રોઝ, ઇરવિન (Rose, Irwin) (જ. 16 જુલાઈ 1926, બ્રૂકલિન, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન જૈવરસાયણવિદ અને 2004ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. 1952માં રોઝે યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાંથી જૈવરસાયણમાં એમ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1963–64 દરમિયાન તેઓ યેલ (Yale) યુનિવર્સિટી સ્કૂલ ઑવ્ મેડિસિનના અધ્યાપકગણમાં હતા. 1963થી 1995 દરમિયાન તેઓ ફૉક્સ ચેઝ (Fox chase) કૅન્સર સેન્ટરમાં વરિષ્ઠ સભ્ય (senior member) હતા. ત્યાં તેમણે 1981માં આર્થર હાઝ (Arther Haas) સાથે પ્રોટીનના ટર્ન-ઓવર (turn over) અથવા અવક્રમણ(degradation)માં ઉબિક્વિટિનની ભૂમિકા અંગે સંશોધન કર્યું હતું. 1997માં તેઓ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, ઇર્વિન(Irvine)ના શરીરક્રિયાવિજ્ઞાન (physiology) અને જૈવભૌતિકી (biophysics) વિભાગમાં જોડાયા.
એમિનોઍસિડોનું સંશ્લેષણ થાય કે ખોરાક દ્વારા લેવાય તે પછી તેમનો પ્રોટીનમાં સમાવેશ થાય છે. બધાં સજીવોમાં પ્રોટીનોનું સંશ્લેષણ અને અવક્રમણ થતું રહેતું હોય છે, જેને ‘ટર્ન-ઓવર’ કહે છે. વૈયક્તિક પ્રોટીનો વિવિધ દરે ‘ટર્ન-ઓવર’ પામે છે અને આવા અંત:કોષિકી પ્રોટીનોના અર્ધઆયુ થોડી મિનિટથી માંડીને અનેક અઠવાડિયાંનાં હોય છે, પણ કોઈ એક પ્રોટીન માટે જુદાં જુદાં અંગો અને જાતિઓ(species)માંનાં અર્ધઆયુ લગભગ સરખાં હોય છે. ઊર્જાની દૃષ્ટિએ ખર્ચાળ એવી આ પ્રવિધિ અસામાન્ય પ્રોટીનોને દૂર કરી કોષને રક્ષણ આપે છે.
સસીમકેન્દ્રી કોષોમાંનાં પ્રોટીનોના ચયનાત્મક (selective) જળવિભાજન માટેનો મુખ્ય પથ ઉબિક્વિટિન(76 એમિનોઍસિડ ધરાવતો પ્રોટીન કણ)ની હાજરી જરૂરી બનાવે છે. પ્રોટીસોમ્સ (protisomes) દ્વારા જે પ્રોટીનોનું અવક્રમણ થવાનું હોય તેમને ઉબિક્વિટિન ચિહનિત કરે છે. આ માટે તે ઉબિક્વિટિનીકરણ (ubiquitation) તરીકે ઓળખાતી ATP–આધારિત પ્રક્રિયામાં લાયસિન (lysines) અવશેષો સાથે સહસંયોજક બંધ બનાવે છે. તે કોષના સામાન્ય જીવનમાં તેમજ તણાવ (stress) પ્રત્યે કોષના પ્રતિભાવમાં અગત્યનું છે અને ઉષ્મા-આઘાતી પ્રોટીન (heat shock protein, HSP) ગણાય છે. HSP એ એવાં પ્રોટીનો છે, જે તાપમાનના વધારાથી સજીવ કોષો દ્વારા સંશ્લેષિત થાય છે અને આણ્વિક રખોપા (molecular chaperons) તરીકે વર્તી તાપમાનને કારણે ગડી ઉકેલાઈ ગયેલાં પ્રોટીનોને યોગ્ય ગડીરૂપે વળવાનું શક્ય બનાવી કોષને નુકસાન થતું અટકાવે છે.
ઉબિક્વિટિનના માધ્યમ દ્વારા પ્રોટીનના અવક્રમણ અંગેની તેમની શોધ બદલ 2004નાં વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર ઇરવિન રોઝ અને ઇઝરાયલના બે વૈજ્ઞાનિકો, આરોન સાઇકેનોવર અને એવરામ હર્ષકોને સંયુક્તપણે એનાયત કરવામાં આવ્યો છે.
જ. દા. તલાટી