કોન શીટ : શંકુ આકારમાં ગોઠવાયેલાં ડાઇક પ્રકારનાં વિસંવાદી અંતર્ભેદકો. તે બહુધા સમાંતર જૂથમાં જોવા મળે છે. વિવૃતિઓ ગોળાકાર કે કમાનાકાર હોય છે; કેન્દ્ર તરફ જતાં અંદરની બાજુએ ઢળતી હોવા છતાં કોઈ પણ ડાઇક છેક કેન્દ્ર સુધી પહોંચતી હોતી નથી. સપાટી પરની વિવૃતિઓ અંદર તરફ 30oથી 40oને ખૂણે નમેલી રહીને કેન્દ્રગામી બનતી જઈને શંકુ આકારનાં પડ રચે છે. બાહ્ય પડો આંતરિક પડો કરતાં ઓછા નમનવાળાં હોય છે. સપાટી પરનાં પડો કરતાં અંદરનાં પડો વધુ જાડાં હોય છે. આ સમાંતર ખડકપડો ગોળાઈમાં સળંગ નહિ પણ તૂટક તૂટક મળે છે.
ડાઇકનાં અંતર્ભેદનો મોટે ભાગે તો સમુદાયમાં જોવા મળે છે, પરંતુ કેન્દ્રગામી આકારોમાં ગોઠવાયેલાં હોય ત્યારે કોન શીટ તરીકે ઓળખાય છે. મૅગ્માસ્રોતના ઉપલા ભાગમાંથી છત તરફના ખડકો પર દબાણ વધી જાય ત્યારે છતના ખડકોમાં ફાટો પડે છે જેમાં મૅગ્મા ધસી જઈ સમય જતાં ઠરે છે અને શંકુ આકારની સંરચનાઓ અસ્તિત્વમાં આવે છે.
મૅગ્માનું દબાણ તેની ઉપરના ખડકોના મૅગ્મા પરના દબાણ કરતાં વધી જાય ત્યારે છતખડકોમાં ઉત્પન્ન થતી ફાટોને ભેદીને મૅગ્મા ઉપર તરફના ખડકોમાં ધસી જઈ વિકેન્દ્રીકરણ પામે છે. સ્કૉટલૅન્ડના મૂલ ટાપુમાં ટર્શિયરી કાળનાં કોન શીટ જોવા મળે છે.
ગિરીશભાઈ પંડ્યા