કોઠારી, રજની (જ. 16 ઑગસ્ટ 1928, પાલનપુર, ઉ. ગુજરાત; અ. 19 જાન્યુઆરી 2015, દિલ્હી) : રાજકારણના અગ્રગણ્ય અને ખ્યાતનામ અભ્યાસી, નિરીક્ષક અને સમીક્ષક. તેમના અભ્યાસનું ફલક ભારતીય રાજકારણથી વિશ્વરાજકારણ, બૌદ્ધિક વિશ્લેષણથી સક્રિય પ્રવૃત્તિ, ધરાતલ સ્થાનિક આંદોલનથી આંતરરાષ્ટ્રીય ફોરમ સુધી વિસ્તર્યું હતુ.
મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક-અનુસ્નાતક અભ્યાસ પછી તેમણે ઇંગ્લૅન્ડમાંથી બી.એસસી.(અર્થશાસ્ત્ર)ની પદવી મેળવી. પ્રથમ વડોદરા યુનિવર્સિટીમાં અને ત્યારબાદ દિલ્હી યુનિવર્સિટીમાં અધ્યાપન કર્યા પછી 1983માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને લેખનપ્રવૃત્તિ સાથે દેશવિદેશના જાહેર પ્રશ્નો અંગે સક્રિય બન્યા.
એમના જીવનમાં પ્રગટ થયેલા વિવિધ ઉન્મેષોમાં તેઓ ઘણી સંસ્થાઓ અને પ્રવૃત્તિઓના આદ્ય સ્થાપક તથા પ્રેરણામૂર્તિ રહ્યા છે. 1963માં તેમણે ‘સેન્ટર ફૉર ધ સ્ટડી ઑવ્ ડેવલપિંગ સોસાયટીઝ’- (દિલ્હી)ની સ્થાપના કરી. સમાજવિદ્યાઓના વિવિધ વિષયોમાં અને વિશેષ તો રાજ્યશાસ્ત્રનાં વિવિધ પાસાંમાં સંશોધન, લેખન અને ચર્ચાવિચારણાના કેન્દ્ર તરીકે તે વિશ્વવિખ્યાત બન્યું છે અને અનેકવિધ અભ્યાસનું ઊગમસ્થાન રહ્યું છે. આ કેન્દ્રના આશ્રયે તેમણે ‘ઑલ્ટરનેટિવ્ઝ’ નામનું ત્રિમાસિક શરૂ કર્યું, જે આજે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. આ ઉપરાંત સ્વિટ્ઝર્લૅન્ડમાં સ્થાપવામાં આવેલા ‘ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ફૉર ડેવલપમેન્ટ ઑલ્ટરનેટિવ્ઝ’ના સહપ્રમુખનું સ્થાન તેમણે દીપાવ્યું. માનવહક વિશેની તેમની સંવેદનશીલતાના કારણે તે ‘પીપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટીઝ’ના શરૂઆતના પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા. આટલેથી ન અટકતાં તેમણે ‘લોકાયન’ નામની સંસ્થા શરૂ કરી, જે દ્વારા તેમણે લોકઆંદોલનો અને લોકોના પ્રશ્નો વિશે જાગૃતિ કેળવી તેમની સાથે સંપર્ક અને આદાનપ્રદાનનો નવતર લોકશાહી પ્રયોગ શરૂ કર્યો.
તેમની વિદ્વત્તા અને અભ્યાસને લક્ષમાં લઈને ભારત સરકારે તેમને ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ સોશિયલ સાયન્સ રિસર્ચના અધ્યક્ષ તરીકે 1977-1980 દરમિયાન નીમ્યા હતા. આ પહેલાં ન્યૂયૉર્ક ખાતેની કોલંબિયા યુનિવર્સિટીએ વિશ્વવ્યવસ્થા (world order) વિષયના ‘ઇરા વૉલાચ પ્રાધ્યાપક’ તરીકે તેમની નિમણૂક કરી હતી (1976-1977). ઉપરાંત 1989-90 દરમિયાન તે યોજના પંચના સભ્ય તરીકે રહ્યા હતા.
તેમનામાં લોકનિષ્ઠ અભિગમ, સંવેદનશીલ અભ્યાસો અને માનવીય ગૌરવ પ્રત્યેની પ્રતિબદ્ધતા જોઈને સ્વીડનની સંસદે તેમને ‘રાઇટ લાઇવલીહૂડ એવૉર્ડ’(નોબેલ પારિતોષિક કક્ષાનો)ની નવાજેશ કરી હતી (1985). આ બહુમાન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા.
