વૉરબર્ગ, ઑટો (Warburg Otto) (જ. 8 ઑક્ટોબર 1883, ફ્રેલ્બર્ગ, જર્મની; અ. 1 ઑગસ્ટ, 1970) : સન 1931ના દેહધર્મવિદ્યા અને ચિકિત્સાવિદ્યાના નોબેલ પારિતોષિકવિજેતા. શ્વસનક્રિયા સંબંધિત ઉત્સેચકો તથા ગુણધર્મો અને ક્રિયાપદ્ધતિ અંગેના સંશોધન માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેમના પિતા ભૌતિકવિદ્યાના અભ્યાસી હતા. તેમણે 1906માં બર્લિનમાં ડૉક્ટર ઑવ્ કેમિસ્ટ્રીની ઉપાધિ મેળવી હતી. ત્યારબાદ તેઓ હેલ્ડબર્ગમાં 1911માં વધુ ભણીને ડૉક્ટર ઑવ્ મેડિસિન બન્યા. પ્રથમ વિશ્વયુદ્ધમાં તેમણે પ્રુશિયન અશ્વદળમાં સેવા આપી. સન 1918માં તેઓ જીવવિદ્યાની કૈઝર વિલ્હેમ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રાધ્યાપક બન્યા અને સન 1931થી કોષીય દેહધર્મવિદ્યાની કેઝર વિલ્હેમ ઇન્સ્ટિટ્યૂટના નિયામક બન્યા.
તેઓ પૂર્ણકાલીન સંશોધક રહેલા. તેમનાં શરૂઆતનાં સંશોધનો ફિશર સાથેનાં હતાં અને તે પૉલિપેપ્ટાઇડ અંગે હતાં. હેલ્ડબર્ગમાં તેમણે જારક પ્રક્રિયાઓ (oxidation) વિશે અભ્યાસ-સંશોધનો કર્યાં. તેમણે વનસ્પતિ દ્વારા અંગારવાયુનું સ્વાંતીકરણ (assimilation), ગાંઠનો ચયાપચય વગેરે ક્ષેત્રોમાં અભ્યાસ કર્યો. તેમણે ફ્લેવિન્સ અને નિકોટેનામાઇડ હાઇડ્રોજન પારાંતરણ (transfer) માટેના મહત્વના ઉત્સેચકો છે એવું દર્શાવ્યું હતું. તેમણે સજીવવિદ્યામાં જારણ (oxidation) અને અપજારણ(reduction)ની સંપૂર્ણ પ્રક્રિયાઓ દર્શાવી હતી. શ્વસનક્રિયા સંબંધિત ઉત્સેચકો અંગેના સંશોધનને માટે તેમને નોબેલ પારિતોષિક અપાયું હતું. તેમણે દર્શાવ્યું હતું કે કૅન્સરકોષો ઑક્સિજન વગર જીવી શકે છે અને વિકસી શકે છે. તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે. જીવનનાં પાછલાં વર્ષોમાં તેમણે કૅન્સરની સારવાર અંગે અભ્યાસ કર્યો હતો. તેઓ જીવનભર અપરિણીત રહેલા અને નવરાશનો સમય રમતગમતમાં ગાળતા હતા.
શિલીન નં. શુક્લ