વ્યક્તિત્વ (personality)
મનસા, વાચા, કર્મણા મનુષ્યની વ્યક્તિ તરીકેની જે આગવી મુદ્રા પ્રગટ થાય છે તે. તમામ માનવીઓ ઘણી બાબતોમાં સમાનતા ધરાવે છે. છતાં દરેક જણ બીજા દરેક જણથી કેટલીક બાબતોમાં ભિન્નતા પણ ધરાવે છે. જુદા જુદા માણસો એક જ પરિસ્થિતિનો અલગ અલગ રીતે પ્રતિભાવ આપે છે; એટલું જ નહિ, એક જ વ્યક્તિ એક જ પ્રકારની પરિસ્થિતિમાં પણ જુદા જુદા સંજોગોમાં જુદી જુદી પ્રતિક્રિયાઓ આપે છે. આ દરેક પ્રસંગે વ્યક્તિનું વર્તન, તેની પ્રતિક્રિયા તેના ‘વ્યક્તિત્વ’ ઉપર આધાર રાખતાં હોય છે. વ્યક્તિત્વનો અભ્યાસ એટલે વ્યક્તિ વિચાર, આવેગો, વર્તનમાં જેવી છે તેવી કેવી રીતે છે, શાથી છે, અન્યથી ભિન્ન શાથી પડે છે વગેરે બાબતોનો અભ્યાસ. તેમાં વ્યક્તિત્વની વિકૃતિઓ, તેનું માપન, તેની સુધારણા વગેરે મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે.
વ્યક્તિત્વની વ્યાખ્યા : વ્યક્તિત્વ માટેનો અંગ્રેજી શબ્દ ‘Personality’ છે. તે ગ્રીક શબ્દ ‘Persona’ ઉપરથી ઊતરી આવ્યો છે. ‘Persona’ એટલે ‘બુરખો’ – ‘ચહેરા ઉપર પહેરવાનું મહોરું’. ગ્રીક સમયમાં નાટકના અદાકારો તેમણે ભજવવાના પાત્રને અનુરૂપ મહોરું પહેરતા; જેથી પ્રેક્ષકો મહોરાના દેખાવ ઉપરથી કોણ ‘નાયક’ છે અને કોણ ‘ખલનાયક’ છે તે ઓળખી શકતા. આ ઉપરથી વ્યક્તિત્વ એટલે ‘માણસનો બાહ્ય દેખાવ’ એવો અર્થ પ્રચલિત થયો. સામાન્ય જન એક વ્યક્તિની બીજી વ્યક્તિ ઉપર જે છાપ પાડે છે તેના ‘સામાજિક ઉદ્દીપનના મૂલ્ય’ને વ્યક્તિત્વ કહે છે; જેમ કે, જે વ્યક્તિ પોતાનાં વાણી, વર્તન, દેખાવ, પહેરવેશ ઉપરથી અન્ય માણસોને પ્રભાવિત કરે, આંજી નાખે તેને ‘વ્યક્તિત્વ’ છે અને માંદલી, સુકલકડી, બોલવામાં લોચા વાળે તે વ્યક્તિમાં વ્યક્તિત્વ જેવું કંઈ નથી એમ મનાય છે. વ્યક્તિનું વ્યક્તિત્વ એટલે વ્યક્તિએ જીવનમાં ભજવવાની ભૂમિકાઓ, કે વ્યવસાય અને તે પ્રમાણેની કાર્યરીતિ એવો અર્થ પણ પ્રચલિત છે. વ્યક્તિત્વ વિશેના આ અર્થની પાછળ સમજ એ છે કે માણસમાં તેના વ્યવસાય કે દરજ્જા પ્રમાણે વિશિષ્ટ ખાસિયતો, સ્વભાવ કેળવાય છે; જેમ કે, ડૉક્ટર, વકીલ, અધ્યાપક કે લશ્કરી અમલદારના સ્વભાવની ખાસિયતો તેમના વ્યવસાયને અનુરૂપ અલગ અલગ હોય છે, પરંતુ વ્યક્તિત્વ વિશેની આ પ્રચલિત સમજો સાચી નથી; કારણ માણસની પ્રાસંગિક વર્તન, વ્યવસાય, પહેરવેશ કે કાર્યરીતિની ઝલક ઉપરથી તેના ‘વ્યક્તિત્વ’ને પૂરું ઓળખી શકાય નહિ. માણસને ઓળખવા માટે મનોવિજ્ઞાનના વિકાસ પૂર્વેથી કેટલીક પદ્ધતિઓ અજમાવવામાં આવે છે. હસ્તરેખાવિદ્યા, જ્યોતિષ, મસ્તિષ્કવિદ્યા, મુખસામુદ્રિકશાસ્ત્ર, હસ્તાક્ષરવિદ્યા વગેરે; પરંતુ વ્યક્તિના વ્યક્તિત્વને ઓળખવા માટેની આ તમામ પદ્ધતિઓ અંગે વિજ્ઞાનને અનેક પ્રશ્નો છે.
મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ માણસનું વ્યક્તિત્વ તેની વર્તનશૈલી, તેની બૌદ્ધિક શક્તિઓ, અભિયોગ્યતાઓ, વિચારો અને આવેગોની ટેવો, મનોવલણો અને બીજાં એવાં વિશિષ્ટ પાસાંઓના ગત્યાત્મક સંગઠનથી ઊપજેલું સુગ્રથિત સ્વરૂપ છે. આમ વ્યક્તિત્વ એ વ્યક્તિનાં અનેક પાસાંઓના નિરાળા સંગઠનથી ઊપજેલી અજોડ, જટિલ સંરચના છે અને તેથી વ્યક્તિના વ્યવહારોમાં સંવાદિતા, સાતત્ય અને વિશેષતા ઊપજે છે. દરેક વ્યક્તિને બે આંખો, કાન, નાક વગેરે છે; છતાં દરેકનો ચહેરો લાક્ષણિક છે, અન્ય વ્યક્તિના ચહેરાથી ભિન્ન છે; તેવી જ રીતે સર્વ વ્યક્તિઓના જીવન અને વર્તનમાં અનેક પાસાંઓમાં સમાનતા છે, છતાં દરેક વ્યક્તિમાં તેનાં પાસાંઓનું ગુંફન એવી વિશિષ્ટ અને અલાયદી રીતે થયું હોય છે કે કોઈ પણ બે માણસનાં વ્યક્તિત્વ સમાન હોતાં નથી. સમાન પરિવેશ અને સંસ્કૃતિમાં ઊછરેલી વ્યક્તિઓમાં પણ દરેકનું વ્યક્તિત્વ અનોખું અને અદ્વિતીય હોય છે. વ્યક્તિત્વ એ વ્યક્તિનું વાતાવરણ સાથેનું સુસંગત વિશિષ્ટ વૈયક્તિક અનુકૂલન છે.
માણસના વ્યક્તિત્વનો અભ્યાસ જુદા જુદા અનેક હેતુઓ, જરૂરિયાત તેમજ દૃષ્ટિબિંદુથી થઈ શકે. આથી વ્યક્તિત્વનો અભ્યાસ કરવા વિશે જુદા જુદા અનેક અભિગમો અને સિદ્ધાંતો ઉદ્ભવ્યા છે. વ્યક્તિત્વનો અભ્યાસ જૈવીય, મનોવૈજ્ઞાનિક, વિકાસાત્મક, ગત્યાત્મક વગેરે વિવિધ અભિગમોથી કરવામાં આવ્યો છે.
વ્યક્તિત્વના પ્રકારો (personality types) દ્વારા અભ્યાસ : વ્યક્તિત્વમાંના તફાવતોના આધારે વર્ગીકરણ કરી પ્રકારો પાડીને માણસોને ઓળખવાની રીત બહુ જૂની છે. મનોવિજ્ઞાનીઓએ, મનોરોગચિકિત્સકોએ આવાં ઘણાં વર્ગીકરણો સૂચવ્યાં છે. આવા પ્રકારો સામાજિક વર્તન, મૂલ્યો, મનોવલણો તેમજ સ્વભાવ સાથે સંબદ્ધ મનાતાં જૈવીય તત્વો, શરીરબંધારણ અને માનસિક લક્ષણો વગેરેના આધારે પાડવામાં આવ્યાં છે. આ વિવિધ રીતના વર્ગીકરણમાં અનેક પ્રકારો એકસરખા પણ જોવા મળે છે.
જે અભ્યાસીઓએ આવા વ્યક્તિત્વ-પ્રકારો પાડ્યા છે તેમને એમ લાગ્યું છે કે ‘વ્યક્તિત્વ અમુક પ્રકારનું છે’ એમ કહેવાથી વ્યક્તિનાં સ્વભાવ, ગુણલક્ષણ અને તેમની વ્યક્તિત્વ-સંરચના વિશે ઇષ્ટ સમજ મળી શકે છે.
વ્યક્તિત્વનું વર્ગીકરણ કરવાની કદાચ જૂનામાં જૂની પદ્ધતિ જ્યોતિષશાસ્ત્રની છે. જ્યોતિષમાં બાર રાશિઓ ગણાવવામાં આવે છે અને માણસોનો અમુક રાશિના પ્રભાવ નીચે જન્મ થયો હોય તો તેનામાં ચોક્કસ સ્વભાવ, ગુણલક્ષણો, શરીરબંધારણ, તંદુરસ્તી વગેરે હોય એમ માનવામાં આવે છે. આ રીતે બાર રાશિઓના આધાર ઉપર સમગ્ર વસ્તીને બાર પ્રકારનાં વ્યક્તિત્વોમાં વહેંચવામાં આવે છે.
