સિયુકી : પ્રાચીન ભારતના સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાલ (ઈ. સ. 606થી 647) દરમિયાન ચીની યાત્રી હ્યુ-એન-સંગે ભારતની મુલાકાત લઈને લખેલું, તેના પ્રવાસનું વર્ણન કરતું પુસ્તક. હ્યુ-એન-સંગનું આ પુસ્તક ઘણું અગત્યનું છે. ‘સિયુકી’માંથી સમ્રાટ હર્ષના સમયના ભારતની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક સ્થિતિની વિસ્તૃત તથા આધારભૂત માહિતી મળે છે.
હ્યુ-એન-સંગનો જન્મ ચીનના હોનાન ફુ નામના નગરમાં ઈ. સ. 600માં થયો હતો. તેણે નાની વયે બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી બૌદ્ધ ધર્મનું વધારે જ્ઞાન મેળવવા તે ઈ. સ. 627માં 27 વર્ષની વયે હિંદમાં આવ્યો હતો. શરૂઆતમાં પાંચ વર્ષની નાલંદાની વિદ્યાપીઠમાં રહીને આચાર્ય શીલભદ્ર પાસે એણે યોગશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. એ હિંદમાં રહ્યો એ દરમિયાન એણે કનોજ, અમરાવતી, વલભીપુર, અજંટા, બદામી, કાંચી, આસામ, પ્રયાગ વગેરેની મુલાકાત લીધી હતી. આ બધાં સ્થળોએથી અનેક ગ્રંથો, મૂર્તિઓ, પવિત્ર અવશેષો, વૃક્ષોનાં બીજ વગેરે એકઠાં કરીને એ પોતાની સાથે ચીન લઈ ગયો હતો. એણે ઈ. સ. 627થી 644 સુધી એટલે કે 17 વર્ષ સુધી ભારતમાં ભ્રમણ કર્યું. એ પછી તે પંજાબ અને પામીરના રસ્તે થઈને ચીન પાછો ફર્યો હતો. ચીન પહોંચ્યા પછી એણે કેટલાંક પુસ્તકો લખ્યાં અને કેટલાંક પુસ્તકોના અનુવાદ કર્યા. ઈ. સ. 664ની 13મી ઑક્ટોબરે 64 વર્ષની વયે એનું અવસાન થયું હતું.
હ્યુ-એન-સંગ એના ‘સિયુકી’ ગ્રંથમાં જણાવે છે કે ભારતમાં એ સમયે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ ચાર વર્ણ હતા. કસાઈ, માછીમાર, નૃત્યકાર અને ઝાડુ વાળનાર લોકો નગરની બહાર રહેતા. આવા લોકોને રસ્તાની ડાબી બાજુએ ચાલવાની ફરજ પાડવામાં આવતી. સ્ત્રીઓ એક જ વખત લગ્ન કરતી. વિધવાવિવાહ થતા નહિ. નગરો અને ગામો ફરતી ઈંટની મજબૂત દીવાલ (કોટ) બનાવવામાં આવતી. શેરીઓ અને ગલીઓ સાંકડી હતી. રસ્તા ધૂળવાળા અને વાંકા ચૂકા હતા. લોકો સફેદ રંગના સળંગ વસ્ત્રો પહેરતા. એને કાપવામાં કે સીવવામાં આવતાં નહિ. સુખી લોકો ગળામાં ફૂલોના હાર અને રત્નોની માળાઓ પહેરતા. લોકો પગમાં પગરખાં પહેરતા નહિ. મોટા વેપારીઓ હાથમાં સોનાની વીંટીઓ પહેરતા. પૂજા અને પ્રાર્થના પૂર્વે સ્નાનવિધિ કરવામાં આવતી.
બ્રાહ્મણો ચાર વેદોનો અભ્યાસ કરતા અને ધાર્મિક વિધિઓ કરાવતા. શિક્ષણમાં જ્યોતિષવિદ્યા, ચિકિત્સાવિદ્યા, વ્યાકરણ, ધર્મશાસ્ત્રો, અધ્યાત્મવિદ્યા, બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનું જ્ઞાન આપવામાં આવતું. ભોજનમાં ફળો, અનાજ, કઠોળ, દૂધ, દહીં, સાકર, શેરડીનો રસ વગેરેનો ઉપયોગ થતો. લસણ અને ડુંગળીનો ઉપયોગ થતો નહિ. લોકો સંસ્કારી અને ધાર્મિક નીતિવાળું જીવન જીવતા. વડીલો સાથે પૂજ્યભાવ, આદર અને વિનયયુક્ત વર્તન થતું. રાજ્યના લશ્કરમાં પાયદળ, અશ્વદળ, ગજદળ અને રથદળ – એમ ચાર વિભાગો હતા. સેનાપતિની વરણી ક્ષત્રિય વર્ણમાંથી કરવામાં આવતી. યુદ્ધમાં ધનુષ્યબાણ, તલવાર, ઢાલ, ભાલા, ખંજર, બરછી વગેરે શસ્ત્રોનો ઉપયોગ થતો. ન્યાય નિષ્પક્ષ હતો. વેઠપ્રથા ન હતી. રાજ્યમાં બનેલા મહત્ત્વના બનાવોની નોંધો રાખવામાં આવતી જે ‘નીલપિત’ તરીકે ઓળખાતી.
હ્યુ-એન-સંગે ‘સિયુકી’માં સમ્રાટ હર્ષવર્ધન વિશે ઘણી માહિતી આપી છે. પ્રયાગમાં હર્ષે યોજેલા દાનમહોત્સવમાં એણે હાજરી આપી હતી. હર્ષ વિશે તે જણાવે છે કે ‘તે વહીવટમાં ન્યાયી હતો અને સત્કાર્યો કરવામાં તે ભોજન તથા નિદ્રા પણ ભૂલી જતો. દિવસના ત્રણ ભાગમાંથી તે એક ભાગ રાજ્યતંત્ર માટે અને બે ભાગ ધાર્મિક કાર્યો માટે વાપરતો.’
એણે મૈત્રક રાજા ધ્રુવસેન 2જાના શાસન દરમિયાન ગુજરાતના વલભીપુરની મુલાકાત લીધી હતી. એ સમયે વલભીપુર સૌરાષ્ટ્રનું એક મોટું બંદર હતું. મૈત્રક વંશના રાજાઓની એ રાજધાની હતી. હ્યુ-એન-સંગ જણાવે છે કે ‘વલભી વેપારનું મોટું કેન્દ્ર છે. એનો વેપાર મોટો છે અને લોકો સમૃદ્ધ છે. એ વિદ્યા અને સંસ્કારનું મોટું કેન્દ્ર છે.’ વલભી વિદ્યાપીઠ નાલંદા વિદ્યાપીઠની માફક સમગ્ર હિંદમાં પ્રસિદ્ધ હતી. ત્યાં 100 બૌદ્ધ વિહારોમાં હીનયાન શાખાના 6,000 ભિક્ષુઓ બૌદ્ધ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરતા હતા. વલભી જૈન ધર્મનું પણ મોટું કેન્દ્ર હતું. નાલંદા વિદ્યાપીઠના મહાન આચાર્ય વસુબન્ધુના વિદ્વાન શિષ્યો આચાર્ય સ્થિરમતિ અને ગુણમતિએ વલભીમાં નિવાસ કર્યો હતો.
આમ, હ્યુ-એન-સંગના ‘સિયુકી’ ગ્રંથમાંથી સમ્રાટ હર્ષના સમયના ભારતની ઘણી મૂલ્યવાન, વૈવિધ્યભરી, વિશ્વસનીય અને વિસ્તૃત માહિતી મળે છે.
મુગટલાલ પોપટલાલ બાવીસી