સાલ્વેડોરેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળ 3 પ્રજાતિ અને આશરે 12 જાતિઓ ધરાવે છે. તેનું વિતરણ ઉપોષ્ણથી ઉષ્ણ અને શુષ્ક મરુદભિદીય (xerophytic) અને ખાસ કરીને સમુદ્રકિનારાની ખારી ભૂમિમાં થયેલું છે. આફ્રિકા, માડાગાસ્કર અને દક્ષિણ એશિયાઈ સમુદ્રતટો પર વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. વનસ્પતિઓ વૃક્ષ, ક્ષુપ કે આરોહી સ્વરૂપ ધરાવે છે. એઝીમા પ્રજાતિની જાતિઓ કાંટાળી હોય છે અને કક્ષીય કંટકો ધરાવે છે. પર્ણો સાદાં, સંમુખ, કોમળ કે ચર્મિલ (leathery), માંસલ, બરડ, ઘણી વાર ઉપપર્ણીય (stipulate) કે અનુપર્ણીય (exstipulate) અને સામાન્યત: લીલાં-ભૂખરાં હોય છે. પર્ણસપાટી ઉપર ગ્રંથિઓ હોતી નથી. પર્ણદલ અને પર્ણકિનારી અખંડિત હોય છે. ઉપપર્ણો જો હોય તો અલ્પવિકસિત (rudimentary) હોય છે.

પ્રકાંડની અંત:સ્થ રચનામાં ત્વક્ષૈધા (corkcambium) આરંભમાં બહારની તરફ આવેલી હોય છે. પ્રાથમિક વાહીપુલો વલયમાં ગોઠવાયેલાં જોવા મળે છે. અંત:સ્થ અન્નવાહક પેશી હોતી નથી. પ્રકાંડમાં અનિયમિત દ્વિતીય વૃદ્ધિ એક જ એધાવલય દ્વારા થાય છે. અંતર્વિષ્ટ (included) અન્નવાહક પેશી જોવા મળે છે. જલવાહક (xylem) પેશીમાં તંતુજલવાહિનિકી(fibre tracheids)નો અભાવ હોય છે. પોષવાહરૂપ (libriform) તંતુઓની હાજરી જોવા મળે છે. જલવાહિની(vessel)ની અંત્ય દીવાલો સરળ, કાષ્ઠ-સ્તરિત (storied) અને મૃદુતકપેશી પરાવાહિકીય (paratracheal) હોય છે.

રંધ્ર (stomata) અનિયમકોષી (anomocytic), અસમકોષી (anisocytic) કે પરાકોષીય (paracytic) હોય છે. અભ્યક્ષ (adaxial) અધ:સ્તર હોય કે ન હોય. પર્ણદલ (lamina) પૃષ્ઠવક્ષીય (dorsiventral) કે સમદ્વિપાર્શ્ર્વ (isobilateral) હોય છે. મધ્યપર્ણ (mesophyle) પેશીમાં કૅલ્શિયમ ઑક્સેલેટના સ્ફટિકો હોય છે. પર્ણોની નાની શિરાઓ અન્નવાહક અંતરિત (transfer) કોષોરહિત હોય છે.

આકૃતિ : (અ) પીલુ અથવા ખારીજાર(Salvadora persica)ની પુષ્પ-વિન્યાસ ધરાવતી શાખા, (આ) કુંડલી(Azima tetrantha)ની શાખા, (ઇ) પુષ્પારેખ, (ઈ) પુષ્પ, (ઉ) બીજાશય અને પુંકેસરો, (ઊ) બીજાશયનો ઊભો છેદ