વ્યક્તિના શરીરનું બંધારણ, એનો બાંધો, એનાં વર્તન, સ્વભાવ તથા ગુણલક્ષણોને પ્રભાવિત કરે છે એ માન્યતાના આધારે માણસોના શરીર-બંધારણ અનુસાર વ્યક્તિત્વના પ્રકારો પાડવાના પ્રયાસો થયા છે. ઈ. પૂ. પાંચમી સદીમાં ગ્રીક તબીબ હિપૉક્રેટિસે કહ્યું કે માનવશરીર ચાર મુખ્ય દ્રવો(humors)નું બનેલું છે. આ ચારેય દ્રવોનું પ્રમાણ અને સંગઠન દરેક વ્યક્તિમાં જુદી જુદી રીતે હોય છે. માણસના શરીરમાં આ ચાર દ્રવોમાંથી જે દ્રવનું પ્રમાણ વધારે હોય તે અનુસાર તેનું વ્યક્તિત્વ રચાય છે અને તેનામાં સ્વભાવ, ગુણલક્ષણો ઊપજે છે. આ રીતે હિપૉક્રેટિસે ચાર વ્યક્તિત્વ-પ્રકારો ગણાવ્યા છે. જે માણસમાં લોહી(bloodવાયુતત્વ)તત્વ પ્રધાન છે તેનું વ્યક્તિત્વ તીક્ષ્ણ, આશાવાદી, ઉમંગી હોય છે. કફપ્રધાન (phlegm, જળતત્વ) વ્યક્તિ સ્વભાવમાં ઓછો સક્રિય હોય છે. કાળું પિત્ત (black bile, પૃથ્વીતત્વ) ધરાવતી વ્યક્તિ સ્વભાવથી ઉદ્વિગ્ન, ઉદાસ અને નિરાશાવાદી હોય છે. પીળું પિત્ત (yellow bile, અગ્નિતત્વ) ધરાવતી વ્યક્તિ મોટેભાગે ઉત્તેજિત, ઉગ્ર સ્વભાવવાળી બને છે. હિપૉક્રેટિસ માનતા કે શરીરમાં આ ચાર દ્રવો વચ્ચેના પ્રમાણમાં અસમતુલાઓથી ઘણા રોગો ઊપજે છે. જોકે શરીરમાં દ્રવતત્વના આ સિદ્ધાંતને ગંભીર રીતે ધ્યાનમાં લેવામાં આવ્યો નથી, છતાં આધુનિક સમયમાં માનવ-વર્તનમાં જૈવરાસાયણિક તત્વોનું, અંતસ્રાવી ગ્રંથિઓનું મહત્વ શોધનારા અભ્યાસીઓ હિપૉક્રેટિસ પાસેથી પ્રેરણા પામ્યા હશે. ભારતીય આયુર્વેદશાસ્ત્રમાં શરીરની પ્રકૃતિમાં વાત, કફ અને પિત્ત તત્વો અને તેનાથી વ્યક્તિમાં ઊપજતા રોગો, સ્વભાવલક્ષણો વચ્ચેના સંબંધ વિશેનો સિદ્ધાંત અને હિપૉક્રેટિસ-ગેલનના દ્રવતત્વના સિદ્ધાંત વચ્ચે ઘણી સમાનતા છે.
હિપૉક્રેટિસે શરીરના બાંધા પરત્વે બે પ્રકારો પાડ્યા : સ્થૂળ અને સ્નાયુપ્રધાન મજબૂત શરીર (habitus apopleticus) અને સુકલકડી, નબળું અને નાજુક શરીર (habitus phthisicus). તેણે કહ્યું કે બંને શરીરપ્રકારો વચ્ચે સ્વભાવ અને રોગનો ભોગ બનવાની ક્ષમતા પરત્વે તફાવત પડે છે. પહેલા પ્રકારના માણસોમાં જ્ઞાનેન્દ્રિયો અને સ્નાયુઓની નબળાઈનો તો બીજા પ્રકારના માણસોમાં ક્ષયરોગનો ભોગ બનવાની સંભાવના વધારે રહે છે.
જર્મન મનોરોગચિકિત્સક એન્ટન ક્રેશ્મરે શરીરનો બાંધો અને સ્વભાવ વચ્ચેના સંબંધને તેના પુસ્તક ફિઝીક ઍન્ડ કેરૅક્ટર દ્વારા પુનર્વિચારણામાં લીધો. તેણે વ્યક્તિત્વના ચાર પ્રકારો ગણાવ્યા છે : મેદપ્રધાન (pyknic) સ્થૂળ, ઓછી ઊંચાઈ ધરાવતી વ્યક્તિઓ સ્વભાવે બહિર્મુખી, વ્યવહારુ અને વાસ્તવિક દૃષ્ટિવાળી હોય છે. સ્નાયુપ્રધાન (athletic) શરીરનો બાંધો સુદૃઢ તથા ઊંચાઈ-વજન પ્રમાણસર હોય છે. આવી વ્યક્તિઓ ઉત્સાહી, શક્તિશાળી અને પ્રભુત્વ જમાવનારી હોય છે. સ્નાયુ અને ચરબીના ઓછા પ્રમાણવાળી, પાતળું, ઊંચું, અસ્થિપ્રધાન (aesthenic) શરીર ધરાવનારી વ્યક્તિઓ સ્વભાવે અંતર્મુખી, ચિંતનપ્રધાન અને મૂલ્યલક્ષી વલણવાળી હોય છે. આ ત્રણ પ્રકારોમાં સ્પષ્ટ રીતે ન ગોઠવાઈ શકે એવું શરીરબંધારણ ધરાવતી વ્યક્તિઓ ચોથા વર્ગ, મિશ્ર પ્રકાર(dysplastic)માં મુકાય.
ક્રેશ્મરે પછીથી શરીરબંધારણની વિશેષતાને માનસિક રોગનો ભોગ થવાની સંભાવના સાથે જોડવાનો પ્રયાસ કર્યો. મેદપ્રધાન વ્યક્તિ ચક્રીય મનોદશાવાળું વ્યક્તિત્વ ધરાવે છે અને ઉન્મત્ત-ખિન્ન મનોવિકૃતિનો ભોગ બનવા પ્રતિ વધારે વલણ રહે છે. સ્નાયુપ્રધાન અને અસ્થિપ્રધાન વ્યક્તિ છિન્ન મનોદશાવાળું વ્યક્તિત્વ ધરાવે છે અને તેમનામાં છિન્ન મનોવિકૃતિનો ભોગ બનવા પ્રતિ વધારે વલણ હોય છે.
ક્રેશ્મરના અભ્યાસે અમેરિકાના વિલિયમ શેલ્ડન(1942)ને આ દિશામાં વધારે ઊંડો અભ્યાસ કરવા માટે ભૂમિકા પૂરી પાડી. શેલ્ડને તેના સંશોધનમાં શારીરિક બંધારણ અને સ્વભાવ વચ્ચેના સંબંધ પરત્વે સંખ્યાત્મક તેમજ આંકડાશાસ્ત્રીય રીતે મૂલ્યાંકન કર્યું છે. તેણે કહ્યું કે પ્રત્યેક વ્યક્તિના શરીરને ત્રણ પરિમાણો દ્વારા દર્શાવી શકાય : જઠરવિકાસનું પ્રાબલ્ય, સ્નાયુવિકાસનું પ્રાબલ્ય તેમજ ત્વચા અને મજ્જાતંતુઓના વિકાસનું પ્રાબલ્ય. આ અનુસાર શેલ્ડને બાહ્યસ્તરપ્રધાન (endomorphic), મધ્યસ્તરપ્રધાન (meso-morphic) અને આંતરસ્તરપ્રધાન (ectomorphic) – એવા ત્રણ વ્યક્તિત્વ-પ્રકારો પાડ્યા. શારીરિક બંધારણના આ ત્રણ પ્રકારોને અનુરૂપ અનુક્રમે ત્રણ સ્વભાવના પણ પ્રકારો બતાવ્યા છે. જઠરના પ્રભુત્વવાળી બાહ્યસ્તરપ્રધાન વ્યક્તિ આરામપ્રિય અને આનંદી હોય છે. સ્નાયુઓનું પ્રાબલ્ય ધરાવતી મધ્યસ્તરપ્રધાન વ્યક્તિ પ્રવૃત્તિપ્રિય, આક્રમક સ્વભાવ ધરાવે છે. મજ્જાતંતુઓનું પ્રાબલ્ય ધરાવતી આંતરસ્તરપ્રધાન વ્યક્તિ વિચારપ્રિય, સંયમી અને સંકોચશીલ હોય છે.
ક્રેશ્મર, શેલ્ડન જેવાના વ્યક્તિત્વ-પ્રકારો વિશેના અભ્યાસો રસ પડે તેવા છે; પરંતુ તેમનું વૈજ્ઞાનિક મૂલ્ય બહુ ઊંચું નથી. તેમના અભ્યાસો માત્ર શરીરબંધારણ અને સ્વભાવ વચ્ચેના સહસંબંધનો નિર્દેશ કરે છે; પરંતુ આ સહસંબંધ હોય તો તે શાથી છે તે પ્રશ્નનો જવાબ શોધવાનો રહે છે. શરીરબંધારણ અને સ્વભાવનો સહસંબંધ તપાસવા મૂલ્યાંકન-તુલા અને કસોટીઓના ઉપયોગથી ક્રેશ્મર તેમજ શેલ્ડનના વર્ગીકરણને ઝાઝો ટેકો તેમજ સમર્થન પણ મળતાં નથી.