આ અગાઉ જ્યારે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યુ.એન. (U.N.) યુનિવર્સિટીની સ્થાપના ટોકિયો ખાતે કરવામાં આવી ત્યારે તેના અગ્રગણ્ય સભ્ય તરીકે રજની કોઠારીની પસંદગી થઈ. આ નવા ક્ષેત્રમાં તેમનું પ્રદાન ‘શાન્તિ અને વૈશ્વિક પરિવર્તન’ના નવા અને ભાવિના સંકેત આપતા વિષયના વિવિધલક્ષી અભ્યાસોનું હતું. આ અભ્યાસોમાં તેમણે ત્રીજા વિશ્વના પ્રશ્નો અને અભીપ્સાઓને વૈશ્વિક સ્તરે વાચા આપી અને ‘યથાવત્ સ્થિતિ’ની જગાએ પરિવર્તનની અનિવાર્યતાને દોહરાવી.
તેમનાં ચિંતન અને લેખનપ્રવૃત્તિને મુખ્યત્વે બે તબક્કાઓમાં વહેંચી શકાય. શરૂઆતનાં વર્ષોમાં તેમણે વર્તનલક્ષી (behavioural) અભ્યાસપદ્ધતિ અપનાવી અને એ દૃષ્ટિએ ભારતના રાજકારણના અભ્યાસને શાસ્ત્રીય સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો.
1960ના દશકામાં કૉંગ્રેસની એક પ્રથા (system) તરીકે સંકલ્પના કરીને તેમણે ભારતની વિશિષ્ટ પક્ષપ્રથાને ‘એક-પક્ષ-પ્રભાવ-પ્રથા’ (One Party Dominance System) તરીકે સમજાવી. ભારતીય રાજકારણના અભ્યાસના વિકાસમાં તેમનું આ વિશિષ્ટ પ્રદાન ગણાયું છે.
ઇન્દિરા ગાંધીના શાસનકાળનાં શરૂઆતનાં પ્રથમ વર્ષોમાં ભારતીય રાજકારણ સામાજિક-આર્થિક પરિવર્તન તરફ વળે તે હેતુ અને દિશાની તેમણે પૂર્તિ કરી અને ‘ગરીબી હટાઓ’ની વૈચારિક ભૂમિકા તૈયાર કરવામાં યશસ્વી ફાળો આપ્યો. પરંતુ 1975-77ની કટોકટી તેમને માટે આઘાતજનક નીવડી. લોકશાહી પ્રક્રિયા ચાલુ રખાય તે માટે તેમણે ઝુંબેશ ઉપાડી. આ અનુભવના સંદર્ભમાં જ તેમના અભિગમમાં પરિવર્તન આવ્યું. વર્તનલક્ષી અભિગમ છોડીને તે મૂલ્યલક્ષી (normative) વિશ્લેષણ તરફ વળ્યા. ‘લોકાયન’ની સ્થાપના સાથે સામાજિક ન્યાય, માનવ-અધિકાર, દલિતોનાં શોષણ વગેરે સળગતા પ્રશ્નો વિશે તેઓ સચિંત બન્યા. લોકઆંદોલન અને સંઘર્ષ ચલાવતાં મંડળો વચ્ચે સંકલન સાધવાનું કાર્ય લોકાયન દ્વારા ઉપાડવામાં આવ્યું; તે સાથે બૌદ્ધિક અને ક્રિયાશીલ આયામોનો સમન્વય સાધવાની પ્રક્રિયા પણ શરૂ થઈ. સ્થાનિક કક્ષાએ ચાલતાં લોકઆંદોલનોને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં મૂકવાનો અને મૂલવવાનો પ્રયાસ પણ શરૂ થયો. આ વિચારયાત્રાના પરિણામે જ ‘વૈકલ્પિક વિકાસ’ અને ‘વૈકલ્પિક રાજનીતિ’ની ખોજ આરંભાઈ, જેમાં ‘વૈકલ્પિક વિશ્વવ્યવસ્થા’નો સમાવેશ થયો. અમેરિકામાં આ અંગે જે વિચારણા થઈ રહી હતી (વર્લ્ડ ઑર્ડર મૉડેલ પ્રોજેક્ટ – WOMP) તેના અનુસંધાનમાં કોઠારીએ ‘ફૂટસ્ટેપ્સ ઇન ટુ ધ ફ્યૂચર’ નામનો ગ્રંથ બહાર પાડ્યો. વૈકલ્પિક ભાવિની આ ખોજના પરિણામે તેમણે ‘ટ્રાન્સફૉર્મેશન ઍન્ડ સરવાઇવલ ઇન સર્ચ ઑવ્ હ્યૂમન વર્લ્ડ ઑર્ડર’ ઉપરનું પુસ્તક પ્રકાશિત કર્યું, જેમાં તેમણે ત્રીજા વિશ્વના હિતનું દૃષ્ટિબિંદુ તેમજ ભારતની રચનાત્મક ભૂમિકાને એકસાથે વણી લીધાં.
