સિગર્સ, ગેરાર્ડ (જ. 1591, ફ્લેન્ડર્સ; અ. 1651) : ફ્લેમિશ ચિત્રકાર. એવું અનુમાન કરવામાં આવે છે કે ઍન્ટવર્પમાં ફ્લેમિશ ચિત્રકારો એબ્રાહમ જાન્સેન્સ, કાસ્પર દે ક્રેયર તથા હૅન્ડ્રિક વાન બાલેન પાસે તેઓ ચિત્રકલાની તાલીમ પામેલા. 1608 સુધીમાં તો ઍન્ટવર્પમાં સિગર્સની એક ચિત્રકાર તરીકે મોટી નામના થયેલી. 1615માં તેઓ રોમ ગયા. ત્યાં તે કારાવાજિયોના અનુયાયી ચિત્રકારો માન્ફ્રેદી ગૅરિટ વાન હૉન્થોર્સ્ટના સંપર્કમાં આવ્યા.
ગેરાર્ડ સિગર્સનું એક ચિત્ર
આ બંને ચિત્રકારોના સંસર્ગનું સીધું પરિણામ સિગર્સના ચિત્ર ‘ધ ડિનાયલ ઑવ્ સેંટ પીટર’માં નાટ્યાત્મક પ્રકાશ રૂપે જોઈ શકાય છે. પછી સિગર્સ સ્પેન જઈ રાજા ફિલિપ ત્રીજાના દરબારી ચિત્રકાર બન્યા. ત્યાંથી તેઓ 1620માં એન્ટવર્પ પાછા ફર્યા. એ પછીના એમના ચિત્રસર્જન પર સમકાલીન ચિત્રકાર રુબેન્સનો પ્રભાવ પડ્યો. એ ચિત્રોમાંથી ચિત્ર ‘ઍડોરેશન ઑવ્ ધ કિન્ગ્ઝ’ (1630) પર રુબેન્સનો પ્રભાવ સૌથી વધુ સ્પષ્ટ અને વ્યાપક છે.
અમિતાભ મડિયા