લી, ત્સુંગ દાઓ (જ. 25 નવેમ્બર 1926, શાંઘાઈ, ચીન) : મૂળભૂત કણોના સંશોધનમાં મહત્વનું પ્રદાન કરનાર ચીની ભૌતિકવિજ્ઞાની.

તેમણે સમતા(parity)ના મહત્વના નિયમોની શોધ કરી, જેને કારણે મૂળભૂત કણોને લગતી ખાસ શોધો શક્ય બની. મૂળભૂત કણોના ક્ષેત્રે અમૂલ્ય સંશોધન કરવા બદલ ચેન નિંગ યાનની ભાગીદારીમાં 1957ના વર્ષનો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર તેમને મળ્યો.

ત્સુંગ દાઓ લી

નૅશનલ સાઉથવેસ્ટ યુનિવર્સિટી(કુમ્મિંગ, ચીન)માં તેમણે શિક્ષણ લીધું. આ યુનિવર્સિટીમાં તેઓ ચેન નિંગ યાનને મળ્યા. ત્યાં તેમનું સંશોધનકાર્ય આગળ ચાલે તે પહેલાં બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની ચડાઈને કારણે અટકી પડ્યું. 1946માં તેમને શિકાગો યુનિવર્સિટીમાં જોડાવા માટે ચીની સરકારની શિષ્યવૃત્તિ મળી. ત્યાં રહીને તેમણે ટેલરના માર્ગદર્શન હેઠળ ખગોળભૌતિકીનો અભ્યાસ કર્યો.

તેમણે 1951થી 1953 અને 1960થી 1963ના સમયગાળા દરમિયાન ઇન્સ્ટિટ્યૂટ ફૉર એડવાન્સ્ડ સ્ટડી, પ્રિન્સ્ટન, ન્યૂજર્સી ખાતે કાર્ય કર્યું. 1953થી 1960 સુધી અને 1963માં કોલંબિયા યુનિવર્સિટી(ન્યૂયૉર્ક)માં પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું.

સમતાના નિયમો મૂળભૂત ભૌતિક સિદ્ધાંતો તરીકે કાર્ય કરે છે અને તે કુદરતની સમમિતિ સાથે નિસબત ધરાવે છે. મૂળભત કણો અને તેમની વચ્ચેની પ્રક્રિયાઓમાં સમતા જળવાઈ રહેવાનું આ નિયમો સૂચવે છે. આ ધારણાને કોઈ પ્રાયોગિક ટેકો ન હતો તથા જાણીતી બધી જ પ્રક્રિયાઓમાં ન્યાયયુક્તતા જણાઈ નહિ. આ નિયમો મુજબ ઇલેક્ટ્રૉન એવું કોઈ લક્ષણ ધરાવતો ન હતો જે વામાવર્ત અને દક્ષિણાવર્ત વચ્ચે ભેદ પાડી શકે. લી અને યંગે કણોના ક્ષયનાં પ્રાયોગિક પરિણામોનું અર્થઘટન કર્યું કે સમતાના નિયમોનું સંરક્ષણ થતું નથી.

તેમણે પ્રાયોગિક રીતે એ પણ પુરવાર કર્યું કે મંદ ન્યૂક્લિયર આંતરક્રિયાઓની બાબતે સમતા  સંરક્ષણના નિયમો નિષ્ફળ જાય છે. આથી સમતા સિદ્ધાંતના સંરક્ષણ પરત્વે અણધારી મર્યાદા આવી. આને કારણે તો સમમિતિના સિદ્ધાંતો પ્રત્યે પણ પ્રશ્નાર્થ થયો.

આનંદ પ્ર. પટેલ