વ્યક્તિત્વના પ્રકારોનું વર્ગીકરણ વર્તન, મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓના આધાર ઉપર કરવાના પ્રયાસો થયા છે. આવું એક જાણીતું વર્ગીકરણ કાર્લ યુંગનું છે. સ્વભાવની દૃષ્ટિએ યુંગે માણસોને બે વર્ગમાં મૂક્યા છે : અંતર્મુખી અને બહિર્મુખી. વ્યક્તિના પાયાના મનોવલણના આ બે પ્રકારો સાથે ચાર ચૈતસિક કાર્યો, વિચારણા અને લાગણી તેમજ સંવેદન અને અંતર્જ્ઞાનને જોડીને યુંગે આઠ વ્યક્તિત્વ-પ્રકારો ગણાવ્યા છે. યુંગનું આ પ્રકારનું વ્યક્તિત્વ-વર્ગીકરણ રસ પડે તેવું છે; પરંતુ શું ખરેખર માણસો કાં તો અંતર્મુખી અથવા બહિર્મુખી – એવા બે પરસ્પરવિરુદ્ધ પ્રકારોમાં વહેંચાય છે ? વ્યવહારમાં તો અંતર્મુખી-બહિર્મુખી બે સ્વતંત્ર પ્રકારો નથી જ, પરંતુ એક જ વલણના બે આત્યંતિક છેડાઓ છે. દરેક વ્યક્તિ ઓછાવત્તા પ્રમાણમાં બંને સ્વભાવનાં લક્ષણો ધરાવે છે. મોટાભાગના લોક ઉભયમુખી હોય છે. પ્રાચીન ભારતમાં સાંખ્યદર્શનમાં કપિલમુનિએ જણાવ્યું છે કે સમગ્ર વિશ્વ સત્વ, રજસ્ અને તમસ્ – એમ ત્રણ તત્વોનું બનેલું છે. માનવીની માનસિકતામાં પણ આ ત્રણ તત્વોમાંથી કોઈ એકના પ્રાબલ્ય પ્રમાણે તેના સ્વભાવ-વ્યક્તિત્વના સાત્ત્વિક, રાજસિક અને તામસિક એવા ત્રણ પ્રકારો પડે છે. શ્રીમદભગવદ્ગીતામાં આ ત્રણ વ્યક્તિત્વ-પ્રકારો અને તેમનાં ગુણલક્ષણોનું વિગતે વિવરણ કરવામાં આવ્યું છે.
એડુઆર્ડ સ્પ્રેન્ગરે (1928) કહ્યું છે કે દરેક માનસિક પ્રવૃત્તિને કોઈ ધ્યેય કે મૂલ્ય સાથે સંબંધ હોય છે. સ્પ્રેન્ગરે સંસ્કૃતિનાં છ ક્ષેત્રો સાથે સંબંધ ધરાવતા માનવવર્તનનાં છ મૂલ્યો શોધી કાઢ્યાં અને તે અનુસાર છ વ્યક્તિત્વ-પ્રકારો ગણાવ્યા. આ મૂલ્યો છે : સૈદ્ધાંતિક, આર્થિક, સૌંદર્યલક્ષી; સામાજિક, રાજકીય અને ધાર્મિક. જીવનમૂલ્યોની દૃષ્ટિએ વ્યક્તિત્વનું વર્ગીકરણ રસમય તો છે, પરંતુ બહુ ઓછી વ્યક્તિઓનું આ પ્રકારનાં મૂલ્યોમાં સ્પષ્ટ રીતે વર્ગીકરણ કરી શકાય. દરેક વ્યક્તિમાં આ તમામ મૂલ્યો ઓછાવત્તા પ્રમાણમાં હોય છે. વળી જીવનમૂલ્યો આ અને આટલાં જ એવી અંતિમતા કેવી રીતે સ્વીકારાય ?
વ્યક્તિત્વ અભ્યાસ પરત્વે જૈવ અભિગમ : જૈવ અભિગમ એમ માને છે કે વાર્તનિક લક્ષણોનાં મૂળ શરીરરચના અને અસ્થિરચના તેમજ મજ્જાતંત્ર અને ગ્રંથિસ્રાવો જેવા રાસાયણિક દ્રવોમાં રહેલાં છે. વ્યક્તિના વર્તનની વિશેષતાઓ તેમજ વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના વાર્તનિક તફાવતોનું મૂળ આ જૈવ ભૂમિકાઓમાં છે. જૈવવાદીઓ માને છે કે વ્યક્તિત્વ-ગુણો વારસામાં આવી શકે છે. વ્યક્તિમાં આક્રમકતા, નરમાશપણું, મૈત્રીપૂર્ણતા, ઉદ્ધતાઈ, શરમાળપણું, અતડાપણું વગેરે લક્ષણો અંશત: માબાપ તરફથી મળેલો વારસો હોઈ શકે. જેરોમી કેગન અને જે. સ્ટીવન રેનઝીક (1986) માને છે કે પ્રૌઢ વયે વ્યક્તિમાં પ્રગટતું અતડાપણાનું – શરમાળપણાનું મૂળ અંશત: વારસાગત છે. વિલિયમ જેમ્સના જીવનનો અભ્યાસ કરનાર એલેન (1967) જણાવે છે કે જેમ્સને જિંદગીભર જેની યાતના સહન કરવી પડી તે ખિન્નતા અને વ્યગ્રતાનાં લક્ષણો તેમના પિતા, ભાઈ અને બહેનોમાં પણ હતાં. એકદળ જોડિયાં બાળકોમાં બંને બાળકો ઘણા વ્યક્તિત્વ-ગુણો પરત્વે ઊંચી સમાનતા ધરાવે છે. એ માટે પણ તેમનો સમાન વારસો જ કારણભૂત માની શકાય.
જોકે જૈવ અભિગમથી થયેલાં વ્યક્તિત્વલક્ષણો તેમજ વાર્તનિક લક્ષણો વિશેના અભ્યાસો બતાવે છે કે તેમાં ઉછેરના ફાળા ઉપરાંત જનીનિક વારસાનો ફાળો તો છે જ, પરંતુ જનીનિક વારસો કુટુંબના સભ્યો તેમજ જોડિયાં બાળકોમાં સમાનતાઓ નિપજાવવામાં કઈ રીતે કામ કરે છે તે કહી શકાતું નથી. આપણા માનવી તરીકેના વર્તનવ્યવહારોમાં આપણને માનવ-પૂર્વજો તરફથી મળેલો જનીનિક વારસાનો ફાળો તો ખરો જ. આમ છતાં કોઈ એક વ્યક્તિના વર્તનને જનીનો કઈ રીતે પ્રભાવિત કરે છે તે સંશોધનોથી સ્પષ્ટ થતું નથી.
વ્યક્તિત્વ વિશે ઉત્ક્રાંતિમૂલક અભિગમ (evolutionary approach) : મનુષ્યની આસપાસના લોકો આક્રમક, પ્રભાવશાળી, જવાબદાર, ઉત્તરદાયી, આનંદી, ચપળ એવા જાતજાતનાં ગુણલક્ષણો ધરાવે છે. આવા ગુણો કેવી રીતે આવ્યા હશે તે પ્રશ્ન છે. કેટલાક અભ્યાસીઓ જણાવે છે કે મનુષ્યના પૂર્વજો જે વાતાવરણમાં જીવતા હતા તેમાં જીવવા માટે કરવા પડતા સંઘર્ષ દરમિયાન સમાયોજન સાધવામાં જુદા જુદા માણસોમાં તેમની પરિસ્થિતિને અનુકૂળ એવાં વાર્તનિક લક્ષણો વિકસ્યાં હશે. આ ઉત્ક્રાંતિ-મૂલક મત ધરાવતા અભ્યાસીઓ એમ પણ કહે છે કે એક જૂથમાં રહેતા લોકોમાં જુદા જુદા વ્યક્તિત્વ-ગુણો હોય છે; જેમ કે, એક વ્યક્તિ યોદ્ધો બને તો બીજો બાળકની સંભાળ રાખે, ત્રીજો વેપાર કરે વગેરે. આ ગુણો પણ સંજોગોની અનુકૂળતા પ્રમાણે ગોઠવાઈ જવાની પ્રક્રિયામાં જ વિકસતા હશે. (હોગન – 1982).
વ્યક્તિત્વ વિશેનો મનોગત્યાત્મક (psychodynamic) અભિગમ : નિર્વિવાદ રીતે સિગમંડ ફ્રૉઇડ માનવવર્તન અને વ્યક્તિત્વ વિશેનો સૌથી પ્રભાવશાળી સિદ્ધાંતવિદ છે. તેમનું મનોવિશ્ર્લેષણનું સિદ્ધાંતતંત્ર મનોગત્યાત્મક અભિગમ ધરાવે છે, કારણ ફ્રૉઇડની માનવવર્તન વિશેની દરેક સમસ્યા વિશેની ચર્ચામાં માનવીનું પ્રેરણતંત્ર, પ્રેરણોમાં થતો સંઘર્ષ અને તેમાંથી નીપજતા વર્તનપ્રકારો વ્યક્તિના વ્યક્તિત્વની રચનાના મૂળમાં રહેલા હોવાનું મનાયું છે. ફ્રૉઇડ માને છે કે વ્યક્તિત્વનું મૂળ વ્યક્તિની જૈવિક જરૂરતો – પ્રેરણાઓ અને તેના સમાજ સાથેના સંઘર્ષોમાં છે. ફ્રૉઇડે વિકસાવેલા વ્યક્તિત્વ- સિદ્ધાંતની ભૂમિકામાં નીચેના ખ્યાલો રહેલા છે :
(1) મૂળવૃત્તિઓનો સિદ્ધાંત : જીવનશક્તિ, કામશક્તિ અને મૃત્યુની એષણા.
(2) ચિત્તની રચનાનો સિદ્ધાંત : બોધ, અવબોધ અને અબોધ.
