સિડની (Sydney) : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યનું પાટનગર. ઑસ્ટ્રેલિયાનું તે જૂનામાં જૂનું અને મોટામાં મોટું શહેર તથા દુનિયાનું સૌથી મોટું કુદરતી બારું છે. ભૌગોલિક સ્થાન : તે 33° 52´ દ. અ. અને 151° 13´ પૂ. રે.ની આજુબાજુનો 12,145 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. સિડની શહેરની પૂર્વ તરફ પૅસિફિક મહાસાગર, દક્ષિણ તરફ વોરોનોરા ઉચ્ચપ્રદેશ, પશ્ચિમ તરફ બ્લૂ માઉન્ટન્સ તથા ઉત્તર તરફ હૉક્સબરી નદી આવેલાં છે.

સિડની

સિડની બંદર

તે ઑસ્ટ્રેલિયાના અગ્નિકાંઠા પર પૉર્ટ જૅક્સન બંદરની આજુબાજુ વસેલું છે. તેમાં સિડની હાર્બરનો સમાવેશ થઈ જાય છે, તેથી આ શહેરને ‘હાર્બર સિટી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંના લાંબા દરિયાકકિનારા પરના ઘણા કંઠાર રેતપટ, હાર્બર બ્રિજ તેમજ સિડની ઑપેરા હાઉસ જેવાં સ્થાપત્યોથી તેની વિશિષ્ટ ઓળખ ઊભી થયેલી છે. આ ઉપરાંત બ્રિટિશ ઍમ્પાયર ગેમ્સ (1938), સમર ઑલિમ્પિક્સ (2000) તથા રગ્બી વર્લ્ડ કપ (2003) જેવી રમતોનું યજમાન બનવાનું ગૌરવ પણ તેને મળ્યું છે.

ભૌગોલિક દૃષ્ટિએ, શહેર બે મુખ્ય વિભાગોમાં વહેંચાયેલું છે : (i) કુમ્બરલૅન્ડ મેદાન, જે બારાંની દક્ષિણ અને પશ્ચિમ તરફનો વિસ્તાર આવરી લે છે; (ii) હૉર્નસ્બી ઉચ્ચપ્રદેશ, જે બારાંની ઉત્તર તરફ ખીણોથી ભેદાયેલો છે તથા રેતીખડકથી બનેલો છે.

આબોહવા : સિડની દરિયાકિનારે આવેલું હોઈ તેની આબોહવા સમધાત રહે છે. અહીં આખુંય વર્ષ અવારનવાર વરસાદ પડ્યા કરે છે. પશ્ચિમ તરફના અંતરિયાળ ભાગમાં ઊંચું તાપમાન અનુભવાય છે. જાન્યુઆરીમાં ઉનાળાનું તાપમાન 18.6° સે.થી 25.8° સે. જેટલું રહે છે, ક્યારેક મહત્તમ તાપમાન 30° સે. સુધી પણ પહોંચે છે. 1939ના જાન્યુઆરીની 14મી તારીખની આસપાસના ચાર દિવસો દરમિયાન 45.3° સે. જેટલું ઊંચું વિક્રમ તાપમાન નોંધાયું હતું. શિયાળો સામાન્ય રહે છે. કિનારાના ભાગોમાં તાપમાન ભાગ્યે જ 5° સે. કરતાં નીચું જાય છે. જુલાઈમાં તાપમાનનો ગાળો 8° સે.થી 16.2° સે. વચ્ચેનો રહે છે. અહીંનું લઘુતમ વિક્રમ તાપમાન 2.1° સે. જેટલું નોંધાયેલું છે. અહીંનો સરેરાશ વાર્ષિક વરસાદ 1,217 મિમી. જેટલો રહે છે. 1830થી 1840ના દાયકા દરમિયાન હિમવર્ષાની સ્થિતિ સર્જાઈ હતી.

