લુંગલે : મિઝોરમ રાજ્યના મધ્યભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 23° 00´ ઉ. અ. અને 92° 45´ પૂ. રે.ની આજુબાજુનો 4,538 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને દક્ષિણે અનુક્રમે રાજ્યના ઐઝવાલ અને છિમ્તુઇપુઈ જિલ્લા તથા પૂર્વ અને પશ્ચિમે અનુક્રમે મ્યાનમારની ચિન ટેકરીઓ અને બાંગ્લાદેશ આવેલાં છે.
ભૂપૃષ્ઠ : આ જિલ્લો ઉત્તર–દક્ષિણ વિસ્તરેલી ટેકરીઓથી છવાયેલો છે. ટેકરીઓ ઉગ્ર ઢોળાવવાળી છે અને ઉત્તર–દક્ષિણ વહેતી નદીઓથી અલગ પડે છે. અહીંની નદીઓએ ઊંડાં કોતરો બનાવ્યાં છે. નદીઓ પ્રમાણમાં ઓછી છે, તે પૈકી રિયાન્ગ્તે લુઈ અહીંની મુખ્ય નદી છે. જિલ્લામાં અયનવૃત્તીય, પર્વતીય ઉપઅયનવૃત્તીય તેમજ અર્ધ-સદાહરિત જંગલો આવેલાં છે. જંગલો કપાયાં હોવાથી કેટલાક વિસ્તારો ઉજ્જડ બની ગયા છે, તેથી જંગલખાતાએ વનવિકાસ કરવાના હેતુથી વૃક્ષો વાવવાનું શરૂ કર્યું છે.
ખેતી–પશુપાલન : જિલ્લાના 80 % ગ્રામીણ લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. પહાડોનાં સીડીદાર ખેતરોમાં પરંપરાગત ચાલી આવતી સ્થળાંતર પ્રકારની ખેતી થાય છે. ડાંગર અહીંનો મુખ્ય કૃષિપાક છે. ખેતીમાં સુધારો અને પાકમાં વધારો થાય તે હેતુથી રાજ્ય સરકાર પ્રોત્સાહનરૂપે રાહતદરે ખાતરો, ઓજારો અને બિયારણ પૂરું પાડીને તથા જરૂરી રક્ષણ અને અવરજવર માટેના માર્ગો બનાવી આપીને ખેડૂતો સમૃદ્ધ થાય એવા પ્રયાસો કરે છે. ગાયો, બકરાં, ડુક્કર અને મરઘાં-બતકાં અહીંનાં મુખ્ય પશુઓ છે. રાજ્ય સરકાર કેટલાક જરૂરિયાતમંદોને વિના મૂલ્યે ગાયો અને ડુક્કરો પૂરાં પાડે છે. ઢોરોના ખોરાક માટે નાણાસહાય પણ કરે છે. આ ઉપરાંત અહીં પશુદવાખાનાં અને ચિકિત્સાલયોની સુવિધા પણ છે.
ઉદ્યોગ–વેપાર : 1972માં જિલ્લાની રચના થઈ તે અગાઉ અહીં ઉદ્યોગોનો વિકાસ થયેલો ન હતો. પરંતુ તે પછીથી ગ્રામીણ વિસ્તારોમાં હાથસાળ, હસ્તકારીગરી, ગૂંથણ-સીવણના નાના પાયા પરના ઉદ્યોગો વિકસે તે માટે રાજ્ય સરકારે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. જિલ્લામથક લુંગલે ઔદ્યોગિક મથક તરીકે વિકસ્યું છે. રાજ્યનું ઉદ્યોગખાતું એજન્સીઓ અને નાણાકીય સંસ્થાઓના સહકારથી જિલ્લાના વિકાસનું કાર્ય સંભાળે છે. લુંગલે ખાતે રાચરચીલું તૈયાર થાય છે. આ જિલ્લો ડાંગરના ઉત્પાદનમાં સ્વાવલંબી ન હોવાથી ચોખાની આયાત કરવામાં આવે છે. અહીં ફરતી ખેતી થતી હોવાથી નારંગી, પાઇનેપલ, કેળાં, મરચાં અને આદું, જ્યારે થાય ત્યારે, જિલ્લા બહાર પણ મોકલાય છે.