પુષ્પવિન્યાસ અગ્રીય કે કક્ષીય, ગુચ્છ (fascicle) કે લઘુપુષ્પગુચ્છ – (panicle) સ્વરૂપનો હોય છે. પુષ્પવિન્યાસનો અગ્રસ્થ એકમ મોટેભાગે અપરિમિત (racemose) પ્રકારનો હોય છે. પુષ્પ નાનાં, નિયમિત, દ્વિલિંગી અથવા એકલિંગી દ્વિગૃહી (dioecious), સર્વલિંગી એકગૃહી (polygamomonoecious) કે સર્વલિંગી દ્વિગૃહી (polygamodioecious) ચક્રીય, મોટેભાગે ચતુર્અવયવી (tetramerous) અને અધોજાયી (hypogynous) હોય છે. પુષ્પમાં મુક્ત હાઈપેન્થિયમ(hypanthium)નો અભાવ અને અધોજાયી બિંબ (disk) હાજર કે ગેરહાજર હોય છે. જો બિંબ હોય તો અંત:પુંકેસરીય (intrastaminal) અને ગ્રંથિમય (ગ્રંથિઓ પુંકેસરો સાથે એકાંતરે ગોઠવાયેલી) હોય છે.

પરિદલપુંજ વજ્ર અને દલપુંજ એમ બે ચક્રો ધરાવે છે. તેઓ સમાવયવી (isomerous) કે અસમાવયવી (ansimerous) હોય છે. વજ્ર 2, 4 કે 5 વજ્રપત્રોનું બનેલું, યુક્તવજ્રપત્રી (gamosepalous), બુઠ્ઠા (blunt) ખંડોવાળું, કોરછાદી (imbricate) કે ધારાસ્પર્શી (valvate) હોય છે. દલપુંજ 4થી 5 દલપત્રોનો બનેલો હોય છે. અંદરની બાજુએ દંત કે નાની ગ્રંથિઓ સહિત ઉપાંગિક (appendiculate) જોવા મળે છે, જે વંધ્ય પુંકેસરો (staminodes) હોવાનું મનાય છે અથવા ઉપાંગિક હોતો નથી. દલપુંજ મુક્તદલપત્રી (polypetalous) કે યુક્તદલપત્રી (gamopetalous) તલસ્થ ભાગેથી (Salvadora-માં ટૂંકા અંતર સુધી જોડાયેલ હોય છે.) નિયમિત, કોરછાદી કે વ્યાવૃત (contorted) હોય છે. દલપત્રોના ખંડો નલિકા કરતાં લાંબા હોય છે.

પુંકેસરચક્ર 4થી 5 અથવા 8થી 10 પુંકેસરોનું બનેલું હોય છે. તેઓ દલલગ્ન (epipetalous) હોય છે અથવા દલપત્રો સાથે જોડાયેલા હોતા નથી. પુંકેસરો પરસ્પર તલસ્થ ભાગેથી જોડાયેલા (દા.ત., ડોબેરા) કે એકબીજાથી મુક્ત હોય છે. પુંકેસરચક્ર કાં તો માત્ર ફળાઉ પુંકેસરોનું બનેલું અથવા જો દલપુંજની અંદર રહેલા દંત કે ગ્રંથિઓને વંધ્ય પુંકેસરો ગણવામાં આવે તો પુંકેસરચક્ર ફળાઉ અને વંધ્ય પુંકેસરોનું બનેલું ગણાય છે. ફળાઉ પુંકેસરો 4થી 5, સમાવયવી અને વજ્રપત્રસંમુખ (oppositisepalous) હોય છે. પરાગાશય દ્વિખંડી અને ચતુર્બીજાણુધાનીય (tetrasporangiate) હોય છે અને તેનું લંબવર્તી સ્ફોટન થાય છે. પરાગરજ છિદ્રિષ્ઠ (apertuate), સામાન્યત: ત્રિછિદ્રીય અથવા ષટ્છિદ્રીય; વિદરકી (colporate), સામાન્યત: ત્રિવિદરકી (tricolporate) કે વલિત (rugate), અપવાદ રૂપે 6-વલિત (6-rugoidate) હોય છે.

