લી તાંગ (Li Tang) (જ. આશરે 1080, હોઆંગહો પ્રાંત, ચીન; અ. આશરે 1130, ચીન) : ચીનના એક ઉત્તમ કોટિના ચિત્રકાર. દક્ષિણી સુંગ ચિત્રશૈલીના સ્થાપક. ઉત્તર ચીનના સમ્રાટ હુઈ ત્સુન્ગની ચિત્રકલા એકૅડેમીના એ પ્રમુખ બનેલા. પરંતુ મૉંગોલ આક્રમણને પ્રતાપે એ સમ્રાટનું પતન થતાં લી તાંગ દક્ષિણ ચીનના સમ્રાટ સુન્ગ કાઓ ત્સુન્ગના દરબારમાં ચાલ્યા ગયા. ત્યાં દક્ષિણ ચીની ચિત્રકલાની ‘માસિયા’ શૈલીની નજાકત પોતે આત્મસાત્ કરી. એ નજાકતનો ઉત્તર ચીની ચિત્રકલાની ભવ્યતા સાથે સંગમ કરીને લી તાંગે એક મૌલિક શૈલી ઉપજાવી. ચિત્રમાં પીંછીના લસરકા વડે પર્વતો અને ભેખડોના ખડકોની રુક્ષતાનું આબેહૂબ નિરૂપણ કરવામાં કોઈ એમની બરાબરી કરી શક્યું નહિ. આજ સુધી આ બાબતમાં એ અનન્ય છે એમ સૌ માને છે. ખડકાળ પર્વતો, એની ઉપર ઊગેલાં પાઇન વૃક્ષો અને વચ્ચેથી વહેતાં ખળખળ ઝરણાં એ લી તાંગની નિસર્ગચિત્રણાનો મુખ્ય વિષય છે. તાઇપેઇના ‘નૅશનલ પૅલેસ મ્યુઝિયમ’માં સંગ્રહાયેલું એમનું ચિત્ર ‘વ્હિસ્પરિન્ગ પાઇન્સ ઇન ધ માઉન્ટન્સ’ એમની શ્રેષ્ઠ ચિત્રકૃતિ ગણાય છે.

અમિતાભ મડિયા