લીડ્ઝ (Leeds) :  ઇંગ્લૅન્ડના ઉત્તર ભાગમાં ઍર નદી પર આવેલું શહેર તથા શહેરની આજુબાજુ વિસ્તરેલો પશ્ચિમ યૉર્કશાયરનો મહાનગરને આવરી લેતો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 53° 48´ ઉ. અ. અને 1° 33´ પ. રે.. અહીંના વિસ્તૃતપણે અન્યોન્ય સંકળાયેલા રેલમાર્ગો, સડકમાર્ગો, લિવરપુલથી ગુલેનો નહેરમાર્ગ, હવાઈ મથક તથા કોલસાનાં સ્થાનિક ક્ષેત્રોને કારણે તે એક મહત્વનું ઔદ્યોગિક મથક બની રહ્યું છે. અહીં કૃષિવિષયક સાધનસામગ્રી અને યંત્રો, ડીઝલ એન્જિનો, મુદ્રણની અને કાપડ ઉદ્યોગની યંત્રસામગ્રી, પોશાકો, ઊની કપડાં, ઇજનેરી માલસામાન, રસાયણો, કાચ, કાગળ, પ્લાસ્ટિક, ધાતુસામાન, ચામડાંનો સામાન વગેરેના ઉદ્યોગો/એકમો વિકસ્યા છે. આ ઉપરાંત અહીં પગરખાં અને રાચરચીલું પણ મળે છે.

ઉત્તર ઇંગ્લૅન્ડ માટે આ શહેર સાંસ્કૃતિક તેમજ બૌદ્ધિકોનું કેન્દ્રીય મથક ગણાય છે. અહીંનાં જાણીતાં સ્થાનોમાં કર્કસ્ટોલ ઍબે (1147), કુથબર્ટ બ્રોડરિક દ્વારા નિર્માણ કરાયેલો ટાઉનહૉલ, સોળમી સદીની શરૂઆતમાં તૈયાર કરાયેલું અને 1630માં સુધારો-વધારો કરાયેલું ટેમ્પલ ન્યૂઝમ મ્યુઝિયમ તથા લીડ્ઝ યુનિવર્સિટી(1904)નો સમાવેશ થાય છે. લીડ્ઝ યુનિવર્સિટી બ્રિટનની એકમાત્ર એવી પ્રથમ યુનિવર્સિટી છે, જેમાં વીજાણુ યંત્રોથી કાર્યરત ભાષા-પ્રયોગશાળા ચાલે છે. આ શહેર ઇંગ્લિશ નૅશનલ ઑપેરા(ઉત્તર વિભાગ)નું મથક છે. લીડ્ઝ આંતરરાષ્ટ્રીય પિયાનો-સ્પર્ધા અહીં દર ત્રણ વર્ષે યોજાય છે. શાહી બખ્તરોનો સંગ્રહ જાળવતું એક નવું મ્યુઝિયમ પણ અહીં બનાવવામાં આવ્યું છે, જે લંડન ટાવર સાથે ચીજવસ્તુઓની આપ-લે પણ કરે છે. 1999 મુજબ વસ્તી 7,27,000 છે.

ગિરીશભાઈ પંડ્યા