(3) વ્યક્તિત્વ-રચનાના ત્રણ ઘટકો : નિમ્ન અહમ્ (Id), અહમ્ (Ego) અને ઉપરી અહમ્ (Super Ego).
(4) વ્યક્તિત્વબંધારણ અને વિકાસની અવસ્થાઓ.
તમામ માનવીઓનું વર્તન આત્મસંરક્ષણ, જાતિસંરક્ષણ અને કામાવેગથી પ્રેરાયેલું હોય છે. આ મૂળવૃત્તિઓ વ્યક્તિત્વ-સંરચનાનો પાયો છે. આ મૂળવૃત્તિઓનો સંતોષ જીવનની પ્રાથમિક બાબત છે. તેને ફ્રૉઇડ નિમ્ન અહમ્ કહે છે. બાળકના પ્રયત્નો સદૈવ આ મૂળવૃત્તિઓના સંતોષ માટે જ હોય છે. માતાપિતા અને સમાજ બાળકને પોતાની રીતે ઉછેરવા માગે છે; આથી બાળકની વૃત્તિઓ સતત સમાજ સાથે સંઘર્ષમાં હોય છે. આ વૃત્તિઓ-પ્રેરિત પ્રક્રિયાઓ મૂળભૂત રીતે સુખપ્રાપ્તિના સિદ્ધાંત (pleasure principle) પર નિર્ભર હોય છે અને તેથી સંઘર્ષો થાય છે ત્યારે વ્યક્તિનો અહમ્ જે વાસ્તવિકતાના સિદ્ધાંત ઉપર કામ કરે છે તે નિમ્ન અહમના આવેગોનું નિયંત્રણ કરી તેને સમાજસ્વીકાર્ય માર્ગોએ કામ કરવા દબાણ કરે છે. બાળકની પાંચેક વર્ષની ઉંમરની આસપાસ તે સમજે છે કે પોતાનું વર્તન માબાપના મૂલ્યતંત્ર, નીતિનિયમો અનુસાર અને શિસ્તબદ્ધ હોવું જોઈએ. મૂલ્યતંત્ર વિશેની સમજમાંથી ધીમે ધીમે નૈતિક ધોરણો, યોગ્ય-અયોગ્ય વિશેના ખ્યાલો બાળકમાં દાખલ થાય છે, જે બાળકના વર્તનને તે પ્રમાણે અનુસરવા દબાણ કરે છે. આ મૂલ્યતંત્ર જે બાળકના આંતરિક જગત, વિચારતંત્રનું અંગ બની જાય છે અને તેને ફ્રૉઇડ ઉપરી અહમ્, અંતરાત્મા (Super Ego) કહે છે. આમ ફ્રૉઇડના મતે વ્યક્તિત્વના મૂળમાં જે જૈવ વૃત્તિઓ – કામશક્તિ રહેલી છે તેને (Id) સંતોષ થવામાં વૃત્તિઓ અને અહમ્ તેમજ ઉપરી અહમ્ (Super Ego) વચ્ચે જે આંતરપ્રક્રિયાઓ થાય છે તેમાંથી વ્યક્તિનું વ્યક્તિત્વ બંધાય છે. ફ્રૉઇડ માને છે કે બાળકમાં જન્મથી માંડીને પુખ્ત વય સુધીમાં તેના મૂળભૂત પ્રેરક તત્વ કામપ્રેરણનો સંતોષ જુદી જુદી રીતે થાય છે અને એ રીતે તેણે વ્યક્તિત્વવિકાસની અવસ્થાઓ (stages) અને તેના આધારે વ્યક્તિત્વ-પ્રકારોનું વિશ્ર્લેષણ કર્યું છે. પ્રથમ વરસમાં જ્યારે બાળકની મુખ્ય પ્રવૃત્તિ ધાવવું અને ધાવણ છોડાવવામાં રહેલી છે તેને મુખ-અવસ્થા (oral stage) કહે છે. બીજા વરસમાં બાળકની મળમૂત્રની તાલીમ ઉપર માતાપિતા વધારે ધ્યાન આપે છે તેને ગુદ-અવસ્થા (anal stage) કહે છે. ત્રણથી પાંચ વરસની ઉંમર દરમિયાન બાળકના ધ્યાન અને પ્રવૃત્તિઓનું કેન્દ્ર તેના લિંગ સ્તરોની રમતમાં હોય છે. તેથી તેને વ્યક્તિત્વ-વિકાસની લિંગ-અવસ્થા (phallic stage) કહે છે. છથી બાર વરસના ગાળામાં કોઈ પ્રગટ જાતીય પ્રવૃત્તિ દેખાતી નથી તેથી તેને ગુપ્ત અવસ્થા (latent stage) કહે છે. ત્યારપછી વિકાસની સજાતીય અવસ્થા (homosexual stage) તથા તરુણાવસ્થા અને વિજાતીય આકર્ષણના તબક્કાને વિજાતીય અવસ્થા (heterosexual stage) કહે છે. ફ્રૉઇડ જણાવે છે કે વિશેષ કરીને પાંચછ વરસની ઉંમર સુધીનાં વર્ષો દરમિયાન બાળકને માતાપિતાની તાલીમ, તેમનાં ધોરણો, મૂલ્યો, દબાણો સાથે સંઘર્ષમાં આવવું પડે છે. પરિણામે તેનામાં કેટલીક ગ્રંથિઓ (દા. ત., ઈડિપસ કૉમ્પ્લેક્સ) બંધાય છે. બાળકમાં કામવૃત્તિનો અસંતોષ રહી જાય છે. શૈશવકાળમાં થયેલા આ કામવૃત્તિ – અસંતોષો બાળકના ચિત્તમાં જડાઈ જાય છે, સ્થિર બની જાય છે અને તેના પુખ્તવયે વિકસતા વ્યક્તિત્વ ઉપર તેની આંતરિક, ઊંડી છાપ પડે છે. આ છાપથી વ્યક્તિત્વ વિશેષ રીતે ઓળખાય છે.
ફ્રૉઇડના મનોગત્યાત્મક અભિગમને કેન્દ્રમાં રાખીને, પરંતુ તેના મૂળભૂત સિદ્ધાંતતંત્રથી થોડાઘણા અલગ પડીને ફ્રૉઇડના જ અનુયાયીઓ અને શિષ્યોએ કેટલાક વ્યક્તિત્વ-સિદ્ધાંતો આપ્યા છે. તેમાં કાર્લ યુંગે તેના સિદ્ધાંતમાં કામૅરાણા ઉપરાંત ધાર્મિક આધ્યાત્મિક વિકાસની વૃત્તિ ઉપર ભાર મૂક્યો છે તેમજ અબોધના સિદ્ધાંતમાં સામાજિક-સાંસ્કૃતિક પરિબળોથી પ્રભાવિત સામૂહિક અબોધના ખ્યાલને મહત્વ આપ્યું. આલ્ફ્રેડ એડલરે (1930) પણ કામપ્રેરણનું મહત્વ ઓછું આંક્યું અને વ્યક્તિત્વવિકાસમાં ‘ઉત્તમતા માટેની ઝંખના’, લઘુતાવૃત્તિથી ઉપર ઊઠવાના પ્રયાસોને પાયાના ગણ્યા છે. આ ઉપરાંત કારેન હૉર્ની(1945)એ બુનિયાદી વ્યગ્રતાને, એરિક ફ્રૉમે (1947) સામાજિક અનુભવોને, હેનરી મરે(1938)એ મનોવૈજ્ઞાનિક જરૂરતો વગેરેને કેન્દ્રમાં રાખી વ્યક્તિત્વ-સિદ્ધાંતો વિકસાવ્યા છે.
ફ્રૉઇડના મનોવિશ્ર્લેષણાત્મક વ્યક્તિત્વ-સિદ્ધાંતને વૈજ્ઞાનિક સિદ્ધાંત કહેવો મુશ્કેલ છે; કારણ કે તે મુખ્યત્વે તો મનોરોગીઓના ચિકિત્સાત્મક અનુભવો ઉપરથી તારવવામાં આવ્યો છે; આમ છતાં ફ્રૉઇડના મનોગત્યાત્મક અભિગમનો ઊંડો પ્રભાવ ત્યારપછીના વ્યક્તિત્વ વિશેના સિદ્ધાંતવિદો અને અભ્યાસીઓ ઉપર પડ્યો છે. વ્યક્તિત્વના વિકાસમાં જૈવ વૃત્તિઓનું પ્રાબલ્ય, બાળકના ઉછેરની રીત, બાળકને શૈશવકાળમાં મળતા અનુભવો વગેરેના મહત્વનો આજે સૌ વ્યક્તિત્વવાદીઓએ સ્વીકાર કર્યો છે.
વ્યક્તિત્વ વિશેનો વાર્તનિક અભિગમ : વાર્તનિક અભિગમ જન્મ પછીના વાતાવરણ, પરિવેશ અને ઉછેરની પ્રક્રિયાના પ્રભાવથી પ્રગટતાં વ્યક્તિત્વનાં લક્ષણો અને વર્તનને કેન્દ્રમાં રાખે છે. વાર્તનિક અભિગમના પુરસ્કર્તાઓમાં જે. બી. વૉટસન, બી. એફ. સ્કીનર જેવા વર્તનવાદીઓ તેમજ સામાજિક શિક્ષણસિદ્ધાંતના સમર્થકો રહેલા છે. વાર્તનિક અભિગમ અનુસાર વ્યક્તિત્વ એટલે વ્યક્તિ જે કંઈ કરે છે તે, તેની તમામ પ્રકારની ટેવો, વર્તનભાતો વગેરે. બાળકને અમુક રીતે વર્તન કરવાનું, આવેગો પ્રગટ કરવાનું શીખવવામાં આવે છે. બાળકમાં આ બધું શીખવાનું શાસ્ત્રીય અભિસંધાન, સાધનરૂપ અભિસંધાન, અનુકરણ, નિદર્શન વગેરે શિક્ષણપદ્ધતિઓ દ્વારા પ્રગટે છે. બાળકમાં તેની શીખેલી વિવિધ ટેવો, વર્તનભાતોના સંગઠનમાંથી વ્યક્તિત્વ પ્રગટે છે.
