સાલ્વીન (નદી) : મ્યાનમારની અગત્યની નદી. તે પૂર્વ તિબેટમાંથી નીકળે છે અને પૂર્વ મ્યાનમારમાં થઈને વહે છે અને છેલ્લે મૉલ્મીન નજીક બંગાળના ઉપસાગરમાં ઠલવાય છે. નદીની લંબાઈ 2,414 કિમી. છે અને તે પૂર્વ મ્યાનમાર અને પશ્ચિમ થાઇલૅન્ડમાંથી પસાર થાય છે. આ નદી કોતરમાં થઈને વહેતી હોવાથી તેનો વ્યાપારી જળમાર્ગ તરીકે ઉપયોગ કરી શકાતો નથી. તેના હેઠવાસમાં તે કૃષિપાકોને સિંચાઈ આપવામાં કામ આવે છે.

મ્યાનમારમાં આ નદીનો ત્રિકોણપ્રદેશ ખૂબ જ ફળદ્રૂપ ગણાય છે. વર્ષાઋતુમાં તેમાં આવતા પૂર દરમિયાન, તેની સામાન્ય જળસપાટી કરતાં આશરે 30 મીટર પાણીની સપાટી વધી જાય છે, આ કારણે તે વેગીલી, ઉછાળા મારતી નદી બની રહે છે. ઉપરવાસમાં આ નદી પર ઝૂલતો પુલ બનાવાયો છે. તેના પરથી મોટાભાગનો વાહનવ્યવહાર થઈ શકે છે.

ગિરીશભાઈ પંડ્યા