પરિવહન : વાહનવ્યવહાર માટે અહીં માત્ર સડક માર્ગો જ છે, તે પણ હજી પ્રારંભિક કક્ષામાં જ છે. લુંગલેથી ઐઝવાલ, લાબંગ અને તુઇપાંગ તરફના માર્ગો મુખ્ય બસમથકો સહિત તૈયાર થઈ ગયા છે. જ્યાં શક્ય છે ત્યાં નદીઓમાંના અવરોધો દૂર કરીને જળવાહનવ્યવહાર તેમજ રેલવ્યવહાર માટે પ્રયાસો શરૂ કરાયા છે.
પ્રવાસન : જિલ્લામાં થોડાં જોવાલાયક સ્થળો આવેલાં છે. તે પૈકી મિલુપુક, રિયાન્ગ્તે લુઈ, ચાગવુંગી, થાંઘલિયાંગ અને ખાવંગલુંગ રાન મુખ્ય છે.
(1) મિલુપુક (Milu Puk) : લુંગલેથી 133 કિમી. દૂર આવેલું ગામ મામટે તેની મિલુપુક નામની એક વિશાળ ગુફા માટે જાણીતું છે. (મિ = માનવ, લુ = માથું, પુક = ગુફા). અહીં પ્રાચીન સમયમાં ક્યારેક કારમો દુકાળ પડવાથી ખોરાકની તંગીને કારણે ઘણા લોકો મરણ પામેલા. બાકીના લોકો મુખ્ય માણસોના સૂચનથી આ ગુફામાં ગયા અને ભૂખથી પીડાઈને તેઓ બધા અહીં મરણ પામ્યા. અહીં જળવાઈ રહેલો કપડાં પહેરેલાં હાડપિંજરોનો હારબંધ ગોઠવાયેલો સમૂહ જ્યારે મળી આવ્યો ત્યારે તેને મિલુપુક નામ અપાયું. ગુફામાંથી હાડપિંજરો તો દૂર કરાયાં, પરંતુ આજ સુધી આ હાડપિંજરોનો નૃવંશશાસ્ત્રીય અભ્યાસ કરવામાં આવેલો નથી.
(2) રિયાન્ગ્તે લુઈ : વાનહને (Vanhne) અને ત્હેહલેપ (Thehlep) ગામોની સરહદ પર બરોબર વચ્ચે વહેતી નદીનું પાણી પંકિલ હોવા ઉપરાંત કેરોસીનની ગંધવાળું પણ છે. આ સ્થળ લુંગલેથી 8 કિમી. અંતરે આવેલું છે. તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
(3) ચૉંગવુંગી (Chawngvungi) : અહીં આ નામની એક સ્ત્રી રહેતી હતી. પાંગઝવાલ(આજનું હનાહથિયાલ સમાજવિકાસ-ઘટકનું એક ગામ)માં તેનો જન્મ થયેલો. તે ખૂબ જ સુંદર હતી. ઘણા યુવાનો તેના પર મુગ્ધ હતા, પરંતુ તેની સાથે લગ્ન કરવા માટે તેની માતાએ ઘણી મોટી રકમની માગણી મૂકી હોવાથી તેઓ નિરાશ થયેલા. પરંતુ એક અગ્રણીના કદરૂપા પુત્ર સાવંગખારાએ તેને પ્રેમથી જીતી લઈને તેની સાથે લગ્ન કરેલાં. લગ્ન બાદ થોડા વખતમાં તે મૃત્યુ પામેલી. સાવંગખારાએ તેની યાદમાં પોતાની બાકીની જિંદગી વિતાવેલી. આ કરુણ ઘટનાનું સ્થળ જોવા ઘણા લોકો આવે છે. આ ઘટના પાછળ ગૂંથાયેલી વાર્તા લોકસંગીતમાં વણી લેવાયેલી છે. તે સિવાય મિઝો લોકસંગીત અધૂરું ગણાય છે.