અહીં સામાન્ય રીતે તો ચક્રવાત કે ભૂકંપ થતા નથી. દક્ષિણ ગોળાર્ધમાં અલ્ નીનોનો દક્ષિણ પ્રવાહ સિડનીની આબોહવામાં નિર્ણયાત્મક ભાગ ભજવે છે. દુષ્કાળ અને દવ લાગવાની તેમજ વાવાઝોડાં અને પૂરની સ્થિતિ ક્યારેક ક્યારેક ઉદભવે છે. 1994 અને 2002માં દવ લાગવાની ઘટના બનેલી. ક્યારેક કરા અને વાવાઝોડાંની વિષમ સ્થિતિ પણ સર્જાય છે. 1999ના વાવાઝોડા દરમિયાન 9 સેમી. વ્યાસના કરા પડેલા. 1986ના ઑગસ્ટની છઠ્ઠી તારીખે પૂર આવેલું, જ્યારે 24 કલાક દરમિયાન આ શહેરમાં 327.6 મિમી. જેટલો વરસાદ પડેલો.

વહીવટ : આ શહેરને વહીવટી વ્યવસ્થા માટે મુખ્ય 19 વિભાગોમાં વહેંચેલું છે. અહીં સરકારી વહીવટ ત્રણ સ્તરમાં ચાલે છે : રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક. રાજ્યસરકાર શાળાઓ, માર્ગો, બસ, ફેરી અને આરોગ્યની સેવાઓ પૂરી પાડે છે.

હાર્બર બ્રિજ

ઇમારતો જોવાલાયક સ્થળો : ઇમારતો : આ શહેરનું જૂનામાં જૂનું મકાન ‘કૅડમૅન્સ કૉટેજ’ છે, તે 1816માં કૉક્સવેઇનની બૅરેક તરીકે બાંધવામાં આવ્યું હતું. 1811થી 1816 દરમિયાન લૅકલાન મૅક્વેરીએ બંધાવેલ રમ હૉસ્પિટલની બે પાંખ આજે અન્ય ઉપયોગમાં લેવાય છે : ઉત્તર પાંખમાં રાજ્યની સંસદની કચેરીઓ કાર્યરત છે, જ્યારે દક્ષિણ પાંખ ઑસ્ટ્રેલિયન ટંકશાળ તરીકે ઘણાં વર્ષો સુધી ઉપયોગમાં લેવાતી રહેલી. મૅક્વેરી શેરી નજીક હાઇડ પાર્ક બૅરેક્સ તથા સેન્ટ જેમ્સ ચર્ચ આવેલાં છે. પૂર્વીય પરગણાં ખાતે 1850 અગાઉનાં એલિઝાબેથ બે હાઉસ, લિંડસે તેમજ વૉક્લુઝ હાઉસ હજી હયાત છે. ઑસ્ટ્રેલિયાનાં જૂનામાં જૂનાં પારામત્તા ખાતેનાં ઘરોમાં 1793નું જ્હૉન મૅક્વેરીએ બંધાવેલું એલિઝાબેથ ફાર્મ હાઉસ, 1999માં બંધાયેલું એક્સપેરિમેન્ટ ફાર્મ કૉટેજ તથા ઓલ્ડ ગવર્નમેન્ટ હાઉસ (1800-1810) પણ જોવા મળે છે. 1945 પછી મધ્યસ્થ ધંધાકીય વિસ્તારને વિસ્તૃત કરવા માટે ઓગણીસમી સદીનાં ઘણાં મકાનોને પાડી નંખાયેલાં. સિડનીના અખાતનો પશ્ચિમ ભાગ જે અગાઉ તોડી નખાયેલો તેનું 1970ના દાયકામાં પુનર્નિર્માણ કરાયું છે અને તે હવે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.

સિડનીની ગગનચુંબી ઇમારતો

આ ઉપરાંત 170 મીટર ઊંચો ઑસ્ટ્રેલિયા સ્ક્વેર ટાવર, 198 મીટર ઊંચું AMP સેન્ટર, 244 મીટર ઊંચું MLC સેન્ટર તથા 305 મીટર ઊંચી સેન્ટર પૉઇન્ટ જેવી ગગનચુંબી ઇમારતો પ્રવાસીઓનું ધ્યાન ખેંચે છે. આ સિવાય આ શહેરની જાણીતી ઇમારતો અને જોવાલાયક સ્થળોમાં સિડની ટાઉનહૉલ અને ક્વીન વિક્ટોરિયા બિલ્ડિંગનો વિનયાર્ડ પાર્ક, હાઇડ પાર્ક અને રૉયલ બૉટેનિક ગાર્ડન્સ (શાહી વનસ્પતિ-ઉદ્યાન) તથા અહીંનાં મુખ્ય પ્રવાસન-મથકોમાં ડાર્લિંગ હાર્બર, સિડનીનો અખાત, મધ્યસ્થ રેલમથક, હાર્બર બ્રિજ, સિડની હાર્બર, ઑપેરા હાઉસ, તારોગા પ્રાણી સંગ્રહાલય, પારામત્તા નદીમુખ તથા કંઠાર રેતપટનો સમાવેશ થાય છે.

