કોનીન (coniine) : ઉમ્બેલીફેરા વર્ગના હેમલૉક(hemlock, conium macalatum)ના છોડમાંથી મળતા આલ્કેલૉઇડ્ઝનો મુખ્ય ઘટક. યુરોપ, એશિયા અને અમેરિકામાં હેમલૉકના છોડ ઊગે છે. ઈ. પૂર્વે 399માં સૉક્રેટીસને મૃત્યુદંડ માટે હેમલૉકનું તેલ (oil of hemlock) પાવામાં આવેલું. હેમલૉક આલ્કેલૉઇડ્ઝ સમૂહમાંનો પ્રથમ સંશ્લેષણ કરેલો આલ્કેલૉઇડ કોનીન છે. હેમલૉકમાંના ચાર આલ્કેલૉઇડ્ઝમાંથી 1831માં કોનીન છૂટું પાડવામાં આવેલું. 1885માં હૉફમૅને તેનું બંધારણ શોધ્યું. 1886માં લેડનબર્ગે તેનું સંશ્લેષણ કર્યું. કોનીન પ્રકાશક્રિયાશીલ d (દક્ષિણ)-ભ્રમણીય ઘટક છે. તેના l (વામ)-ભ્રમણીય તથા dl (રેસેમિક) સ્વરૂપો પણ બનાવાયાં છે. રેસેમિક (dl) કોનીનનું (+) ટાર્ટરિક ઍસિડથી પ્રભેદન કરી d-કોનીન મેળવવામાં આવે છે. 1932માં બર્ગમૅને તેનું 2–મિથાઇલ પિરિડિન તથા ફિનાઇલ લિથિયમ દ્વારા સરળ સંશ્લેષણ કર્યું છે. તેનું રાસાયણિક નામ 2-પ્રોપાઇલ પિપરિડીન છે. તે સામાન્ય સ્થિતિમાં પ્રવાહી છે. -2oસે.એ તે ઘન બને છે.
પ્રકાશની તથા હવાની હાજરીમાં તે કાળું પડીને બહુલકતા દર્શાવે છે. તે બાષ્પશીલ છે. 1 મિલિ. ઓગાળવા 90 મિલિ. પાણીની જરૂર પડે, પણ ગરમ પાણીમાં તે ઓછું દ્રાવ્ય છે. સામાન્ય તાપમાને તેમાં લગભગ 25 % પાણી ભળી જાય છે. આલ્કોહૉલ, ઈથરમાં મિશ્રણીય, બેન્ઝીનમાં દ્રાવ્ય.
120 મિગ્રા. ઘાતક માત્રા છે. તેના 30થી 60 મિગ્રા. શરીરમાં જતાં નબળાઈ, ઘેન, ઊબકા, સખત પરસેવો વળવો, લકવો, શ્વાસરોધ (asphyxia) અને અંતે મૃત્યુ નીપજે છે. કોનીન હાઇડ્રોક્લોરાઇડ બહુ ઓછી માત્રામાં ઉગ્ર ઉન્માદ (acute mania) સામે તથા ધનુર્વા ઉપર વપરાય છે.
જ. પો. ત્રિવેદી