લીન (Lynn) : યુ.એસ.ના મૅસેચૂસેટ્સ રાજ્યના ઈશાન ભાગમાં, ઍટલૅંટિક મહાસાગરના મૅસેચૂસેટ્સ ઉપસાગરના કાંઠા પર આવેલું ઇસેક્સ પરગણાનું શહેર. ભૌગોલિક સ્થાન : 42° 28´ ઉ. અ. અને 70° 57´ પ. રે..

1629માં તે સૌગસ નામથી વસેલું, 1631માં તે નગર બન્યું. 1637માં તેને લીન રેગિસ નામ અપાયું. અહીં શરૂઆતમાં ચામડાં કમાવાની અને પગરખાં બનાવવાની વસાહતી પ્રવૃત્તિઓ વિકસેલી. 1643માં અમેરિકી વસાહતો પૈકી અહીં સર્વપ્રથમ લોહ-ધાતુશોધન કાર્યશાળાનો એકમ બંધાયો. 1848માં અહીં પગરખાં સીવવાનું મશીન આવ્યું અને કારખાનામાં પગરખાંના ઉત્પાદનની શરૂઆત થઈ. આ રીતે લીન પગરખાં બનાવવાનું મુખ્ય મથક બની રહ્યું, 1850માં તે શહેર બન્યું છે.

1930ના દાયકાથી વિવિધ ક્ષેત્રે અહીંનું અર્થતંત્ર વિકસતું ગયું. તે પછીથી ઉત્પાદનક્ષેત્રે જનરલ ઇલેક્ટ્રિક કંપનીની સુવિધાઓ ઊભી થઈ. પગરખાં ઉપરાંત અહીં જેટ એન્જિન, જનરેટર, વીજળીનાં સાધનો, યંત્રો, કાપડ અને કપડાંનું ઉત્પાદન થાય છે.

અહીંની આશરે 2,000 એકર ભૂમિમાં વન્ય સૌંદર્યની મોજ માણવા માટે પાર્ક બનાવાયો છે. સમુદ્ર-કંઠાર પરનો રેતપટ 5 કિમી. લંબાઈમાં વિસ્તરેલો છે. તે ઉનાળાની ઋતુમાં લોકપ્રિય રમતોનું મેદાન બની રહે છે. અહીંથી નજીકમાં મૅરી બેકર એડી હિસ્ટૉરિકલ હાઉસ છે. મૅરી બેકરે 1860ના દસકામાં વિજ્ઞાનના પ્રચાર-પ્રસારની ઝુંબેશનો પ્રારંભ કરેલો.

ગિરીશભાઈ પંડ્યા