લીબર્મેન, મૅક્સ (જ. 20 જુલાઈ 1847, બર્લિન, જર્મની; અ. 8 ફેબ્રુઆરી 1935, બર્લિન, જર્મની) : પ્રભાવવાદી ચિત્રશૈલીની જર્મન શાખાના પ્રમુખ ચિત્રકાર. તેમણે 1866થી 1868 સુધી સ્ટેફેક નામના ચિત્રકાર પાસે તાલીમ લીધી. એ પછી 1868થી 1872 સુધી વાઇમર ખાતેની કલાશાળામાં તેમણે અભ્યાસ કર્યો. વસ્તુલક્ષી (objective) નિરીક્ષણ લીબર્મૅનની કલાનું પહેલેથી જ મુખ્ય લક્ષણ રહ્યું છે. એમને ફ્રાંસની સમકાલીન પ્રભાવવાદી (impressionistic) ચિત્રશૈલીએ આકર્ષ્યા, કારણ કે એમાં પણ લાગણી અને ભાવનાની અભિવ્યક્તિને ઉવેખીને પ્રકાશ અને છાયાથી વીંટળાયેલી આજુબાજુની દુનિયાનું સીધું નિરૂપણ થતું હતું. ‘વિમેન પ્લકિંગ ગીઝ’ નામનું તેમનું ચિત્ર તેમની આ પ્રકારની ચિત્રકૃતિઓમાંનું પ્રથમ વિખ્યાત ચિત્ર છે. એ વખતે જર્મનીમાં ભવ્યોદાત્ત અને કરુણાંતિક વિષયોનાં રંગદર્શી નિરૂપણોનો ચાલ હતો; પણ એની સાથે લીબર્મેનને કોઈ નિસબત નહોતી.

1873માં લીબર્મેને ફ્રાંસના બાર્બિઝોં નામના ગામની મુલાકાત લઈ ‘બાર્બિઝોં’ ચિત્રશૈલી નામે ઓળખાતી સ્વાભાવિક – નૈસર્ગિક ચિત્રશૈલી વિકસાવનારા કલાકારો કોરો, મિલે અને કૉર્બેનો ઘનિષ્ઠ પરિચય કેળવ્યો. એની સીધી અસર એ પડી કે પોતાનાં ચિત્રોમાં વધુ પડતા ધૂસર ઘેરા કાળા રંગોની જર્મન લાક્ષણિકતા દૂર થઈ અને રંગો હળવા તથા તેજસ્વી બન્યા.

બાર્બિઝોંથી લીબર્મૅન 1878માં પાછા આવીને મ્યૂનિકમાં વસ્યા. 1884માં બર્લિનમાં સ્થિર થયા અને પ્રભાવવાદી શૈલીમાં નિરૂપણ   તેમણે ચાલુ રાખ્યું. પણ બીજા પ્રભાવવાદીઓથી વિપરીત, તેમણે ગહન અને ગંભીર વિષયો આલેખ્યા; દા.ત., જર્મની અને નેધરલૅન્ડ્ઝના દલિત મજૂરો, અનાથ બાળકો, ગાંડાઓ, વગેરેનાં આલેખન.

1890 પછી લીબર્મેન પર ફ્રેન્ચ પ્રભાવવાદી ચિત્રકારો માને અને દેગાની ગાઢ અસર પડી. 1898માં તેઓ બર્લિનની કલા એકૅડેમી(‘બર્લિન એકૅડેમી’)ના સભ્ય બન્યા, ત્યારપછી તેના પ્રમુખ પણ બન્યા. 1899માં તેમણે ‘બર્લિનર સેશેશન’ નામના કલાકારોના જૂથની સ્થાપના કરી હતી.

અમિતાભ મડિયા