ડોલાર્ડ તેમજ મિલર તથા સામાજિક શિક્ષણ-સિદ્ધાંતના પુરસ્કર્તા મનોવિજ્ઞાનીઓએ કહ્યું કે વર્તન એ માત્ર ઉદ્દીપક પ્રત્યેની યાંત્રિક પ્રતિક્રિયા નથી; પરંતુ સમજણપૂર્વક થતી પ્રક્રિયા છે અને વ્યક્તિત્વ આ પ્રકારના ઉદ્દીપક પરિસ્થિતિને સમજીને અપાયેલા પ્રતિભાવોમાંથી બંધાયેલી વર્તનભાતોનું સંગઠન છે. વ્યક્તિત્વમાં સમાયોજન-શૈલીઓ, સંરક્ષણ-પ્રયુક્તિઓ, ધ્યેયસિદ્ધિ તરફ લઈ જતું વર્તન વગેરે શિક્ષણ દ્વારા પડેલી ટેવો છે. મોટાભાગનું શિક્ષણ અનુકરણથી ઊપજે છે. વ્યક્તિમાં મનોવિકૃતિઓનો વિકાસ એ અયોગ્ય શિક્ષણનું – ખોટી ટેવોનું પરિણામ છે અને તેનો ઉપચાર આ અયોગ્ય શિક્ષણને દૂર કરવાની જ પ્રક્રિયા છે.
વાર્તનિક અભિગમના વ્યક્તિત્વ-સિદ્ધાંતવિદોમાં એક ચર્ચાનો મુદ્દો છે કે, વ્યક્તિને જે ટેવો પડે છે તેના નિયંત્રણનું કેન્દ્ર ક્યાં છે, વ્યક્તિમાં કે પરિસ્થિતિમાં ? શું વ્યક્તિની પ્રતિક્રિયા એ માત્ર વાતાવરણ- પરિસ્થિતિમાંના ઉદ્દીપક પ્રત્યેનો યાંત્રિક પ્રતિભાવ છે કે પરિસ્થિતિને સમજીને પોતાની અપેક્ષા અને સમજણ અનુસાર આપેલો પ્રતિભાવ છે ? વ્યક્તિના પ્રતિભાવનું નિયંત્રણકેન્દ્ર તો તેની અંદર છે. વ્યક્તિ પોતે જ પરિસ્થિતિને સમજી, મૂલવીને પ્રતિભાવ આપે છે. તેમાંથી જ તેનું આગવું વ્યક્તિત્વ પ્રગટે છે. વર્તનના પ્રતિભાવો પ્રગટવામાં પરિસ્થિતિનું મહત્વ તો ખરું જ, પરંતુ વ્યક્તિનો પ્રતિભાવ યાંત્રિક કે પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયા નથી જ. જો એમ હોય તો વ્યક્તિના આગવા વ્યક્તિત્વ જેવી કોઈ સંકલ્પના જ ન હોય. વાસ્તવમાં વ્યક્તિમાં બંધાતી ટેવો, વ્યક્તિત્વ-ગુણો પરિસ્થિતિ અને વ્યક્તિની તે પરિસ્થિતિ વિશેની સમજ વચ્ચેની આંતરક્રિયામાંથી શીખવામાં આવેલી બાબતો છે.
ઘટનાલક્ષી અને જ્ઞાનાત્મક અભિગમ : ઘટનાલક્ષી સિદ્ધાંતો વર્તમાન ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. અત્યારે – હાલ શું પ્રત્યક્ષીકૃત થાય છે અને અર્થઘટન થાય છે, તેમજ ભવિષ્યમાં ઘટનાઓ બનવા વિશે વ્યક્તિની શી અપેક્ષાઓ છે તેને અનુલક્ષીને વ્યક્તિત્વની સમજૂતી અપાય છે. ઘટનાલક્ષી સિદ્ધાંતવિદો માને છે કે મનુષ્યોની વચ્ચે દેખાતા તફાવતો એ માત્ર તેમની જુદી જુદી માન્યતાઓને કારણે હોય છે. એ માન્યતાઓમાં પરિવર્તન લાવતાં અને વર્તનમાં પરિવર્તન આવે છે. જ્યૉર્જ કેલી(1955)એ ઘટનાલક્ષી અભિગમના સંદર્ભમાં કહ્યું કે વ્યક્તિની અંગત માન્યતાઓ શું છે તે સંરચના તેના વર્તનને દોરે છે; દા. ત., કોઈ માણસ એમ માને કે સામેના માણસો મૈત્રીપૂર્ણ છે તો તે તેમની સાથે તે એક રીતે વ્યવહાર કરશે અને એમ માને કે સામેના માણસો લડાયક, આક્રમક છે તો તે બીજી રીતે તેમની સાથે વ્યવહાર કરશે. આ સંદર્ભમાં કોઈ વ્યક્તિ પોતાના વિશે કે વિશ્વ વિશે નકારાત્મક ખ્યાલો ધરાવતી હોય તો તે પોતે નિરાશાવાદી દુ:ખી અને અંતર્મુખી બનશે. તેના આ નકારાત્મક ખ્યાલોમાં પરિવર્તન લાવી તેના વ્યક્તિત્વને બદલી શકાય.
માનવવાદી અભિગમ (Humanistic Approach) : ખાસ કરીને અબ્રાહમ મેસ્લો અને કાર્લ રોજર્સના સ્વતંત્ર અભિગમો જેમાં સ્વ (self) અને સ્વવિકાસના ખ્યાલો ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, તેને માનવવાદી અભિગમ તરીકે ઓળખવામાં આવે છે.
મેસ્લોની વિચારસરણી ફ્રૉઇડની વિચારસરણીની જેમ માનવપ્રેરણ વિશેની માન્યતાઓથી પ્રભાવિત છે. ફ્રૉઇડની વિચારસરણીમાં જૈવિક, નકારાત્મક શક્તિશાળી મૂળવૃત્તિજન્ય બળોને કાબૂમાં રાખી તેમને ઘાટ આપવાનો છે; જ્યારે મેસ્લોના મતે જૈવિક, હકારાત્મક સૌમ્ય-બળોને જાળવી, સાચવી તેમનું સંવર્ધન કરવાનું છે. મેસ્લોનો વ્યક્તિત્વ-સિદ્ધાંત આત્મસાર્થક્ય(self actualisation)ના સિદ્ધાંત તરીકે ઓળખાય છે. મેસ્લોનો સિદ્ધાંત જરૂરતોની પદક્રમ-પરંપરામાં ગોઠવેલો બહુવિધઘટક સિદ્ધાંત છે. મેસ્લોના મતે ‘આત્મસાર્થક્ય’ની પ્રાપ્તિ એ વ્યક્તિત્વવિકાસનું અંતિમ ચરણ છે. આત્મસાર્થક્ય પામેલું વ્યક્તિત્વ વિધાયક દૃષ્ટિબિંદુ ધરાવે છે અને તે પોતાના નિજી સ્વાર્થહિત માટે નહિ, પરંતુ જનસમુદાયના હિત માટે ઝંખે છે.
કાર્લ રોજર્સનો વ્યક્તિત્વ-સિદ્ધાંત મનોચિકિત્સાના અનુભવો ઉપરથી રચાયો છે. તે મેસ્લોની જેમ વિધાયક અને આશાવાદી છે. રોજર્સની ઉપચારપદ્ધતિ સ્વકેન્દ્રિત કહેવાય છે; કારણ કે તે માને છે કે દર્દીને પોતાના વિશે સમજ કેળવવા વિશે પ્રોત્સાહન આપવું જોઈએ, અને તેમાંથી જ તેને તેની સમસ્યાનો ઉકેલ મળશે. ઘટનાલક્ષી સ્વકેન્દ્રિત અભિગમ ઉપર ભાર મૂકતાં રોજર્સ કહે છે કે દરેક વ્યક્તિને થતું જગત વિશેનું પ્રત્યક્ષીકરણ તેનું પોતાનું આગવું અને વિશિષ્ટ હોય છે અને તેના પોતાના અનુભવ ઉપર રચાયેલું હોય છે.
વ્યક્તિત્વ વિશેના માનવવાદી સિદ્ધાંતોમાં આત્મસાર્થક્ય, પોતાના વિશેની સમજ અને અંતદૃષ્ટિ તેમજ ‘સ્વ’નો ખ્યાલ કેન્દ્રસ્થાને છે. સ્વ એટલે વ્યક્તિના પોતાના વ્યક્તિત્વ વિશે જોવા મળતી સભાનતા તેમજ પ્રત્યક્ષીકરણ. વ્યક્તિનાં સ્વખ્યાલ, આત્મખ્યાલ(self-concept)માં વ્યક્તિને પોતાની શારીરિક-માનસિક શક્તિઓ, નબળાઈઓ, મર્યાદાઓ વિશેની સમજ; અન્ય વ્યક્તિઓના સંદર્ભમાં પોતાનું સ્થાન તેમજ ભૂમિકા; સ્વાભિમાન-આત્માભિમાન (self esteem) અને પોતે વાતાવરણથી અને અન્યથી કઈ રીતે ભિન્ન છે તે સ્વભાન (self-awareness) વગેરે બાબતોનું સંગઠન થયેલું હોય છે.