’70ના દાયકા પછી રાજકારણના નવા ઉન્મેષોમાં વૈશ્વિક, રાષ્ટ્રીય અને સ્થાનિક વચ્ચેની ભેદરેખા ભૂંસાવા લાગી. બધી કક્ષાએ નવા વિકલ્પોની ખોજ શરૂ થઈ. વૈશ્વિક સ્તરની વિચારણા સાથે રાષ્ટ્રીય સ્થાનિક પરિસ્થિતિની વિચારણા જરૂરી હતી, જે અંગે કોઠારીનું પ્રદાન પ્રધાન સ્વરૂપે રહ્યું. તેમની દૃષ્ટિએ ભારતમાં લોકશાહીની અવહેલના, તેની વિકૃતિઓ, વિવિધ સંસ્થાઓના ધોવાણ તથા વિકાસની પ્રક્રિયાનાં અનિષ્ટ પરિણામો રાજકારણને વણસાવી રહ્યાં હતાં. જે રાજ્ય પાસેથી સામાજિક પરિવર્તન, આર્થિક વિકાસ અને સાંસ્કૃતિક પ્રગતિની આશા રખાઈ હતી, તેની અવદશા થઈ રહી હતી. ગરીબો અને દલિતોની વિટંબણાઓ અને વંચિતતા (deprivation) ઉપરાંત નાગરિક અધિકારો કુંઠિત થતા હતા અને પર્યાવરણના પ્રશ્નો વિકટ બનતા હતા.
અગાઉની સંસદીય, પક્ષકેન્દ્રી લોકશાહીના અભ્યાસપૂર્ણ વિદ્વતકાર્યને છોડી તેમણે સમાજના તળપદ પર ઊપસતાં, વિકસતાં લોકઆંદોલનો પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. રાજનીતિમાં લોક-આધારિત અભિગમ કે ‘ગ્રાસરૂટ્સ પૉલિટિક્સ’ તેમનું મુખ્ય મનોવિશ્વ અને કર્મભૂમિ બન્યાં. તેમની છેલ્લી ગ્રંથશ્રેણી ‘પૉલિટિક્સ ઍન્ડ ધ પીપલ’(પાંચ ગ્રંથો)ના ‘ગ્રાસરૂટ્સ પૉલિટિક્સ’ વિશેના નિબંધો તથા વૈકલ્પિક વિકાસ વિશેની ખોજ આ દિશાનાં છે. આમસમુદાયની આકાંક્ષા અને તેનાં હિતો સાથે જોડાયેલ હોય તેવા લોકશાહી સિદ્ધાંતને તેમણે પોતાના લેખનમાં વણવા માંડ્યા. ખુલ્લા, મુક્ત નાગરિક સમાજના ઘડતરમાં લોકોની ભૂમિકા શી હોઈ શકે તે તેમણે ચર્ચી. રાજ્યના સંસ્થાકીય માળખામાં મર્યાદિત ન રહેતાં તેમણે હવે ‘લોકોનું કર્મક્ષેત્ર’ અથવા તો ‘લોકોની રાજનીતિ’ને કેન્દ્રમાં રાખી છે. તેમની દૃષ્ટિએ ટેક્નૉલૉજી અને વિકાસને લોકાભિમુખ બનાવવાં જોઈશે. આમ થવા માટે લોકશાહી રાજકીય પ્રક્રિયાના કૌવતને પિછાનીને તેને કેન્દ્રસ્થ સ્થાન આપવું પડશે.