સ્ત્રીકેસરચક્ર 2-સ્ત્રીકેસરોનું બનેલું અને યુક્તસ્ત્રીકેસરી (syncarpous) હોય છે. બીજાશય એકકોટરીય (દા.ત., ડોબેરા, સાલ્વેડોરા) અથવા દ્વિકોટરીય (દા.ત., એઝીમા) હોય છે. સ્ત્રીકેસરચક્ર એક અગ્રસ્થ ટૂંકી પરાગવાહિની ધરાવે છે. પરાગાસન એક કે બે અને અખંડિત કે દ્વિશાખી હોય છે. જરાયુવિન્યાસ (placentation) જો બીજાશય એકકોટરીય હોય તો તલસ્થ અને દ્વિકોટરીય હોય તો અક્ષવર્તી હોય છે. પ્રત્યેક કોટરમાં 1થી 2 અંડકો હોય છે. અંડકો ઊર્ધ્વગામી (ascending), અપવક્ર (apotropous), અધોમુખી (anatropous), દ્વિ-અંડાવરણીય (bitegmic) અને સ્થૂળપ્રદેહી (crassinucellate) હોય છે અને વક્ષ-સંધિરેખા (raphe) ધરાવે છે. બાહ્ય-અંડાવરણ અંડછિદ્રની રચનામાં ભાગ લેતું નથી. ભ્રૂણપુટ (embryosac) વિકાસ પોલિગોનમ પ્રકારનો હોય છે. ધ્રુવીય કોષકેન્દ્રો (polarnuclei) ફલન પહેલાં જોડાય છે. પ્રતિધ્રુવકોષો-3 અને મોટા હોય છે. સહાયક કોષો (synergids) નાસપતી આકારના જોવા મળે છે. ભ્રૂણપોષ(endosperm)નું નિર્માણ કોષકેન્દ્રીય હોય છે.

ફળ માંસલ અષ્ઠિલ (drupe) કે અનષ્ઠિલ (berry) પ્રકારનું અને મોટેભાગે એકબીજમય હોય છે. બીજ અભ્રૂણપોષી (non-endospermic) હોય છે. ભ્રૂણનું સ્પષ્ટ વિભેદન થયેલું હોય છે. બીજપત્રો-2, સમતલી બહિર્ગોળ (plano-convex), હૃદયાકાર અને તૈલી જોવા મળે છે.

જૈવરસાયણ અને કોષવિદ્યા : તે રાઈનું તેલ ધરાવે છે; જે સાયનોજનક (cyanogenic) હોય છે. આલ્કેલૉઇડ હાજર કે ગેરહાજર હોય છે. પ્રોઍન્થોસાયનિડિન ગેરહાજર હોય છે. ફ્લેવોનોલ હાજર હોય છે. ઍલેજિક ઍસિડ હોતો નથી; દા.ત., સાલ્વેડોરા. ઍલ્યુમિનિયમનું એકત્રીકરણ થતું નથી. સાલ્વેડોરામાં C3 ચક્ર જોવા મળે છે. રંગસૂત્રો X = 12 હોય છે.

વર્ગીકરણ : ઉપવર્ગ – દ્વિદળી, ક્રેસીન્યુસેલી; ડાહલગ્રેનનું ઉપરિગોત્ર – વાયોલીફ્લૉરી; ગોત્ર – સાલ્વેડોરેલ્સ, ક્રોન્કિટસ્ટનું ઉપરિગોત્ર – રોઝીડી; ગોત્ર – સિલેસ્ટ્રેલ્સ.

ગુજરાતના સમગ્ર સાગરકાંઠાના વિસ્તારોમાં સાલ્વેડોરાની બે જાતિઓ થાય છે : S. persica (ખારી જાર) અને S. oleoides (મીઠી જાર). બંનેના બીજમાંથી નીકળતું તેલ પીળું ઘી જેવું હોઈ ખાઈ શકાય છે. સ્વાદમાં કંઈક અંશે રાઈ(સરસવ)ના તેલને મળતું આવે છે. બાઇબલમાં ઉલ્લેખાયેલ મસ્ટર્ડ ટ્રી તે આ સાલ્વેડોરા છે. તેનાં ફળ રાઈ જેવી તીખાશવાળાં અને ખાદ્ય છે. કાંઠા-વિસ્તારની આદિવાસી પ્રજા આ તેલ પર મહદ્અંશે આધાર રાખે છે. સમુદ્રથી થતું ધોવાણ અટકાવવા અને આદિવાસી પ્રજાને આર્થિક અને પોષણ માટે ટેકારૂપ આ વૃક્ષોનું સંવર્ધન આવશ્યક છે.

મીનુ પરબીઆ

દિનાઝ પરબીઆ

બળદેવભાઈ પટેલ