લુઇસ, જૉન (Lewis, John) (જ. 3 મે 1920, લા ગ્રેઇન્જ, ઇલિનૉય, અમેરિકા) : અમેરિકન જાઝ-પિયાનિસ્ટ અને સ્વરનિયોજક. ન્યૂ મેક્સિકો યુનિવર્સિટીમાં પિયાનોવાદન અને માનવજીવનશાસ્ત્ર-(anthro-pology)નો અભ્યાસ કર્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન ભૂમધ્યમાં 1942થી 1945 સુધી સૈનિક તરીકે સેવા આપી. એ પછી પ્રખ્યાત જાઝ-સંગીતકારો ડિઝી ગીલેસ્પી, માઇલ્સ ડેવિસ, ચાર્લી પાર્કર, લેસ્ટર યન્ગ અને ઇલિનૉય જાકે સાથે કામ કર્યું. આ દરમિયાન એ સંગીતકારોની એકલવાદન(solo)ની કેટલીક સંગીતકૃતિઓને સમૂહ બૅન્ડવાદન માટે ગોઠવી આપી.

1952માં લુઇસે ‘મૉડર્ન જાઝ-ક્વાર્ટેટ’ની સ્થાપના કરી. એમાં મિલ્ટ જૉક્સન વાઇબ્રેફૉનવાદક તરીકે, પર્સી હીથ બાસ વાયોલિનવાદક તરીકે, કોની કે ઢોલવાદક તરીકે અને લુઇસ પોતે પિયાનોવાદક તરીકે હતો. છેક 1974 સુધી આ ક્વાર્ટેટ અસ્તિત્વમાં રહ્યું અને એ રીતે તે જાઝ-સંગીતના ઇતિહાસમાં સૌથી વધુ દીર્ઘાયુષી સંગીતમંડળીમાંના એક તરીકે ખ્યાતિ પણ પામ્યું. એનું સંગીત એટલું શાંત અને કોમળ હતું કે તે અન્ય ધમાલિયા અને ઘોંઘાટિયા જાઝ-મંડળોથી તુરત જ અલગ તરી આવ્યું તેથી તેણે ‘બરોક જાઝ’ અને ‘કૂલ જાઝ’  – એવી પ્રશંસાભરી ઓળખ પામીને જાઝ-સંગીતમાં ચીલો ચાતર્યો.

લુઇસે બિનજાઝ સંગીત પણ લખ્યું. તેમાં બૅલે, નાટક અને સિનેમા માટેની સંગીતકૃતિઓનો સમાવેશ પામે છે. તેણે પોતાના મૉડર્ન જાઝ ક્વાર્ટેટની જુગલબંધી પ્રશિષ્ટ સંગીતના મહાકાય વાદ્યવૃંદો તથા ચેમ્બર સ્વાદ્યવૃંદો સાથે કરવાના પ્રયોગ પણ કર્યા.

ન્યૂયૉર્ક ખાતેની સિટી યુનિવર્સિટીની સિટી કૉલેજમાં સેન્ટર ફૉર પફૉર્મિન્ગ આટર્સમાં 1974માં લુઇસની નિમણૂક શિક્ષક તરીકે થઈ.

લુઇસની સંગીતકૃતિઓમાંથી સૌથી વધુ લોકપ્રિય ‘જેન્ગો’ છે, જેનું વાદન આજે પણ કરવામાં આવે છે.

અમિતાભ મડિયા