વ્યક્તિત્વ વિશેનો માનવવાદી અભિગમ ભૂતકાલીન અને વ્યક્તિની બહારનાં પરિબળો ઉપર મુકાતા ભારને કારણે જન્મેલા અસંતોષમાંથી પ્રગટ્યો છે. તે માનવીમાં રહેલાં સત્-તત્વોને – વિધાયક લક્ષણોને શોધે છે. જ્ઞાનાત્મક, આવેગાત્મક પાસાંઓ ઉપર અને તેના આધારે તંદુરસ્ત, સંગઠિત, વ્યક્તિત્વ વિકસાવવા ઉપર તે ભાર મૂકે છે.
વ્યક્તિત્વ વિશે વ્યક્તિત્વ–ગુણલક્ષી અભિગમ : વ્યક્તિત્વ-ગુણો એવાં વાર્તનિક લક્ષણો છે જે લોકને એકબીજાથી જુદા પાડે છે; દા. ત., કેટલાક લોકો બીજા કરતાં વધારે મૈત્રીપૂર્ણ, વિશ્વાસપાત્ર હોય છે. કેટલાક બીજા કરતાં વધારે સાહસિક, આક્રમક હોય છે. ગુણલક્ષી અભિગમ એ આ વર્તન-લક્ષણોનું પદ્ધતિસર વર્ણન કરી વર્ગીકરણ કરવાનો પ્રયાસ છે. વ્યક્તિત્વ-તફાવતો શાથી અને કેવી રીતે છે તે સમજાવ્યા વગર વ્યક્તિત્વને સમજાવવાનો પ્રયાસ એ ‘ઘોડા પહેલાં ગાડી મૂકવા’ જેવો છે.
વ્યક્તિત્વ-ગુણ એટલે ‘વ્યક્તિના વર્તનમાં સ્થિર રૂપ જણાતું, અથવા વિશિષ્ટ પ્રકારનું લક્ષણ કે લક્ષણોનો સમુચ્ચય.’ કોઈ પણ સ્ત્રી કે પુરુષના વ્યક્તિત્વનું વર્ણન કરીએ છીએ ત્યારે તેનાં બુદ્ધિ, લાગણીતંત્ર, કાર્યશક્તિ વગેરેનો નિર્દેશ કરતાં અનેક વિશેષણો વાપરવામાં આવે છે. અલબત્ત, વ્યક્તિત્વ કંઈ આ ગુણોનો સરવાળો નથી; તે તો ગુણોનું વિશિષ્ટ રીતે થયેલું સંગઠન છે.
વ્યક્તિત્વગુણ એ વ્યક્તિમાં સ્થિર રૂપે જણાતું રૂઢ બનેલું લક્ષણ છે. તેથી વ્યક્તિમાં પ્રાસંગિક કે આકસ્મિક દેખાતા વર્તનનો વ્યક્તિત્વ-ગુણમાં સમાવેશ ન થાય; દા. ત., કોઈએ અપમાન કર્યું હોય ત્યારે ગુસ્સે થયેલી વ્યક્તિને જોઈને, ‘તેનો સ્વભાવ ગુસ્સાવાળો છે’ એમ ન કહેવાય. વ્યક્તિત્વ-ગુણમાં વ્યક્તિના સ્વભાવમાં દૃઢ થયેલી વિશિષ્ટ અને અલગ રીતે તરી આવતી ખાસિયતોનો સમાવેશ થાય છે.
વ્યક્તિત્વગુણના અભ્યાસમાં વ્યવસ્થા ઊભી કરવાનો સૌપ્રથમ પ્રયત્ન ગોર્ડન ઑલ્લપૉર્ટ અને ઑડબર્ટે (1936) કર્યો. તેમણે વ્યક્તિત્વ-ગુણોનું વર્ણન કરતાં 18,000 જેટલાં વિશેષણો શબ્દકોષમાંથી શોધી કાઢ્યાં. તેમાં ‘સામાજિકતા’, ‘બુદ્ધિશાળી’, ‘મૈત્રીપૂર્ણ’, ‘વ્યવહારુ’ એવા 4,000 શબ્દો અલગ પાડ્યા; જેમનો વ્યક્તિત્વગુણ તરીકે સ્વીકાર કરી શકાય એમ હતો. આ યાદીમાંથી સમાનાર્થી, બિન-મહત્વનાં પદોનું કાળજીપૂર્વક સંપાદન કરી 171 પદોની વ્યક્તિત્વગુણ તરીકેની યાદી બનાવી. આર. બી. કેટલે ઘટક પૃથક્કરણની આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરી 16 વ્યક્તિત્વ-ઘટકોને કેન્દ્રમાં રાખી વ્યક્તિત્વ-સિદ્ધાંત આપ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મેકક્રે અને કોસ્ટાએ વ્યક્તિત્વનાં પાંચ સ્વતંત્ર પાસાં ગણાવ્યાં છે : (1) બહિર્મુખતા : તેમાં વાતોડિયાપણું, સામાજિકતા, સાહસિકતા જેવાં લક્ષણોનો સમાવેશ થાય છે. (2) સમાધાનકારિતા (agreeableness) : તેમાં ઋજુ સ્વભાવ, સહકારિતા, પ્રીતિપાત્રતા જેવા ગુણોનો સમાવેશ થાય છે. (3) સંનિષ્ઠતા (conscientious) : તેમાં ઉત્તરદાયિત્વ, કાર્યપ્રેરણ, કાર્યમાં ચોકસાઈ જેવા ગુણોનો સમાવેશ થાય છે. (4) આવેગસ્થિરતા : તેમાં સ્વસ્થતા, ચિત્તશાંતિ જેવાં લક્ષણોનો સમાવેશ થાય છે. (5) સુઘડતા-સંસ્કૃતતા : તે બુદ્ધિ, કળા, સાહિત્યમાં રસરુચિ જેવાં લક્ષણોને સ્પર્શે છે.
આયઝેન્કે કહ્યું કે ગુણોનું આ વર્ગીકરણ બે પરસ્પરવિરોધી ગુણોને એક દ્વંદ્વ તરીકે સામસામી છેડા ઉપર મૂકીને વ્યક્તિનું સ્થાન આમાં ક્યાં છે તે બતાવી, વધારે સરળ બનાવી શકાય; દા. ત., મહત્ત્વાકાંક્ષી, આળસુ, લાગણીમાં ઠંડો – ઉષ્માપૂર્ણ, ઉદ્ધત – સરળ, મિલનસાર – અતડો જેવા ગુણદ્વંદ્વો જે એકબીજાંથી સ્વતંત્ર છે તેમને એકસાથે ગોઠવી તેમાં વ્યક્તિ કયો ગુણ કેટલો ધરાવે છે એમ તપાસી તેનું વ્યક્તિત્વવર્ણન કરી શકાય.
જી. ડબ્લ્યૂ. ઑલ્લપૉર્ટે (1931) સૌપ્રથમ વ્યવસ્થિત રૂપમાં વ્યક્તિત્વગુણ-સિદ્ધાંત આપ્યો છે. તે બે પ્રકારના વ્યક્તિત્વ-ગુણો વચ્ચે ભેદ પાડે છે. સામાન્ય ગુણો (જે બધા જ માણસોમાં હોય છે.), અંગત ગુણો (જે વ્યક્તિવિશિષ્ટ, અંગત હોય છે.) ઑલ્લપૉર્ટ અંગત ગુણોને તેમની અગત્યને અનુલક્ષીને ત્રણ પ્રકારના ગણાવ્યા છે : અધિગુણો (cardinal), કેન્દ્ર ગુણો (central) અને ગૌણ (secondary) ગુણો. અધિગુણ એને કહેવાય કે જે વ્યક્તિના તમામ પ્રકારના વર્તન ઉપર છવાઈ જતો હોય; જેમ કે, ગાંધીજીમાં સત્ય, અહિંસા માટેનો આગ્રહ, અત્યંજોની સેવા. કેન્દ્ર ગુણો એમને કહેવાય કે જે વ્યક્તિના રોજિંદા અને વ્યાવસાયિક વ્યવહારોમાં હાવી હોય; જેમ કે, કાર્ય માટે ચીવટ, શિસ્ત વગેરે. ગૌણ ગુણો વ્યક્તિની વિવિધ પ્રકારની અભિરુચિઓ, મનોવલણોને પ્રગટ કરે છે. ઑલ્લપૉર્ટ કહે છે કે વ્યક્તિનું વ્યક્તિત્વ તેના તમામ પ્રકારના વ્યક્તિત્વગુણોના અદ્વિતીય, વિશિષ્ટ સંગઠનરૂપ હોય છે.
આર. બી. કેટેલે 16 વ્યક્તિત્વ-ઘટકો અંતિમ સંખ્યા રૂપે તારવ્યા. દરેક ગુણઘટકનું વિધિવાચી-નિષેધવાચીના દ્વંદ્વમાં વર્ણન કરવામાં આવ્યું છે; દા. ત., સાઇલોથાઇમ સ્કીઝોથાઇમ, પ્રભાવીપણું – નમ્રતા વગેરે. આ 16 ગુણઘટકો બે પ્રકારમાં છે : સપાટી ઉપરના ગુણો, જે વર્તનમાં પ્રગટ થાય છે અને નિરીક્ષકને દેખાય છે; બીજા અંત:સ્તરના ગુણો, જે આંતરિક રચનાઓ છે અને સપાટી ઉપરના ગુણોમાં પ્રગટે છે.
