લુધિયાણા (જિલ્લો અને શહેર) : પંજાબ રાજ્યના મધ્ય ભાગમાં આવેલો જિલ્લો, તથા તે જ નામ ધરાવતું શહેર અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 30° 54´ ઉ. અ. અને 75° 51´ પૂ. રે. વચ્ચેનો 3,744 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર પૂર્વ-પશ્ચિમ લંબાયેલા લંબચોરસ જેવો છે. તેની ઉત્તરે જલંધર, પૂર્વમાં રૂપનગર, અગ્નિકોણમાં પતિયાલા, દક્ષિણે સંગરૂર તથા પશ્ચિમે ફીરોજપુર જિલ્લાઓ આવેલા છે. જિલ્લામથક લુધિયાણા એક નાની ડુંગરધાર પર આવેલું છે અને સતલજ નદીના ભાગરૂપ બુધા નાળા પર વસેલું છે. ‘લુધિયાણા’ નામ મૂળ લોધી લોકોના નગર ‘લોધિયાના’નું અપભ્રંશ રૂપ છે.
ભૂપૃષ્ઠ : આખોય લુધિયાણા જિલ્લો નદીજન્ય કાંપથી બનેલો છે. સતલજ બેટ અને ધિયા ભૂમિભાગ ખૂબ જ ફળદ્રૂપ છે. પૂર્વમાં આવેલા સમરાલા તાલુકાના અમુક ભાગો રેતીની ડુંગરધારોવાળા છે. જિલ્લાને બે પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય છે : (i) નદીકાંઠા નજીકનો નીચાણવાળો કાંપનો પ્રદેશ–નદીના જૂના અને નવા પ્રવાહપથ વચ્ચે સતલજ બેટ નામથી ઓળખાતો ભાગ આવેલો છે. (ii) સતલજ નદીના જૂના પટથી દૂરનો જિલ્લાની દક્ષિણ તરફનો ભૂમિભાગ, તે પ્રમાણમાં થોડો ઊંચો છે અને ધિયા નામથી ઓળખાય છે.
જળપરિવાહ : સતલજ અહીંની એકમાત્ર નદી છે. તે લુધિયાણા–જલંધર જિલ્લાઓ વચ્ચેની સરહદ પરથી પસાર થાય છે અને બંને જિલ્લાઓને જુદા પાડે છે, આ સરહદ પર સતલજ આશરે 90 કિમી. લંબાઈમાં પૂર્વથી પશ્ચિમ વહે છે. ઉપરવાસમાં આવેલા ભાકરા બંધ પાછળના ગોવિંદસાગર જળાશય અને નહેરોમાં વાળેલાં પાણીને કારણે સતલજમાં હવે એક નાની નદી જેટલું જ પાણી રહે છે, અર્થાત્ અહીં તે પૂરનિયંત્રણનું કામ કરે છે. બુધા નાળું સતલજના જૂના પટમાં થઈને વહે છે, તે રૂપનગર જિલ્લાના રૂપનગર તાલુકામાં ચામકૌર સાહિબ પાસેથી નીકળે છે. જિલ્લામાં બિહોલપુર નજીક પ્રવેશે છે, લુધિયાણા શહેરની બાજુમાંથી પસાર થાય છે અને ફીરોજપુર જિલ્લાની સરહદથી પૂર્વ તરફ 8 કિમી.ને અંતરે જગરાંવ તાલુકામાં સતલજને જઈ મળે છે. આ નાળા પર એક લુધિયાણા ખાતે અને બીજો માછીવાડા ખાતે – એમ બે પુલ બાંધવામાં આવેલા છે.
ખેતી–સિંચાઈ–પશુપાલન : જિલ્લાની જમીનો ફળદ્રૂપ હોવાથી અહીંનું અર્થતંત્ર ઉદ્યોગો ઉપરાંત ખેતી પર નભે છે. કૃષિપાકોનું ઉત્પાદન વધે તે માટે જમીનોને નહેરો, નળકૂપ (ટ્યૂબવેલ) અને પંપો દ્વારા સિંચાઈ ઉપલબ્ધ કરવામાં આવે છે. ઘઉં, મકાઈ, મગફળી, કપાસ અને શેરડી અહીંના મુખ્ય કૃષિપાકો છે. હવે ડાંગર અને ફળોનું ઉત્પાદન પણ લેવાઈ રહ્યું છે. લુધિયાણા, જગરાંવ, રાયકોટ, મુલ્લાંપુર, ખન્ના અને સમરાલા આ કૃષિપાકોનાં ખરીદવેચાણનાં બજારી મથકો બની રહેલાં છે. જિલ્લાની પશુસંપત્તિમાં તેમજ મરઘાં-બતકાંની સંખ્યામાં પણ વધારો થયો છે. ગાયો, ભેંસો, બળદ, ઘોડા, ટટ્ટુ, ખચ્ચર, ગધેડાં, ઘેટાં, બકરાં, ઊંટ અને ડુક્કર અહીંનાં મુખ્ય પશુઓ છે.
