વૉલ્ટર્સ, કેવિન ડગ્લાસ

January, 2006

વૉલ્ટર્સ, કેવિન ડગ્લાસ (. 21 ડિસેમ્બર 1945; ડંગૉગ, ન્યૂ સાઉથ વેલ્સ) : ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ-ખેલાડી. કઠણ (hard) વિકેટ પર તેઓ એક તેજસ્વી બૅટધર નીવડ્યા હતા; પણ સામાન્ય રીતે તેઓ ઇંગ્લૅન્ડના પ્રવાસો દરમિયાન બહુધા નિષ્ફળ નીવડ્યા હતા, કારણ કે તેમની તકનીક કંઈક વાંધાજનક હતી. ધીમી પિચ પર પણ તેમની રમત શંકાસ્પદ નીવડી હતી. તેઓ મધ્યમ ઝડપી ગોલંદાજ તરીકે પણ ખપ લાગતા હતા. ખેલાડીની કોઈ જોડી જામી ગઈ હોય તો તેઓ ઉપયોગી નીવડતા. કવર-પૉઇન્ટના તેઓ અદ્ભુત ફિલ્ડર હતા.

કેવિન ડગ્લાસ વૉલ્ટર્સ

1962-63માં તેઓ સૌપ્રથમ વાર ન્યૂ સાઉથ વેલ્સ વતી રમ્યા અને 4 સિઝનમાં તેમનું કપ્તાનપદ સંભાળ્યું. 1965-66માં ઇંગ્લૅન્ડ સામે 68.33ની સરેરાશથી 410 રન ફટકારીને તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટજગતમાં ઝળકી ઊઠ્યા; તેમાં તેમની વીસમી વર્ષગાંઠના કેટલાક દિવસો અગાઉ તેમના કારકિર્દી-પ્રારંભના 155 રન પણ ઉલ્લેખનીય છે. 1969 સુધીની તેમની પછીની 3 પૈકીની 2 સિરીઝમાં તેમણે 100 ઉપરાંતની સરેરાશ મેળવી હતી; પણ 1970ના દાયકાનાં પ્રારંભિક વર્ષોમાં તેમને નિષ્ફળતા સાંપડી; પણ 1973થી 1977 તેમની બૅટિંગનાં ઉત્તમ વર્ષો નીવડ્યાં. તેમને ‘મેમ્બર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર’નો ખિતાબ અપાયો હતો. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે :

(1) 1965-81 : 74 ટેસ્ટ, 48.26 રનની સરેરાશથી 5,357 રન; 15 સદી; 29.08 રનની સરેરાશથી 49 વિકેટ; સૌથી ઉત્તમ બૉલિંગ 566; 43 કૅચ.

(2) 28 એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચ; 28.50ની સરેરાશથી 513 રન; સૌથી વધુ જુમલો 59; 68.25ની સરેરાશથી 4 વિકેટ; એક દાવમાં સૌથી ઉત્તમ બૉલિંગ 224; 10 કૅચ.

(3) 1962-81 : પ્રથમ વર્ગની મૅચ; 43.84 રનની સરેરાશથી 16,180 રન; સદી 45; એક દાવમાં સૌથી વધુ જુમલો 253; 25.69ની સરેરાશથી 190 વિકેટ; એક દાવમાં સૌથી ઉત્તમ બૉલિંગ 763; 149 કૅચ.

મહેશ ચોકસી