મનોવિજ્ઞાનીઓએ વ્યક્તિત્વની પોતાની વ્યાખ્યા તેમજ હેતુ અને જરૂરિયાત મુજબ વ્યક્તિત્વ-ગુણોની સંખ્યા અને પ્રકારો નક્કી કર્યાં છે. વ્યક્તિત્વગુણ સિદ્ધાંતની વિશેષતા એ છે કે આ ગુણોનું ગુણાત્મક તેમજ પ્રમાણાત્મક રીતે માપન અને મૂલ્યાંકન થઈ શકે છે. સંશોધકોએ પોતાની જરૂરિયાત મુજબ વ્યક્તિત્વ-ગુણ માપન માટેનાં સાધનો રચ્યાં છે. વ્યક્તિત્વ-ગુણોના માપનથી મેળવેલા આંક ઉપરથી તેના સમગ્ર વ્યક્તિત્વ વિશે પાર્શ્ર્વચિત્ર (profile) બનાવી શકાય છે. તે ઉપરથી વ્યક્તિનાં ગુણો, શક્તિઓ, મર્યાદાઓ વિશે ખ્યાલ મળે છે અને વ્યક્તિના વર્તન-વ્યવહાર વિશે આગાહી કરી શકાય છે.
વ્યક્તિત્વના ગુણોને અનુલક્ષીને અભ્યાસ કરવાનો અભિગમ સરળ અને પ્રાયોગિક અભ્યાસ કરી શકાય તેવો છે; છતાં વ્યક્તિના ગુણોના માપન ઉપરથી રચવામાં આવેલું તેના વ્યક્તિત્વનું પાર્શ્ર્વચિત્ર સાચું હોય તોપણ તે વ્યક્તિત્વનું યથાર્થ વર્ણન નથી. પાર્શ્ર્વચિત્રમાં વ્યક્તિત્વગુણોને અલગ અલગ માપવામાં આવે છે ત્યારે આ ગુણો વ્યક્તિના ધ્યેયસિદ્ધિ તરફ લઈ જતાં વર્તનમાં કયા ક્રમમાં, કઈ રીતે, કેવા ઢાંચામાં ગોઠવાયેલા છે તે જાણી શકાતું નથી. વ્યક્તિત્વને ઓળખવા માટે માત્ર ગુણોની યાદી અને વર્ણન પર્યાપ્ત નથી. ગુણો વચ્ચેની આંતરક્રિયા અને આંતરસંબંધોને જાણવાં જરૂરી છે. વળી એક જ વ્યક્તિનું સંજોગો, ફરજો પ્રમાણે અલગ અલગ પ્રકારનું વર્તન હોય છે. તે સમજવા માટે વ્યક્તિ અને વાતાવરણ વચ્ચેની આંતરક્રિયા ધ્યાનમાં લેવી જરૂરી છે. કોઈ પણ ગુણવર્તન નિરપેક્ષ હોતું નથી. વ્યક્તિના વ્યક્તિત્વને સમજવા માટે તેના ગુણો ઉપરાંત સામાજિક- સાંસ્કૃતિક પરિવેશ, વાતાવરણ સાથેની તેની આંતરક્રિયા, વ્યક્તિની મહત્ત્વાકાંક્ષા, ધ્યેય, આશય વગેરેને લક્ષમાં લેવાં અત્યંત જરૂરી છે.
વ્યક્તિત્વનું સંગઠન (Integration of Personality) : વ્યક્તિત્વ એક જટિલ સંરચના છે. વ્યક્તિત્વનું એક કેન્દ્ર (locus) હોય છે, જેને આત્મા, સ્વ કે ‘હું’ અહમ્ (I) કહેવામાં આવે છે. તેની આસપાસ વ્યક્તિત્વના ગુણો ગૂંથાય છે. તે તેને અનન્યતા, અલગતા, સાતત્ય અને ઓળખ (identity) આપે છે. કોઈ પણ બે વ્યક્તિનાં વ્યક્તિત્વો સમાન હોતાં નથી. સમાન જૈવિક વારસો ધરાવતાં એકદળ જોડકાં બાળકોમાં પણ જે ગુણલક્ષણો વિકસે છે તે તો દરેકની વૈયક્તિક રીતે જ. સમાન સંસ્કૃતિ, સમાજ અને કુટુંબમાં ઊછરેલી વ્યક્તિઓમાં કેટલાંક સર્વસામાન્ય વર્તનપ્રકારો, મનોવલણો વિકસે છે; પરંતુ કોઈ પણ બે વ્યક્તિનાં વ્યક્તિત્વો એક જ ઢાળામાં હોતાં નથી. આમ વ્યક્તિમાં વ્યક્તિમત્તા (individuality) એ વિશેષતા છે.
સામાન્યત: દરેક વ્યક્તિના વર્તન, અભિગમમાં મૂળભૂત રીતે સાતત્ય હોય છે; દા. ત., જેને વિશ્વાસપાત્ર, સહકારી, પ્રામાણિક વ્યક્તિ માનવામાં આવતી હોય તે વ્યક્તિ પાસે હંમેશાં એવા જ પ્રકારના વ્યવહારની અપેક્ષા રાખવામાં આવે છે. વ્યક્તિ ભિન્ન કે વિરોધી વર્તન કરે એવું સામાન્યત: ન બને; અને છતાં જો તેનું વર્તન અપેક્ષા કરતાં જુદું હોય તો તે માટેનાં કારણો શોધવાનાં રહે છે. વ્યક્તિત્વમાં સાતત્યનો અર્થ એ નથી કે વ્યક્તિત્વમાં કોઈ કાળે નાનાંમોટાં પરિવર્તનો આવે જ નહિ. સમય અને સંજોગો, શિક્ષણ અને અનુભવો, વ્યક્તિમાં જાત જાતનાં પરિવર્તનો લાવે છે. જૂની ટેવો, વિચારો દૂર થઈ નવી ટેવો, વિચારો પ્રવેશ કરે છે. જીવનમાં નવી તકો કે સંજોગો આવતાં સ્વેચ્છાએ કે અનિચ્છાએ પણ બદલાવ આવે છે. કેટલીક વાર માણસનાં ધ્યેયો અને મૂલ્યો પણ બદલાય છે. તીવ્ર ધાર્મિક અનુભૂતિ, સ્વજનનું મૃત્યુ જેવી આઘાતજનક ઘટનાઓ, વ્યવસાયમાં ફેરફાર, લગ્નજીવનમાં ભંગાણ જેવી કેટલીક ઘટનાઓ વ્યક્તિની પ્રવર્તમાન જીવન સમાયોજનની શૈલીને મૂળભૂત રીતે બદલી નાખે છે અને વ્યક્તિત્વમાં આમૂલ પરિવર્તન લાવે છે. કેટલીક વાર વ્યક્તિમાં પરિવર્તન લાવવાના સભાન રીતે અને આયોજિત પ્રયત્નો થાય છે; દા. ત., ચોક્કસ પ્રકારની વિચારસરણીથી અપાતું શિક્ષણ, યુદ્ધકેદીઓનું થતું વ્યવસ્થિત માનસિક ધોવાણ (brain-washing). એવી અસર હેઠળ આવતી વ્યક્તિઓનું વ્યક્તિત્વ સમૂળગું બદલાય છે. માનસોપચાર, સલાહ, પરામર્શન, માર્ગદર્શન વગેરે મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા વ્યક્તિઓના વિચારો, ગ્રંથિઓ કે મનોવલણોને બદલવાનો અને વ્યક્તિને પોતાની જાતને ઓળખવામાં મદદ કરવાના પ્રયાસો પણ થાય છે.
વ્યક્તિત્વનાં સંગઠન, એકતા અને સાતત્યમાં તીવ્ર વિક્ષેપ પડે, વ્યક્તિમાં આંતરિક પરસ્પર-વિરોધી તેમજ અસાધારણ ‘વિચિત્ર’ લાગે તેવું વર્તન ઊપજે ત્યારે વ્યક્તિત્વમાં ભંગાણ કે વ્યક્તિત્વવિગઠન થયેલું જણાય છે. આ વ્યક્તિત્વ-ભ્રંશ કે વ્યક્તિત્વ-વિકૃતિ લેખાય છે. દ્વૈત-વ્યક્તિત્વ, બહુવ્યક્તિત્વ, છિન્ન માનસ, મતિભ્રમ, ઉન્મત્ત, ખિન્ન મનોદશા જેવી વ્યક્તિત્વનું વિગઠન કરતા રોગિષ્ઠ વ્યક્તિત્વના અગિયાર પ્રકારો ગણવામાં આવ્યા છે, તે તેમના ઉપચાર અને સુધારણાના પ્રયાસો મનોરોગ-ઉપચારની વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા થાય છે.
વ્યક્તિત્વનો વિકાસ (Development of Personality) : વ્યક્તિત્વના ઘડતર અને વિકાસમાં જૈવિક અનુવંશ, કુટુંબમાં ઉછેર અને સમાજ, શિક્ષણ-લગ્નજીવન, સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસો વગેરે મુખ્ય રીતે સક્રિય રહેલાં હોય છે. આ પરિબળો દરેક વ્યક્તિને ભિન્ન ભિન્ન રીતે અસર કરે છે. તેથી એક વ્યક્તિના વ્યક્તિત્વને સમજવા તેના જીવનને આ પરિબળોએ શી અને કેવી રીતે પ્રભાવિત કર્યું છે તે સમજવું જોઈએ.