(4) થાંઘલિયાંગ : હાલખા ગામ(હવે તે મ્યાનમારમાં છે)ના હાલખા કબીલાનો પાવી જાતિનો થાંઘલિયાંગ નામનો એક મુખી હતો. બીજા કોઈ કબીલા સાથે કોઈ કારણસર દુશ્મનાવટ થવાથી તે સંઘર્ષમાં ઊતરેલો. સંઘર્ષ લાંબો ચાલવાથી બીજા કબીલાઓ શત્રુપક્ષે ભળેલા. છેવટે તેને અને તેના સાથીઓને મારી નાખવામાં આવેલા. શબ ફેંકી દઈ મસ્તકને વતનમાં લાવવામાં આવેલું. આ રીતે અહીં પાવી વંશનું આધિપત્ય પૂરું થયેલું. ઐતિહાસિક ઘટનાથી આ સ્થળ જાણીતું બનેલું છે.
(5) ખાવંગલુંગ રાન : ખાવંગલુંગ ગામનું નામ છે, ‘રાન’નો અર્થ ધાડ થાય છે. આ ગામ લુંગલેથી ઉત્તર તરફ ઐઝવાલથી 145 કિમી. દૂર આવેલું છે. ટેકરી પર આવેલા આ ગામને માત્ર એક જ પ્રવેશદ્વાર હતું, વળી તે વાડથી સુરક્ષિત હતું, તેથી ગામલોકો શાંતિથી રહેતા હતા અને પોતાને ખૂબ સલામત માનતા હતા. 1856 અને 1859નાં વર્ષો દરમિયાન ઉત્તર અને દક્ષિણ મિઝોરમ વચ્ચે સંઘર્ષ થયેલો. તેમાં આ ગામ ખાતે ધાડ પાડવામાં આવેલી. ધાડ પડ્યા પછી દુશ્મનાવટ પૂરી થઈ. આ સંઘર્ષ અને ધાડને મિઝોરમના ઇતિહાસમાં એક મોટી ઘટના તરીકે ઘટાવેલી છે.
આ જિલ્લામાં મિઝો સંસ્કૃતિનું એક વિશિષ્ટ સ્થાન છે. અહીંના લોકો હવે સુધારાવાદી બન્યા છે, પશ્ચિમી ઢબનું જીવન જીવે છે, તેમ છતાં હજી મિશ્ર સંસ્કૃતિ જોવા મળે છે. અહીં ચકમા જાતિના લોકો પણ રહે છે. તેઓ મિઝો લોકોથી જુદા પડી આવે છે. તેઓ પ્રમાણમાં વધુ પછાત છે, પોતાની બોલી બોલે છે, બંગાળી લિપિનો ઉપયોગ કરે છે. ભગવાન બુદ્ધ તેમજ હિન્દુ દેવ-દેવીઓની પૂજા કરે છે. ચકમા લોકો અર્ધવિચરતી જાતિના છે અને નદીઓના કાંઠા નજીક રહે છે.
વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 1,37,155 જેટલી છે, તે પૈકી આશરે 58 % પુરુષો અને 42 % સ્ત્રીઓ છે; ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ આશરે 60 % અને 40 % જેટલું છે. ખ્રિસ્તી અને બૌદ્ધોની વસ્તી વિશેષ છે; જ્યારે હિન્દુ, મુસ્લિમ અને શીખોનું પ્રમાણ ઓછું છે. મિઝો અને અંગ્રેજી અહીંની મુખ્ય ભાષાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ આશરે 70 % જેટલું છે. જિલ્લામાં ત્રણ કૉલેજો છે. અહીંની 79 % વસ્તીને તબીબી સેવાનો લાભ મળે છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 4 ગ્રામીણ વિકાસઘટકોમાં વહેંચેલાં છે. જિલ્લામાં 3 નગરો અને 178 (20 વસ્તીવિહીન) ગામડાં છે.
ઇતિહાસ : સંઘ-રાજ્યોથી અગાઉના વખતમાં આ જિલ્લો લુંગલે ઉપવિભાગ તરીકે જાણીતો હતો. 1971ની વસ્તીગણતરીની નોંધ મુજબ આ વિભાગ લુંગલે પોલીસ-સ્ટેશન અને દેમાગિરિ પોલીસ-સ્ટેશન તરીકે ઓળખાતો હતો. આ ઉપવિભાગને 1972ના જાન્યુઆરીની 21મી તારીખે મિઝોરમ રાજ્યની રચના સાથે જિલ્લાનો દરજ્જો મળેલો છે.
ગિરીશભાઈ પંડ્યા