ન્યાય અને કલ્યાણના વિતરણ માટે બંધારણીય ને સરકારી સંસ્થાઓમાં તેમનો વિશ્વાસ ઓછો થતો રહ્યો છે. ધરતીના તળપદ પર વિકસતી લોકચળવળોમાં તેમનો વિશ્વાસ કેન્દ્રિત થયો છે. દલિતોનું જીવન જેની સાથે સંકળાયેલું છે તે પર્યાવરણની જાળવણી માટે આ પ્રકારની ચળવળો લોકશાહીની નવી આશાસ્પદ ઘટનાઓ છે. સંગઠિત અર્થકારણ અને ઔપચારિક રાજકીય સત્તામાળખામાંથી બહાર ફેંકાઈને સીમાવર્તી બની રહેલ વંચિત સમૂહો જ રાષ્ટ્રરાજ્યનું પુન: રાજકીયકરણ કરશે, તેમને સમૃદ્ધ દેશોના નવા સંસ્થાનવાદથી મુક્ત કરશે અને વિકાસની સ્વરાજ-તરેહને ઉપસાવી શકશે. રાજકીય પક્ષો અને સંસદ જેવી સંસ્થાઓ નિસ્તેજ બનતાં જાય છે. રાજ્યો વૈશ્વિક નાગચૂડનો ભાગ બની રહ્યાં છે, ત્યારે આવી રાજ્યેતર ચળવળો પરિવર્તન લાવી શકશે. રાજકીય રીતે અલિપ્ત અને વિમુખ બનતા માનવીને પોતાના વિકાસમાં પ્રયોજવો જોઈશે. તેમાંથી નવી રાજનીતિ અને વૈકલ્પિક વિકાસ માટે તેમણે જે નવો રાજકીય નમૂનો રચ્યો તેમાં કર્મશીલ બૌદ્ધિકો પાસે વિશેષ ભૂમિકાની અપેક્ષા રખાઈ છે.
આજે જ્યારે કેન્દ્રીય નિયમન દ્વારા અમલદારશાહી – ટેક્નોક્રૅટિક રાજ્ય જાહેર બાબતોનું સંચાલન કરે છે ત્યારે નીચેથી ઉપર ઊપસતાં લોકદબાણો દ્વારા સહયોગાત્મક લોકશાહી પ્રક્રિયા શરૂ થાય તે ઇષ્ટ છે. આ માટે લોકનીતિનું રાજકારણ અગ્રસ્થાને જ નહિ, પણ નિર્ણાયક બને તે જરૂરી છે, તેમ તે માને છે.
ભારતને જેની જરૂર છે તે અનિયંત્રિત બજાર કે આપખુદશાહીની નહિ; કે નહિ લોકશાહીના પરંપરાગત કાર્યક્રમની; કે નહિ રાજ્ય પરના કબજાની; તેને તો જરૂર છે અનેક માર્ગે લોકોને તેમના જીવનનાં બધાં ક્ષેત્રોમાં લોકસ્વરાજ અંકે કરવાના જન્મદત્ત અધિકાર પ્રતિ જાગ્રત કરવાની ! કોઠારી રાજકારણના રાજ્યકેન્દ્રી મૉડેલને તળપદના, આમસમાજના, લોકકારણના મૉડેલમાં ફેરવવા તાકે છે.
એકંદરે માર્કસવાદી અને મૂડીવાદી મૉડેલની પાર જઈને સૈદ્ધાંતિક વિશ્લેષણનો બહુત્વવાદી અભિગમ અપનાવીને રજની કોઠારીએ લોકશાહી અને વિકાસનાં ભારતીય મૉડેલ વિકસાવી આપ્યાં છે, તેમજ તેને સૈદ્ધાંતિક સ્વરૂપ આપવાનું અદ્વિતીય પ્રદાન કર્યું છે. તેમાં ગાંધીવાદી છાંટ ઉમેરીને આવા મૉડેલને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ બંને કક્ષાએ સુરેખ આકાર આપ્યો છે. રાજકારણ, અર્થકારણ તેમજ સંસ્કૃતિ વચ્ચેના પ્રગાઢ સંબંધ (આંતરવિદ્યાકીય) વિશેની પોતાની દૃષ્ટિવંત સમજને કારણે તેમણે ભારતના રાજ્યશાસ્ત્રીઓમાં જ નહિ, પરંતુ સમસ્ત સમાજવિદ્યાવિદોમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરી લીધું છે.
પ્રવીણ ન. શેઠ