વ્યાસ, ગિજુભાઈ (જ. 23 એપ્રિલ 1922, દીવ; અ. 6 માર્ચ 2002) : ઉચ્ચરિત શબ્દોના બેતાજ બાદશાહ.
એમનું કુટુંબ મુંબઈ આવ્યું. તેમણે પ્રાથમિક શિક્ષણ મુંબઈની વિવિધ શાળાઓમાં લીધું. 1944માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીના સ્નાતક થયા. આગળ ભણવાની હોંશ હતી, પણ એ જ વખતે પિતાને ધંધામાં ભારે ખોટ ગઈ. પોતાનાં આશા-અરમાનનો વીંટો વાળીને ગિજુભાઈએ લીધી નોકરી ‘માતૃભૂમિ’ નામના ગુજરાતી અખબારમાં. ત્યારબાદ શામળદાસ ગાંધીના ‘વન્દેમાતરમ્’ દૈનિકમાં જોડાયા અને પછી જોડાયા ઑલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ સ્ટેશન પર. ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ એટલે રેડિયોની નોકરીની નિસરણીનું લગભગ સૌથી પહેલું પગથિયું. ઑલ ઇન્ડિયા રેડિયો – આકાશવાણીમાં ‘ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ’ના પદે જોડાઈ, ડેપ્યુટી ડિરેક્ટર જનરલ-આકાશવાણી, ડેપ્યુટી ડિરેક્ટર જનરલ-દૂરદર્શન અને અંતે 1979માં ડિરેક્ટર જનરલ-દૂરદર્શનનો સર્વોચ્ચ હોદ્દો પ્રાપ્ત કરી, 1980માં એ પદેથી સેવાનિવૃત્ત થયા.
દૂરદર્શનના પહેલવહેલા ગુજરાતી ડિરેક્ટર જનરલ તે ગિરજાશંકરભાઈ. એ વખતે સરકારી દૂરદર્શન એ એકમાત્ર ટીવી ચૅનલ. બીજી ખાનગી અને પરદેશી ચૅનલોને હજી સરકારે દેશમાં છૂટ આપી નહોતી. એટલે દૂરદર્શન અને એના વડાનો દબદબો અને મોભો ઘણો-પણ જ્યારે સેવા નિવૃત થયા ત્યારે સાપ કાંચળી ઉતારે તેમ એ બધું ઉતારીને એ સાંજે ગિરજાશંકરભાઈ આમઆદમી બની ઑટોરિક્ષામાં ઘરે આવ્યા. આ ગિરજાશંકરભાઈ એટલે બીજું કોઈ નહીં, પણ સ્પોકન વર્ડના બેતાજ બાદશાહ ગિજુભાઈ વ્યાસ.
એમની કારકિર્દીનો એક મહત્ત્વપૂર્ણ દિવસ એટલે 1948ના જાન્યુઆરીની ૩૦મીની સાંજ. ગિજુભાઈ આકાશવાણીમાં ફરજ પર હતા ત્યારે એક ઓળખીતા વેપારીનો ફોન આવ્યો અને મહાત્મા ગાંધીજીની હત્યાના સમાચાર આપ્યા. તેઓ સીધા પહોંચ્યા સ્ટેશન ડિરેક્ટરની પાસે અને તેમની પરવાનગી લઈ એક ચૅનલ પરના ઉર્દૂમાં બાળકો માટેનો કાર્યક્રમ અને બી ચૅનલ પર કન્નડમાં સમાચાર રોકીને આ સમાચાર ફ્લૅશ કર્યા . જોકે દિલ્હી સ્ટેશન કરતાં ‘પહેલાં કેમ સમાચાર આપી દીધા’ તે બાબતે મેમો મળ્યો – પણ આ મેમોને ગિજુભાઈ પોતાની સિદ્ધિ ગણાવતા. કારણ કે આપણા પહેલાં જો બી.બી.સી. કે વૉઇસ ઑફ અમેરિકા કે દુનિયાનો કોઈ પણ દેશ આ સમાચાર દુનિયાને આપી દેશે તો આપણા દેશનું નાક કપાઈ જશે એ ભાવના સાથે એમણે આ દુઃખદ સમાચાર વહેતા કર્યા અને પછી ધ્રુસકે ધ્રુસકે રડી પણ પડ્યા.
ગિજુભાઈએ પોતાના કાર્યકાળ દરમિયાન મુંબઈ, પટણા, રાજકોટ, અમદાવાદ-વડોદરા, ભુજ તથા જલંધરનાં આકાશવાણી-કેન્દ્રોના નિયામક તરીકે તેમજ વિવિધ ભારતી અને આકાશવાણીની વાણિજ્યસેવાના નિયામક તરીકે કામગીરી જાળવી. એમનો ધીરગંભીર અવાજ – એ ગુજરાતી બ્રૉડકાસ્ટિંગની મહામૂલી મૂડી હતો. તેમણે ગાંધીજીની આત્મકથાનું રેડિયો ઉપર કરેલું પઠન આજે પણ સ્મરણીય રહ્યું છે. પોતાની આગવી કલાદૃષ્ટિથી તેમણે અનેક ગુજરાતી બ્રૉડકાસ્ટરોને તાલીમ આપી પ્રોત્સાહિત કર્યા. રેડિયો-પ્રસારણ ક્ષેત્રે નિર્માણ અને સંશોધનમાં માર્ગદર્શન આપ્યું. મુંબઈ અને સમગ્ર ગુજરાતની નાટ્યપ્રવૃત્તિ સાથે વિવિધ સ્તરે પાંચ દાયકા સુધી તેઓ સંકળાયેલા રહ્યા હતા. 1967થી 1979 દરમિયાન તેમણે વિવિધ વિદેશ-પ્રવાસ ખેડ્યા. 1967માં બ્રિટન અને યુરોપમાં ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ, નેધરલૅન્ડ તથા ઇટાલી – આ દેશોની બ્રૉડકાસ્ટિંગ પદ્ધતિના અભ્યાસ અર્થે પ્રવાસ કર્યો. 1974માં ટોકિયોમાં એશિયા-પૅસિફિક બ્રૉડકાસ્ટિંગ યુનિયનના દસમા વાર્ષિક અધિવેશનમાં ભારતના પ્રતિનિધિ તરીકે તેમણે ભાગ લીધો. 1977માં એશિયન બ્રૉડકાસ્ટિંગ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની કુઆલાલુમ્પુર, મલેશિયા ખાતે મળેલી વાર્ષિક સભામાં ભાગ લીધો. 1978માં ઈસ્ટ વેસ્ટ સેન્ટર, હોનોલુલુ, હવાઈ ખાતે ટ્રાન્સનૅશનલ કમ્યૂનિકેશન એજન્સીઝ અંગેના પરિસંવાદમાં ભાગ લીધો. એ જ વર્ષમાં મૉરિશિયસ ખાતે યોજાયેલી રાષ્ટ્રકુટુંબના દેશોની પરિષદમાં દૂરદર્શનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. 1979માં ઇન્ડો-યુ.એસ. સબકમિશનની અમેરિકાના ચાર્લ્સટન ખાતે યોજાયેલી બેઠકમાં, તેમણે ભારતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે ભાગ લીધો હતો.
હસમુખ બારાડી
ત્રિલોક સંઘાણી
