાં પ્રશિક્ષણ મેળવ્યું.

તેમણે દૂરદર્શન, દિલ્હી ખાતે પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે કામગીરી કરી. તેઓ પીઆઇબી, દિલ્હીમાં મદદનીશ માહિતી અધિકારી તરીકે રહ્યાં (1990-91). 1984-1990 સુધી આકાશવાણીમાં પ્રસારણ એક્ઝિક્યુટિવ તરીકે તેમણે સેવા આપી.

તેમણે હિંદીમાં 7 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘દિલ આયા દિલ્લી પે’ (1993) વક્રોક્તિયુક્ત કૃતિ છે. ‘અંધેરે કે પાર દ્વાર’ (1996) કાવ્યસંગ્રહ છે, જ્યારે ‘સંસ્કૃત નાટક મેં યથાર્થ એવમ્ આદર્શ’ (1994) તેમનો જાણીતો સંશોધનગ્રંથ છે. ‘મહકતે ફૂલ’ (1995) બાળકાવ્યસંગ્રહ, તો ‘રાજસ્થાની સંસ્કૃતિ એવમ્ સમાજ’ (1995) તેમનો લોકપ્રિય નિબંધસંગ્રહ છે.

આમ પ્રસારણક્ષેત્રે તેમજ સાહિત્યિક ક્ષેત્રે તેમના પ્રદાન બદલ તેમને 1989માં રાજસિંગ ઍવૉર્ડ, 1990માં ભામાશા ઍવૉર્ડ અને સંગીત માટે નારાયણસ્વામી પુરસ્કાર આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા