કોટ્યર્ક : મહેસાણા જિલ્લાના પિલવાઈ રોડ સ્ટેશનથી પાંચેક કિલોમીટર દૂર સાબરમતીના કાંઠે, કોતરની ટોચ ઉપર આવેલું ગુજરાતનું પ્રાચીન વૈષ્ણવ મંદિર. ભૌગોલિક સ્થાન : 23o 30′ ઉ. અ. અને 72o 45′ પૂ. રે.. ‘કોટિ અર્ક’નો અર્થ કરોડ સૂર્ય થાય છે. તે મૂળ સૂર્યમંદિર હશે. હાલ તે વૈષ્ણવ મંદિર છે અને વિષ્ણુની પૂજા થાય છે. જૂના મંદિરની દ્વારશાખા ઉપર માતા અને શિશુનું સુંદર ભાવવાહી શિલ્પ છે. માતાએ બાળક્ધો હાથ ઉપર તેડ્યું છે અને બાળક માતાનો કાન ખેંચે છે. માતાના મુખ ઉપર આ અડપલાને કારણે હાસ્ય દેખાય છે. બીજું શિલ્પ સ્કંદમાતાની ઊભી મૂર્તિનું છે. આ બંને શિલ્પો છઠ્ઠા સૈકાનાં છે. સપ્તધાતુની એક જૈન મૂર્તિ ત્યાંથી મળી હતી તે વડોદરાના સંગ્રહસ્થાનમાં છે. નદીકિનારે કુંડના અવશેષો છે. કોટ્યર્કનું નવું મંદિર પિલવાઈ સ્ટેશનથી પૂર્વમાં ચારેક કિમી. ઉપર આવેલા મહુડી ગામમાં છે. ખડાયતા બ્રાહ્મણો અને વણિકોના તે ઇષ્ટદેવ છે. કોટ્યર્ક તીર્થ નજીકના ખડાત ગામમાંથી સ્થળાંતર કરીને ખડાયતા અમદાવાદ અને ખેડા જિલ્લામાં વસ્યા છે.

શિવપ્રસાદ રાજગોર