વૉલ સ્ટ્રીટ જર્નલ, ધ : અમેરિકાનાં ટોચનાં શહેરો પૈકી એક ન્યૂયૉર્કમાંથી પ્રકાશિત થતું વેપાર અને નાણાકીય બાબતોનું દૈનિક. ડાઉ જોન્સ ઍન્ડ કંપનીના ચાર્લ્સ એચ. ડાઉ દ્વારા સ્થાપિત ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’નો પ્રથમ અંક 8 જુલાઈ, 1889ના રોજ પ્રકાશિત થયો હતો. આ અખબાર સોમવારથી શુક્રવાર સુધી પ્રકાશિત થાય છે.
ન્યૂયૉર્કમાં પ્રકાશિત થતું આ અખબાર આખા અમેરિકા ઉપરાંત અન્ય દેશોનાં મહત્વનાં નગરોમાં પણ પહોંચે છે. આ આર્થિક દૈનિકના અન્ય સાથી અખબારોમાં હૉંગકૉંગથી પ્રકાશિત થતા ‘ધી એશિયન વૉલ સ્ટ્રીટ જર્નલ’ તથા બ્રસેલ્સમાંથી પ્રકાશિત થતા ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ યુરોપ’નો સમાવેશ થાય છે. તે ઉપરાંત ‘બેરોન્સ’, ‘ફાર ઈસ્ટર્ન ઇકૉનૉમિક રિવ્યૂ’ તથા ‘સ્માર્ટમની’ જેવાં તેનાં અન્ય પ્રકાશનો પણ છે. આર્થિક સમાચારોની ચોકસાઈને કારણે આ અખબાર પહેલેથી જ લોકપ્રિય બની રહ્યું છે. પ્રારંભથી માંડી લગભગ 1929ના ગાળા સુધી આ અખબારે મોટાભાગે આર્થિક અને વેપારજગતના સમાચારો જ આપ્યા હતા. પરંતુ આ પછી લગભગ એક દાયકા સુધી અમેરિકાના વેપાર-ઉદ્યોગ જગતમાં ભારે મંદીનું મોજું ફરી વળતાં ધીમે ધીમે તેમાં અન્ય વિષયના લેખો પ્રકાશિત થવાની શરૂઆત થઈ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી આવા લેખો પ્રકાશિત થવાની નિયમિતતા વધતી ગઈ અને 1960નો દાયકો આવતાં આવતાં ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલે’ ઓછામાં ઓછા બે લેખ અન્ય વિષયના પ્રકાશિત કરવાનું શરૂ કર્યું.
સ્વાભાવિક રીતે વેપારજગતનાં હિતોની તરફેણ કરતાં આ અખબારનાં મંતવ્યો તેમજ સમાચારોનાં પાનાંઓમાં વૈવિધ્ય ધરાવતા અને માહિતીસભર વેપાર-સંબંધી તેમજ રાજકીય અને આર્થિક અભિપ્રાયો, વાચકોના પત્રો ઉપરાંત કળા-વિષયક સમીક્ષાલેખો અને ટિપ્પણી પણ પ્રકાશિત થાય છે.
‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે તેમાં કોઠા અને આલેખ દ્વારા આર્થિક સમાચારો કે શૅરબજારની ઊથલપાથલની છણાવટ કરવાની પ્રથા જ પહેલેથી છે તે હજુ સુધી જળવાઈ રહી છે. વર્ષ 2000-2001ના અરસામાં આ અખબારની અમેરિકી, એશિયન તેમજ યુરોપીય એમ ત્રણેય આવૃત્તિઓની આશરે 20 લાખ નકલો વેચાતી હતી.
વર્ષ 2002માં ન્યૂયૉર્ક શહેરના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલાને પગલે તેને લગતા સમાચારોના અસાધારણ કવરેજ બદલ ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’ના સમગ્ર સ્ટાફને તે વર્ષના પુલિત્ઝર પુરસ્કારથી નવાજવામાં આવ્યો હતો. ત્યારપછી સતત બીજા વર્ષે 2003માં પણ અમેરિકામાં ઉદ્યોગજગતનાં કૌભાંડોના સમાચારોના નોંધપાત્ર રિપૉર્ટિંગ બદલ આ અખબારના સ્ટાફને પુલિત્ઝર પુરસ્કાર એનાયત થયો હતો.
અલકેશ પટેલ