લુઈ, એડ્વર્ડ બી. (જ. 1918) : સન 1995ના ક્રિસ્ટિઆન ન્યુસ્લેન વોલ્હાર્ડ અને એરિક વાઇશોસ સાથેના તબીબી અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પારિતોષિક-વિજેતા. તેમને આ સન્માન પ્રાગર્ભ અથવા ભ્રૂણ(embryo)ના પ્રારંભિક વિકાસ અંગેના જનીની નિયંત્રણ અંગેના સંશોધન માટે પ્રાપ્ત થયું હતું. સન 1939માં તેમણે મિનેસોટા યુનિવર્સિટીમાંથી બી.એ.ની ઉપાધિ મેળવી અને 1942માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં સંશોધનકાર્ય કરીને પીએચ.ડી. ઉપાધિ પ્રાપ્ત કરી. 1942થી 1945 સુધી તેમણે અમેરિકાના લશ્કરી હવાઈ દળમાં કૅપ્ટનની પદવી સાથે પ્રશાંત મહાસાગર વિભાગમાં સમુદ્રાલેખવિદ(oceanographer)ની કામગીરી સંભાળી. તેઓ 1966માં બાયૉલોજીના પ્રોફેસર બન્યા. તેઓ રૉકફેલર ફાઉન્ડેશનના ફેલો પણ હતા (1947–48). સન 1975–76માં તેઓ ડેન્માર્કની કોપનહેગન યુનિવર્સિટીમાં આમંત્રિત પ્રાધ્યાપક તરીકે જતા હતા. તેઓ અમેરિકાની રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમી, જનીનવિદ્યા મંડળી, ફિલસૂફી મંડળી તથા કળાઓ અને વિજ્ઞાનોની અકાદમીમાં સભ્યપદે રહ્યા હતા. તેઓ ઇંગ્લૅન્ડની રૉયલ સોસાયટી અને જનીનવિદ્યાકીય મંડળીના પણ વિદેશી સભ્ય તરીકે રહ્યા હતા. તેમને વિવિધ પ્રકારના ચંદ્રકો, સન્માનો (awards) તથા પારિતોષિકો મળેલાં છે. તેમની પત્ની પામેલા એક કલાકાર છે અને તેમને ત્રણ સંતાનો છે.
શિલીન નં. શુક્લ