અમુક વ્યક્તિત્વગુણો કે વર્તનભાતો પૂર્વનિશ્ચિત હોય એ રીતે જૈવીય વારસા દ્વારા બાળકમાં પ્રગટતી હોતી નથી; પરંતુ અમુક લક્ષણો વિકસવા માટેનાં પૂર્વલક્ષણો જનીનિક-આનુવંશિક હોય છે. જૈવિક, આનુવંશિક બળો વ્યક્તિત્વના વિકાસની ભૂમિકા, સંભાવના તેમજ મર્યાદાઓ નક્કી કરે છે. બાળકમાંનાં જૈવીય વલણો કેવા રૂપમાં, કેટલા પ્રમાણમાં તેનામાં પ્રગટ થશે તેનો આધાર બાળકના ઉછેરના વાતાવરણ-પરિવેશ ઉપર અવલંબે છે. બાળકનું શરીર-બંધારણ; તેનાં આકાર, કદ, વર્ણ, મગજ અને મજ્જાતંતુઓનું સામર્થ્ય, અંત:સ્રાવી ગ્રંથિઓની તંદુરસ્તી વગેરે જનીનિક છે. પરિણામે બાળકની તંદુરસ્તી અને કેટલાક રોગો ઉપર અનુવંશનો પ્રભાવ પડે છે. મગજ અને ચેતાતંતુઓ જૈવ દેણ છે; એથી બુદ્ધિ અને માનસિક શક્તિઓ ઉપર વારસાનો પ્રભાવ રહે છે એમ મનાય છે. છિન્ન મનોવિકૃતિ જેવા માનસિક રોગનો ભોગ બનવામાં પણ આનુવંશિક ઘટકોનો ફાળો હોય છે.
જન્મથી મળેલી શારીરિક, માનસિક સંપત્તિ સાથે બાળકના જીવનની શરૂઆત થાય છે. આ સંપત્તિમાં રહેલી સંભાવનાઓ તેમજ અન્ય નવાં વલણો, ટેવો, વર્તનની ભાતો, આવેગ-પ્રદર્શન, રસરુચિ, શક્તિઓનો વિકાસ વગેરે તમામ શીખવાથી વિકસે છે. તેમાં બાળકનો કુટુંબમાં થતો ઉછેર; તેનાં જ્ઞાતિ, કોમ, ધર્મ જેવા સામાજિક સમૂહો; તેને મળેલું શિક્ષણ અને તાલીમ તેમજ સાંસ્કૃતિક પરિવેશ જેવાં અનેક પરિબળો ભાગ ભજવે છે. કુટુંબમાં થતા ઉછેરમાં બાળકને કુટુંબમાં મળતી સ્વીકૃતિ; તે છોકરો છે કે છોકરી; તેને ઉછેરવાની, સ્તનપાનની, મળમૂત્રની ટેવો પાડવાની રીતો; માતા-પિતાનું બાળક પ્રત્યે વલણ વગેરે અનેક નાનાં-મોટાં પરિબળો બાળકના વ્યક્તિત્વ-વિકાસ ઉપર ઊંડો પ્રભાવ પાડે છે. શિક્ષણની તકો, તેનો પ્રકાર, વ્યવસાયની તકો, લગ્નજીવનની સફળતા વગેરેનો જીવન અને વ્યવહાર ઉપરનો પ્રભાવ સુવિદિત છે.
સામાજિકીકરણ કરીને કહીએ કે જેમ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે તેમ પ્રજા પ્રજા વચ્ચે પણ કેટલાક વ્યક્તિત્વના તફાવતો રહેલા હોય છે; જેમ કે, એક અમેરિકનનું વ્યક્તિત્વ ભારતીયના વ્યક્તિત્વ કરતાં અલગ છે અને ભારતમાં એક ગુજરાતીનું વ્યક્તિત્વ પંજાબી કે બંગાળીના વ્યક્તિત્વ કરતાં અલગ છે. વ્યક્તિત્વમાં આ અલગતા વિશેષે કરીને સામાજિક, સાંસ્કૃતિક પરિબળોને કારણે ઉદ્ભવે છે. વ્યક્તિત્વમાં દેખાતા સામૂહિક અને પ્રજાકીય તફાવતો વિશે ઘણા ઊંડા રસમય અભ્યાસો રુથ બેનેડિક્ટ, માર્ગારેટ મીડ જેવા અનેક નૃવંશશાસ્ત્રીઓએ કર્યા છે. આ પ્રકારના અભ્યાસોથી વૈયક્તિક તેમજ પ્રજાકીય ભિન્નતાઓ અને તફાવતો શાથી છે તે સમજવા માટે ઊંડી વૈજ્ઞાનિક સૂઝ પ્રાપ્ત થાય છે અને પરિણામે પોતાનાથી ભિન્ન વ્યક્તિ તેમજ પ્રજાને માટે હમદર્દી અને સમભાવ પ્રગટે છે.
વ્યક્તિત્વ–માપન (measurement of personality) : એક વ્યક્તિ નરમ હોય, બીજી તેનાથી ઓછી નરમ, ત્રીજી સાવ ઉગ્ર એવું બને છે. એ જ રીતે દરેક વ્યક્તિમાં એકસરખાં લક્ષણો પણ જોવા મળતાં નથી; દા. ત., એક વ્યક્તિ સ્વભાવમાં ઉગ્ર, મિલનસાર ઓછી, સાધારણ માત્રામાં મહત્ત્વાકાંક્ષી એમ હોય. મનોવિજ્ઞાનીઓએ વ્યક્તિમાં રહેલા આ ઓછા, સાધારણ કે વધારે પ્રમાણમાં રહેલા વ્યક્તિત્વગુણોનું માપન અને મૂલ્યાંકન કરવાના અને તે આધારે વ્યક્તિને ઓળખવાના સઘન પ્રયાસો કર્યા છે. પરિણામે માપન અને મૂલ્યાંકનની વિવિધ પદ્ધતિઓ અને સાધનો વિકસ્યાં છે. વ્યક્તિનાં દરેક લક્ષણનું માપન થઈ શકે છે તેમજ તેના સમગ્ર વ્યક્તિત્વનું પણ મૂલ્યાંકન થઈ શકે છે. આર. બી. કેટેલ જેવાએ રચેલી, તમામ વ્યક્તિત્વઘટકો એકસાથે મપાય એવી, સંઘટિત કસોટીઓ ઉપલબ્ધ છે. વળી અંતર્મુખતા-બહિર્મુખતા, ચિંતા-વ્યગ્રતા, ન્યૂરોટિસિઝમ જેવા અનેક વ્યક્તિત્વ-લક્ષણોનું અલગ-અલગ સ્વતંત્રપણે માપન થઈ શકે તેવાં ઉપકરણો પણ રચાયાં છે. વ્યક્તિના વ્યક્તિત્વનું માપન કયા હેતુસર કરવામાં આવે છે તે અનુસાર સંબંધિત વ્યક્તિત્વગુણ વિશેનું માપનસાધન પસંદ કરવામાં આવે છે. સામાન્યત: વ્યક્તિને શૈક્ષણિક, વ્યાવસાયિક માર્ગદર્શનની જરૂર હોય, કર્મચારીઓની વ્યવસાય-નોકરી માટે પસંદગી કરવાની હોય, માનસિક સમસ્યાઓ માટે સલાહ આપવાની હોય, માનસોપચાર કરવાનો હોય કે વ્યક્તિત્વનો સૈદ્ધાંતિક અભ્યાસ હોય ત્યારે વ્યક્તિત્વ-ગુણોના માપનની જરૂરિયાત ઊભી થાય છે અને તે માટે મનોવિજ્ઞાનીઓ અનુરૂપ માપન-સાધનોનો ઉપયોગ કરે છે.
વ્યક્તિને એવી પ્રમાણિત પરિસ્થિતિમાં મૂકવામાં આવે છે; જેમાં તે જે પ્રતિભાવો આપે છે તે તેના વ્યક્તિત્વને પ્રગટ કરે છે. આ પ્રતિભાવોની નોંધ કરી ગુણનું માપન કરવામાં આવે છે. વ્યક્તિત્વમાપનની ત્રણ રીતો છે :
(1) નિરીક્ષણની પદ્ધતિઓ : તેમાં આયોજિત તેમજ અનાયોજિત નિરીક્ષણ. આયોજિત તેમજ અનાયોજિત મુલાકાત, કુદરતી સ્વાભાવિક પરિસ્થિતિઓનું નિરીક્ષણ વગેરેનો સમાવેશ થાય છે. (2) મૂલ્યાંકન તુલાઓ દ્વારા નિરીક્ષણપદ્ધતિ કરતાં વધારે ચોકસાઈથી વ્યક્તિત્વ-ગુણનું માપન થઈ શકે છે. જે ગુણ કે ગુણોનું માપન કરવાનું હોય (દા. ત., કામમાં ચીવટ) તેના વિશે વ્યક્તિનું 1થી 5 કે 1થી 7 બિંદુની તુલા ઉપર ક્યાં સ્થાન છે, તે વિશે નોંધ કરવામાં આવે છે. આ પ્રકારના મૂલ્યાંકનથી વ્યક્તિત્વગુણ વિશે પ્રમાણાત્મક માપ જાણી શકાય છે. (3) પ્રશ્નાવલિઓ, પત્રકો, કસોટીઓ વગેરે વ્યક્તિત્વગુણના માપન માટે બહુ જ સહેલાઈથી રચી શકાય તેમજ ઉપલબ્ધ થઈ શકે તેવાં અનેક સાધનો પ્રચલિત છે. ઘણા મનોવિજ્ઞાનીઓએ વિવિધ પ્રકારના વ્યક્તિત્વગુણોના માપન માટે પ્રમાણિત કસોટીઓ, પત્રકો રચ્યાં છે. કેટેલની 16 વ્યક્તિત્વ-ઘટકો માટેની પ્રશ્નાવલિ, એમ. એમ. પી. આઇ. (Minnesota Multiphasic Personality Inventory) જેવા અનેક કસોટીપત્રકો પ્રચારમાં છે.
