સિગર્સ ડેનિયલ

January, 2008

સિગર્સ, ડેનિયલ (. 1590, ઍન્ટવર્પ, ફ્લેન્ડર્સ; . 1661, ઍન્ટવર્પ, ફ્લેન્ડર્સ) : પુષ્પોને આલેખવા માટે જાણીતા ફ્લેમિશ ચિત્રકાર. એક જેસ્યુઇટ પરિવારમાં તેમનો જન્મ થયેલો. હોલૅન્ડમાં એક પ્રૉટેસ્ટન્ટ પરિવારમાં તેમનો ઉછેર થયો. 1610માં સિગર્સ ઍન્ટવર્પ પાછા ફર્યા અને ચિત્રકાર બ્રુગેલના શાગિર્દ બન્યા. એ સાથે જ તેમણે કૅથલિક સંપ્રદાય અંગીકાર કર્યો. 1614માં તેઓ જેસ્યુઇટ સંપ્રદાયમાં પાદરી (‘brother’) બન્યા.

ડેનિયલ સિગર્સનું ચિત્ર ‘મેરી વિથ ક્રાઇસ્ટ’

1625થી 1628 સુધી તેમણે રોમમાં જેસ્યુઇટ સંપ્રદાય માટે કામ કર્યું. રોમમાં જ તેમણે અન્ય સમકાલીન ચિત્રકારોનાં ચિત્રોમાં આલેખિત માનવ-આકૃતિઓ પર પુષ્પમાળાઓ ચીતરવી શરૂ કરી. તુરત જ તેઓ રોમમાં લોકપ્રિય થઈ પડ્યા અને ઘણાબધા ચિત્રકારોએ પોતાનાં ચિત્રોમાં સિગર્સ પાસે પુષ્પો ચિતરાવ્યાં. પુષ્પો, પુષ્પોની માળાઓ, ફૂલછડીઓ, લતાઓ, પર્ણો અને ક્ષુપો ચીતરીને તેઓ અન્ય ચિત્રકારોનાં ચિત્રોને વધુ સુગઠિત ને સુશ્ર્લિષ્ટ રીતે ઉઠાવ આપી શકતા હતા.

તેમના શાગિર્દ ફિલિપ્સ વાન થીલેને (Theilen) તેમનું આ કામ ચાલુ રાખ્યું. ઉપરાંત ઍન્ટવર્પમાં હીમ અને મૅડ્રિડમાં આલેરાનોએ પણ તેમની શૈલીમાં વનસ્પતિનું અને પુષ્પોનું ચિત્રણ કર્યું.

અમિતાભ મડિયા