અહીંના બૉન્ડી બીચ, મૅન્લી બીચ, પામ બીચ અને કૉન્યુલા બીચ ખૂબ જ રમણીય છે. સિડનીનું હાર્બર તેની ‘હોડી-સ્પર્ધા’ માટે જાણીતું છે.

પરિવહનસંદેશાવ્યવહાર : સિડની ઑસ્ટ્રેલિયાનું મુખ્ય દરિયાઈ બંદર છે. આ બંદર પર વાર્ષિક અંદાજે 1,50,000 મુસાફરોની અવરજવર રહે છે. આંતરરાષ્ટ્રીય જહાજી સેવા અહીંના બૉટેની બે ખાતેથી થાય છે. અહીંના મધ્યસ્થ રેલમથકથી ઑસ્ટ્રેલિયાની તેમજ ન્યૂસાઉથ વેલ્સ રાજ્યની ગાડીઓની, ભૂગર્ભીય રેલમાર્ગ તથા ભૂગર્ભીય બસમાર્ગની સુવિધા પણ ઉપલબ્ધ છે. ટ્રાફિક સમસ્યા હલ કરવા પુલોનું નિર્માણ કરાયું છે. કિંગ્સફૉર્ડ સ્મિથ હવાઈ મથક ઉપરાંત અહીંની બ્રેજરી ખાડી નજીક બીજું હવાઈ મથક ઊભું કરાયું છે. સિડનીનો મધ્ય ભાગ વ્યાપારી-વાણિજ્યની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતો હોવાથી તે પરાં-વિસ્તારો સાથે સડકમાર્ગોથી સંકળાયેલો છે.

સિડની ખાતેથી કુલ પાંચ દૈનિક પત્રો બહાર પડે છે. ધ ઑસ્ટ્રેલિયન બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન (ABC), એક ટેલિવિઝન-મથક તથા બે રેડિયો-મથક, વાણિજ્યિક હેતુ માટે 13 જેટલાં વાણિજ્ય-ટેલિવિઝન- મથકો તથા ત્રણ ચૅનલોની સેવા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ધ સ્પેશિયલ બ્રૉડકાસ્ટિંગ સર્વિસ (SBS) હસ્તક એક રેડિયો-મથક અને એક ટેલિવિઝન-મથકની વધારાની સેવા પણ ઉપલબ્ધ છે.

અર્થતંત્ર : સમગ્ર સિડની-વિસ્તારમાં અંદાજે ઓછામાં ઓછાં 12,000 કારખાનાં આવેલાં છે. આ પૈકીનાં 4,000 કારખાનાંમાં હળવી કે ભારે ઇજનેરી યંત્રસામગ્રીનું તથા મોટરગાડીઓનું ઉત્પાદન લેવાય છે. આશરે 1,200 કારખાનાં કાપડનું ઉત્પાદન કરે છે, બીજાં લગભગ 1,200 કારખાનાંમાં ખાદ્યસામગ્રી, પીણાં અને તમાકુની પેદાશો બને છે. આ ઉપરાંત સિડનીના દક્ષિણ ભાગથી મસ્કોટ સુધી પથરાયેલા મુખ્ય ઔદ્યોગિક વિભાગમાં ધાતુ-ઉદ્યોગો, પીણાં-એકમો, ઓજારો, કાગળ, કાચ, ઈંટો, કાપડ અને કપડાં, ઊનની પેદાશો, ચામડાં કમાવવાના એકમો, મોટરગાડીઓના પુરજાનું ઉત્પાદન લેવાય છે. બૉટેની બે ખાતે તેલ-રિફાઇનરી આવેલી છે. શહેરના પશ્ચિમ ભાગથી પારામત્તા નદીમુખ સુધીના ભાગમાં રબરની પેદાશો, રેલવે-વર્કશૉપ, વાહનોના એકમો તથા વીજળીનાં અને ઇજનેરી કારખાનાં પથરાયેલાં છે. દરિયાપારના કેટલાક દેશોએ અહીં તેલ-રિફાઇનરીઓ, મોટરગાડીઓના એકમો અને રાસાયણિક એકમો માટે રોકાણ કર્યું છે.