ઉદ્યોગો : આ જિલ્લાએ ઉદ્યોગક્ષેત્રે છેલ્લાં 50 વર્ષોમાં ઘણો ઝડપી વિકાસ કર્યો છે. અહીં હોઝિયરી, ઇજનેરી માલસામાન, મોપેડ, સિલાઈ મશીનો અને સાઇકલોનું મોટા પાયા પર ઉત્પાદન લેવાય છે. સમગ્ર દેશની ઊની હોઝિયરીની 80 %થી વધુ માંગ લુધિયાણા પૂરી પાડે છે. આ ઉપરાંત આ જિલ્લો હોઝિયરી અને ઇજનેરી માલસામાનની ઘણા દેશો ખાતે નિકાસ પણ કરે છે. હીરો મૅજેસ્ટિક મોપેડના ઉત્પાદન માટે લુધિયાણાનું નામ મોખરે છે. સિલાઈ-મશીનો અને પુરજાઓ, સ્ક્રૂ અને ચાકીઓ, કૃષિઓજારો, થ્રેશર, ડીઝલ એન્જિનો, વીજળીનો સામાન, ઑઇલ એક્સ્પેલર્સ, ઍન્ટેના, વીજળીના પંખા, કરવતો, લોખંડના પટ્ટા, વાઢકાપનાં સાધનો વગેરે એકમો આ જિલ્લામાં સંકેન્દ્રિત થયેલા છે. અહીં એટલા તો મોટા પાયા પર ઔદ્યોગિક વિસ્તરણ થયું છે કે તેને ‘ભારતનું માન્ચેસ્ટર’ અથવા ‘ભારતનું ઓસાકા’ કહેવામાં આવે છે. અહીં 59 જેટલા મોટા અને મધ્યમ કદના ઉદ્યોગો તથા આશરે 15,000 જેટલા નાના પાયા પરના એકમો કાર્યરત છે. આ કારણે અહીં વાર્ષિક 765 કરોડ રૂપિયા જેટલાં નાણાંની હેરફેર થાય છે.
અહીં થયેલી ઔદ્યોગિક વિસ્તૃતિને કારણે લુધિયાણાની આજુબાજુનાં નાનાં નગરોમાં પણ ઉદ્યોગો વિકસ્યા છે. આ રીતે લુધિયાણા જિલ્લાએ પંજાબના અન્ય જિલ્લાઓમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે એટલું જ નહિ, આ જિલ્લાએ તેની આર્થિક પેદાશો, ઘઉં-ઉત્પાદન અને હોઝિયરીમાં દુનિયાભરમાં નામના પ્રાપ્ત કરી છે.
વેપાર : લુધિયાણા શહેર તેમજ જિલ્લો બંને પંજાબ રાજ્યમાં મધ્યના સ્થાને આવેલાં હોઈ પરિવહન-સેવાઓનો વિકાસ થયો છે; જમીનો ખૂબ ફળદ્રૂપ છે, વિવિધ ઉદ્યોગો વિકસ્યા છે, આ બધાં કારણોથી વેપાર, વાણિજ્ય ક્ષેત્રોનો પણ ઘણો વિકાસ થયો છે. ખેતીની પેદાશો બજારમાં વેચાણ અર્થે આવે છે. ઘઉં, આટો, ચણા, મગફળી, કપાસ, સરસવ, ગોળ, મકાઈ, બટાટા, ડુંગળી, હાડકાં અને ચામડાં અહીંથી નિકાસ થાય છે. હોઝિયરી, ઝીણું કાંતેલું સુંવાળું ઊન, મોપેડ, સાઇકલો, તેના ભાગો, સિલાઈ-મશીનો, ખેતીનાં ઓજારો જેવી ઔદ્યોગિક પેદાશોની પણ નિકાસ થાય છે. રશિયા, પૂર્વ યુરોપીય દેશો, મધ્ય પૂર્વના અને દૂર પૂર્વના એશિયાઈ દેશો તેમજ આફ્રિકાના દેશો તેમની આયાત કરે છે અહીં આયાત થતી ચીજોમાં મીઠું, ખાંડ, કોલસો, કેરોસીન, મોટર-સ્પિરિટ, ધાતુઓ, સુતરાઉ કાપડના ટુકડા, કોથળા, ઊની કાપડ અને યંત્રસામગ્રીનો સમાવેશ થાય છે.
પરિવહન : આ જિલ્લો રેલમાર્ગો અને પાકા માર્ગોથી સારી રીતે જોડાયેલો છે. અમૃતસર–અંબાલા, લુધિયાણા–ફીરોજપુર અને લુધિયાણા–ધૂરીજાખાલ રેલમાર્ગો તથા ગ્રાન્ડ ટ્રંક રોડ અથવા રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 1 આ જિલ્લામાંથી પસાર થાય છે. લુધિયાણા શહેર આ માર્ગ પર આવેલું છે. આ માર્ગ મારફતે તે દક્ષિણ તરફ અંબાલા, કરનાલ, પાણીપત અને દિલ્હી સાથે; તો ઉત્તર તરફ જલંધર અને અમૃતસર સાથે જોડાયેલું છે. આ ઉપરાંત, મોટા અને નાના જિલ્લામાર્ગો પણ જિલ્લાનાં નગરો અને ગામડાંને સાંકળે છે.
પ્રવાસન : લાહોરના સામ્રાજ્યના રાજવી રણજિતસિંહનાં અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનાં દળો વચ્ચે લુધિયાણા નજીક સતલજ નદી સીમા પર કેટલીક નિર્ણાયક લડાઈઓ લડાયેલી. લાહોરનું આ સામ્રાજ્ય તે પછી બ્રિટિશ હકૂમતે પોતાનામાં જોડી દીધેલું. એ અગાઉ બ્રિટિશ લશ્કરી દળોએ લુધિયાણા ખાતે પડાવ નાખેલો.
પુરાતત્વીય દૃષ્ટિએ મહત્વનાં સ્થળોમાં સુનેત, માછીવાડા અને ભાયનીસાહિબ ગામોનો સમાવેશ થાય છે. માછીવાડા પાસે ટેકરાઓથી બનેલો વિસ્તાર તેમજ ગામની પશ્ચિમે ઈંટોથી બાંધેલા પાંચ મોટા કૂવા આવેલા છે, આ બાબત અહીં ભૂતકાળમાં કોઈ મોટું નગર હોવાનો નિર્દેશ કરે છે. ‘માછીવાડા’નો અર્થ થાય છે માછીઓનું સ્થળ. શીખોના શાસનકાળ દરમિયાન માછીવાડા સોઢી લોકોનું મુખ્ય મથક હતું. તેમણે ઈંટોથી એક મોટો કિલ્લો બાંધેલો. આ કિલ્લો હાલ પોલીસમથક અને દીવાનાખાના હસ્તક છે. માછીવાડા મથક મુઘલો સામેની ગુરુ ગોવિંદસિંહની પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહેલું. અહીં ચરણકમલ અને ચુબારાસાહિબ નામનાં બે ઐતિહાસિક ગુરુદ્વારા આવેલાં છે. 1555માં માછીવાડા ખાતેની લડાઈમાં જેઓ મરાયેલા તેમની કબર ગંજ શાહીદાન પણ અહીં આવેલી છે. ભાયનીસાહિબ લુધિયાણાથી ચંડીગઢ તરફ 17 કિમી.ને અંતરે આવેલું છે. નામધારી(અથવા કુકા)ઓના પંથના સ્થાપક સતગુરુ રામસિંહ 1850–1860 દરમિયાન અહીં રહેલા. ત્યારપછી ભાયનીસાહિબ આ પંથનું ધર્મસ્થાન બની રહેલું છે. ગુરુની સાદાઈ અને પવિત્રતાના અંશો અહીં નજરે પડે છે. નામધારીઓ તેમની ભલી લાગણીઓ, પ્રેમાળ ભાવનાઓ અને ગૌપ્રેમને કારણે જાણીતા છે. ભાદરવા મહિના દરમિયાન દર વર્ષે અહીં તેમનો ધાર્મિક મેળો ભરાય છે, ત્યારે દેશના બધા જ ભાગોમાંથી નામધારીઓ અહીં ભેગા થાય છે, હવન, પ્રાર્થના અને શ્લોક-પઠન કરે છે અને ગુરુએ ચીંધેલ ધાર્મિક વિધિઓ કરે છે. વારતહેવારે આ જિલ્લાના જુદા જુદા ભાગોમાં મેળાઓ ભરાય છે, તથા વસ્તીના લોકો પોતપોતાના ઉત્સવોનું આયોજન કરી આનંદ માણે છે.
વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 30,30,352 જેટલી છે. અહીં ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ લગભગ સમાન છે. જિલ્લામાં મુખ્ય વસ્તી શીખોની છે, તે પછીના ઊતરતા ક્રમે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધ આવે છે. અહીંની મુખ્ય ભાષા પંજાબી અને હિન્દી છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ 60 % જેટલું છે. પંજાબ કૃષિ યુનિવર્સિટી અહીં લુધિયાણા ખાતે આવેલી છે. અહીં 27 જેટલી કૉલેજો આવેલી છે. જિલ્લામાં પૂરતા પ્રમાણમાં હૉસ્પિટલો, ચિકિત્સાલયો, પ્રાથમિક સ્વાસ્થ્ય-કેન્દ્રો, પ્રસૂતિગૃહો, બાળકલ્યાણ-કેન્દ્રો અને કુટુંબનિયોજન-કેન્દ્રો આવેલાં છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 4 તાલુકાઓમાં અને 10 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 10 નગરો અને 979 (18 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : આશરે 1481માં મીર હોતા નામના ગામ પાસે લોધી શાસકોના સમયમાં આ સ્થળ વસાવવામાં આવેલું. યૂસુફખાન અને નિહંગખાન નામના લશ્કરી અફસરો તેના સ્થાપકો હતા. શહેનશાહ સિકંદરખાને અહી બલૂચીઓેએ ઊભી કરેલી તકલીફોને દાબી દેવા અને શાંતિ સ્થાપવા તેમને મોકલેલા. યૂસુફખાન નદી ઓળંગીને ઉત્તર તરફ જઈને સુલતાનપુરમાં સ્થાયી થયેલા, જ્યારે નિહંગખાન મીર હોતા ખાતે સ્થાયી થયેલા. લોધીઓએ આ સ્થળને લોધિયાણા નામ આપેલું. તેમના પૌત્ર જલાલખાને લુધિયાણા ખાતે સતલજના કાંઠે એક કિલ્લો બાંધેલો. એ વખતે સતલજ નદી લુધિયાણાની બાજુમાંથી બુધા નાળા આજે વહે છે ત્યાં નજીકમાં થઈને વહેતી હતી. પછીથી તો લુધિયાણાને તત્કાલીન લોધી રાજાઓના કાબૂ હેઠળ રહેલા દિલ્હી પ્રાંત તેમજ સરહિંદ વિભાગનો એક ભાગ બનાવેલું.
1760માં મુઘલ સામ્રાજ્યની પડતી પછી લુધિયાણા રાય લોકોને હસ્તક આવ્યું. રાય કલ્લાએ અહીંના કિલ્લાનું સમારકામ કરાવ્યું અને તેના શાસન દરમિયાન આ કિલ્લાને થાણું બનાવ્યો. 1806માં મહારાજા રણજિતસિંહે અહીંના છેલ્લા રાય શાસકની પત્ની ભાગભારી પાસેથી લુધિયાણાનો કિલ્લો અને શહેર બંનેનો કબજો મેળવી તેમના ભત્રીજા જિંદના રાજા ભાગસિંહને આપી દીધો. જિંદના રાજા સંગતસિંહના મૃત્યુ બાદ આ કિલ્લો અને શહેર બ્રિટિશ હકૂમત હેઠળ આવ્યાં અને લુધિયાણાને 1846માં જિલ્લો બનાવવામાં આવ્યો. વીસમી સદીની શરૂઆતમાં અહીં હોઝિયરી અને કાપડ-ઉદ્યોગ નંખાયો. ખન્ના અને જાગરાંવ વેપાર-વાણિજ્યનાં મથકો બન્યાં. તે દરમિયાન લુધિયાણાની વસ્તી માત્ર થોડાક હજારની હતી, તે દેશના ભાગલા પડ્યા ત્યાં સુધીમાં આશરે લાખની થઈ ગઈ હતી. 1947 દરમિયાન જિલ્લાના મુસ્લિમ નિવાસીઓ પશ્ચિમ પંજાબમાં ગયા અને ત્યાંથી ઘણી મોટી સંખ્યામાં નિરાશ્રિતો અહીં આવીને વસ્યા. ભાગલા પડ્યા પછી લુધિયાણા શહેર મહત્વનું સ્થાન પ્રાપ્ત કરતું ગયું. તે પંજાબનું મધ્યસ્થ મથક હોવાથી તેમજ ગ્રાન્ટ ટ્રંક રોડ અને મુખ્ય રેલમાર્ગ અહીંથી પસાર થતો હોવાથી તે રાજ્યનું મુખ્ય ઔદ્યોગિક અને વાણિજ્ય મથક બનતું ગયું. ઉદ્યોગો, એકમો અને વિશિષ્ટ શૈક્ષણિક સંસ્થાઓ અહીં સ્થપાતાં ગયાં. વસ્તી વધતી ગઈ. આજે લુધિયાણા પંજાબનું મોટામાં મોટું શહેર અને પતિયાલા વિભાગના ચાર જિલ્લાઓ પૈકીનો અગત્યનો જિલ્લો બની રહેલ છે.
ગિરીશભાઈ પંડ્યા