સિડની હાર્બર, બૉટેની બે તેમજ અન્ય બંદરો પરથી અહીંની પેદાશોની નિકાસ થાય છે. અહીં અનિયમિત વરસાદને કારણે તથા દુકાળની પરિસ્થિતિ આવી જતી હોવાથી પાણી-પુરવઠાના સંગ્રહની વ્યવસ્થા કરી રાખવામાં આવે છે. 1888માં પારામત્તા નદી પર બંધ બાંધીને જળસંચય કરેલો છે. અહીંથી નહેર દ્વારા અને પાઇપલાઇન મારફતે સિડનીનાં પરગણાંને પાણી પૂરું પાડવામાં આવે છે. ત્યારપછીથી આ બંધનાં પાણીમાં ઉમેરો થાય તે હેતુથી બીજા બંધોનું નિર્માણ કરવામાં આવ્યું છે. 1941થી વોરોનોરા બંધમાંથી પણ પરગણાં-વિસ્તારોને પાણી આપવાની વ્યવસ્થા થઈ છે. 1980ના દાયકામાં દરિયાઈ તળથી 60 મીટર નીચે ગટરવ્યવસ્થા માટે 3.8 કિમી. લાંબું બોગદું તૈયાર કરાયું છે.

વસ્તી લોકો : 2006 મુજબ સિડની મહાનગરની કુલ વસ્તી 42,54,900 જેટલી હતી. આજના સિડની-નિવાસીઓ ઑસ્ટ્રેલિયામાં જ જન્મેલા છે. જોકે મૂળભૂત રીતે તો તેઓ બ્રિટિશ વંશજો છે. મોટાભાગના નિવાસીઓને પોતાનું ઘર અને બગીચો હોય છે. વસ્તી-વિસ્ફોટ થયો હોવાથી કેટલાક લોકો ભાડેથી રહે છે. બીજા વિશ્વયુદ્ધ બાદ સ્થળાંતર-વાસીઓ માટેનાં ધારાધોરણોમાં છૂટ મૂકી છે. આજની સ્થળાંતરવાસી વસ્તીમાં બ્રિટનવાસીઓ, અન્ય યુરોપવાસીઓ તથા અન્ય લોકો અગ્નિએશિયાના છે. આ ઉપરાંત અહીં ઇટાલી, ગ્રીસ, વિયેટનામ, થાઇલૅન્ડમાંથી પણ લોકો આવીને વસેલા છે. વધુ વસ્તીને કારણે ગુનાઓ, પ્રદૂષણ, ભીડ અને વ્યસન પણ વધ્યાં છે. નોકરીઓની સમસ્યાઓ ઊભી થઈ છે તથા જાતિજૂથો વચ્ચે અથડામણો પણ થાય છે.

ધર્મના સંદર્ભમાં જોતાં, અહીં કૅથલિક, ઍન્ગ્લિકન, અન્ય ખ્રિસ્તીધર્મી, બૌદ્ધ, મુસ્લિમ, હિન્દુ, યહૂદી ધર્મના તથા કેટલાક લોકો કોઈ પણ ધર્મ ન પાળનારા પણ છે.

શિક્ષણ : સિડનીમાં પાંચ યુનિવર્સિટીઓ છે : યુનિવર્સિટી ઑવ્ સિડની (1850), યુનિવર્સિટી ઑવ્ ન્યૂ સાઉથ વેલ્સ (1949), મૅક્વેરી યુનિવર્સિટી (1964), યુનિવર્સિટી ઑવ્ ટૅક્નૉલૉજી (1988) અને યુનિવર્સિટી ઑવ્ વેસ્ટર્ન સિડની (1989). અહીં રોમન કૅથલિક તેમજ પ્રૉટેસ્ટન્ટ (પ્રાઇવેટ) સ્કૂલો છે. મોટાભાગના વિદ્યાર્થીઓ રાજ્ય સરકારની શાળાઓમાં અભ્યાસ કરે છે. રાજ્યના પુસ્તકાલયમાં ઘણી સંખ્યામાં પુસ્તકો, જર્નલ તથા દૈનિક-પત્રોની સુવિધા મળે છે. સિડની ખાતે ત્રણ સંગ્રહાલયો તથા કલાદીર્ઘા આવેલાં છે. મનોરંજન માટે સિડની સિમ્ફની ઑરકેસ્ટ્રા, ઑસ્ટ્રેલિયન ઑપેરા કંપની અને ઑસ્ટ્રેલિયન બૅલે કંપની તેમજ થિયેટરોની પણ વ્યવસ્થા છે.

ઇતિહાસ : ઈ. સ. 1770માં ઑસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે તપાસ કરવા નીકળેલા ઇંગ્લૅન્ડના કૅપ્ટન જેમ્સ કૂકે પ્રદેશો શોધીને બૉટેની બે અને પૉર્ટ જેક્સન નામ આપ્યાં. અમેરિકાની ક્રાંતિ પછી, બ્રિટને અમેરિકાનાં સંસ્થાનો ગુમાવ્યાં. તે પછી બ્રિટિશ જેલોમાં ગુનેગારોની સંખ્યા વધી જવાથી તેમને માટે પ્રદેશોની જરૂર હતી. તેથી ઑસ્ટ્રેલિયાના સાઉથ વેલ્સમાં ગુનેગારો માટે સંસ્થાન સ્થાપવાનો નિર્ણય લેવાયો. જાન્યુઆરી, 1788માં કૅપ્ટન આર્થર ફિલિપ બૉટેની બેમાં 11 વહાણોમાં 700 ગુનેગારો અને બીજા 300 માણસો લઈને આવ્યો. તેણે પૉર્ટ જેક્સનવાળો સિડનીનો પ્રદેશ સંસ્થાન સ્થાપવા પસંદ કર્યો. પરમાટાની આસપાસની જમીન ખેતી વાસ્તે અનુકૂળ હતી. જેમ્સ રૂઝે ત્યાં પ્રાયોગિક ફાર્મ સ્થાપ્યું. જેમ્સ મૅકાર્થરે 1793માં એલિઝાબેથ ફાર્મ બાંધી, ઊનનો ઉદ્યોગ શરૂ કર્યો. પરમાટા સરકારનું મથક બન્યું. મોટાભાગના ગવર્નરો ત્યાં રહેતા હતા. બંદર અને વેપારના મથક તરીકે સિડનીનું મહત્ત્વ વધ્યું અને ત્યાં ઝડપી વસવાટ થયો. 1840ની આખર સુધીમાં ઊનની નિકાસ સારા પ્રમાણમાં થવા લાગી. બ્રિટનનો ઘણો માલ ત્યાં વેચાવા આવવા લાગ્યો.

સિડનીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની પ્રથમ ધારાકીય સમિતિની રચના 1843માં થઈ. બેથર્સ્ટ પાસે 1851માં સોનાની શોધ થઈ ત્યારે સિડનીની વસ્તીમાં એકદમ વધારો થયો. પરાંઓ અને ઉદ્યોગોનો ફેલાવો થવાથી જાહેર વાહનવહેવારની આવશ્યકતા વધી.

સપ્ટેમ્બર, 1855માં પરમાટા જતી પ્રથમ રેલવેની અને બંદર પર નૌકાવિહારની શરૂઆત થઈ. પીટ સ્ટ્રીટમાં ઘોડાથી દોડતી ટ્રામ 1861માં અને 1879માં વરાળથી ચાલતી ડબલ ડેકર ટ્રામ શરૂ થઈ. તે પછી પરાંઓની પ્રથમ રેલવે લાઇન સ્ટાર્થફીલ્ડથી હૉર્ન્સબી અને શહેરમાંથી સુથરલૅન્ડ સુધીની બાંધવામાં આવી. તે પછી રેલવેમાં ખૂબ વધારો થયો. સિડની હાર્બર બ્રિજ 1932માં શરૂ થવાથી ઉત્તર અને દક્ષિણના વિસ્તારોને જોડતો શહેરનો ભૂગર્ભ વાહનવહેવાર શરૂ થયો. વસ્તીવધારા સાથે નવાં પરાંનો વિકાસ થતો ગયો.

માર્ચ, 1900માં સિડનીમાં ગાંઠિયા (bubonic) પ્લેગનો રોગચાળો થયો. ઉંદરોનો નાશ કરવા કેટલીક ઇમારતો તોડવામાં આવી. ત્યારબાદ સિડની શહેરનો આધુનિક વિકાસ થયો.

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી

જયકુમાર ર. શુક્લ