લિંગાયત સંપ્રદાય

January, 2004

લિંગાયત સંપ્રદાય : કટ્ટર શિવોપાસક સંપ્રદાય. આ સંપ્રદાયના લોકો પોતાના શરીર પર લિંગ ધારણ કરતા હોવાથી તેમને ‘લિંગાયત’, ‘લિગાંગી’ અને ‘લિંગવત’ જેવાં જુદાં જુદાં પણ સમાનાર્થી નામોથી ઓળખવામાં આવે છે. બસવેશ્વર આ સંપ્રદાયના પુરસ્કર્તા ગણાય છે. મહદ્અંશે કર્ણાટક રાજ્યમાં આ સંપ્રદાયના લોકોની વસ્તી કેન્દ્રિત થયેલી છે. દક્ષિણ મહારાષ્ટ્રમાં પણ તેમની વસ્તી ઠીક ઠીક પ્રમાણમાં છે. કન્નડ તેમની ભાષા હોવાથી તેમનું મોટા ભાગનું સાહિત્ય તે ભાષામાં વિકાસ પામ્યું છે. શિવ તેમના ઇષ્ટદેવ છે.

બસવેશ્વર નાતજાતમાં માનતા ન હતા. લિંગ ધારણ કરનારા બધા જ સમાન દરજ્જાના છે એવી તેમની પ્રતીતિ હતી, તેથી શરૂઆતમાં લિંગાયતોમાં જ્ઞાતિપ્રથા ન હતી, પરંતુ સમયાંતરે તેમનામાં પણ જ્ઞાતિપ્રથા દાખલ થઈ; એટલું જ નહિ, પરંતુ હવે તેમનામાં નોંધપાત્ર પ્રમાણમાં પેટાજાતિઓનું દૂષણ પણ દાખલ થયેલું દેખાઈ આવે છે. બ્રાહ્મણોનું વર્ણ-શ્રેષ્ઠત્વ નાબૂદ કરવાની બસવેશ્વરની નેમ હતી, પરંતુ તેમ કરવા જતાં આ સંપ્રદાયના લોકોમાં પણ ઉચ્ચ-નીચ ભાવ પેદા થયા.

લિંગાયત સંપ્રદાયને ત્રણ વર્ગોમાં વિભાજિત કરી શકાય : (1) પંચમસાળી લિંગાયત જેમાં અટ્યા અને જંગમ નામથી ઓળખાતા પુરોહિતોનો સમાવેશ થાય છે. બંજિગ નામથી ઓળખાતા વ્યાપારીઓને પણ આ વર્ગમાં સામેલ કરવામાં આવે છે. અન્ય બે વર્ગોના લિંગાયતો કરતાં આ વર્ગના લોકો પોતાની જાતને શ્રેષ્ઠ ગણે છે. તેથી તે શુદ્ધ લિંગાયત નામથી પણ ઓળખાય છે. આર્થિક અને સામાજિક દૃષ્ટિએ પણ આ વર્ગનો દરજ્જો ઉચ્ચ ગણવામાં આવે છે. તેમનામાં પાંચ ગોત્રના લોકોનો સમાવેશ થાય છે : નંદી, ભૃંગી, વૃષ, વીર અને સ્કંદ. આ ગોત્રો વચ્ચે રોટીવ્યવહાર મુક્ત રીતે થાય છે, પરંતુ બેટીવ્યવહાર પર કેટલાક પ્રતિબંધો છે. (2) પંચમસાળી વર્ગમાં સમાવિષ્ટ ન કરવામાં આવતા વ્યાવસાયિક લોકો લિંગાયત સંપ્રદાયના બીજા વર્ગમાં ઉમેરવામાં આવે છે જેમાં ખેડૂતો ઉપરાંત વણકર, ઘાંચી, કડિયા, ચારણ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ વર્ગના લોકો સિત્તેર જેટલી પેટાજાતિઓમાં વહેંચાયેલા છે, જેમની વચ્ચે પરસ્પર રોટી-બેટીવ્યવહાર થતા નથી. લિંગાયતોના આ બીજા વર્ગના લોકો સંલગ્ન લિંગાયત તરીકે ઓળખાય છે. (3) ધોબી, ચમાર, કોળી વગેરેનો લિંગાયત સંપ્રદાયનો એક ત્રીજો વર્ગ છે, જે અન્ય બેની તુલનામાં કનિષ્ઠ ગણાય છે. ઉચ્ચ લિંગાયત લોકો ત્રીજા વર્ગના લોકોને લિંગાયત નહિ, પરંતુ તેમના સેવક ગણે છે. આ ત્રીજા વર્ગના લોકોને અર્ધ લિંગાયત કક્ષાના ગણવામાં આવે છે.

ઉપર દર્શાવેલ ત્રણ વર્ગો ઉપરાંત લિંગાયત સંપ્રદાયમાં બીજા પણ કેટલાક વર્ગો છે; જેમાં સામાન્ય, વિશેષ, નિરાભારી, ભક્ત અને માહેશ્વર લિંગાયતોનો સમાવેશ થાય છે. માહેશ્વર લિંગાયતો ગુરુવર્ગમાં તો ભક્ત લિંગાયતો શિષ્યવર્ગના ગણાય છે.

લિંગાયત સંપ્રદાય યજ્ઞયાગ, ઉપવાસ જેવાં બ્રાહ્મણોમાં જોવા મળતાં વિધિ-વિધાનોને માન્ય રાખતો નથી. તેઓ વિષ્ણુપૂજામાં પણ માનતા નથી. શિવ એ જ સૃષ્ટિના નિર્માતા, કર્તાધર્તા તથા સંહર્તા છે એવી તેમની દૃઢ માન્યતા છે. લિંગને તેઓ સાક્ષાત્ પરમતત્વ ગણે છે.

અષ્ટાવરણ આ તેમનો મુખ્ય ધાર્મિક સંસ્કાર ગણાય છે; જેમાં ગુરુ, લિંગ, જંગમ, પાદોદક, પ્રસાદ, વિભૂતિ, રુદ્રાક્ષ અને મંત્ર – આ આઠ બાબતોનો સમાવેશ થાય છે. ‘ૐ नमः शिवाय ।’ આ લિંગાયત સંપ્રદાયનો મુખ્ય મંત્ર છે, જે દીક્ષા આપતી વેળાએ ગુરુ પોતાના શિષ્યને આપે છે.

અષ્ટાવરણની જેમ પંચાચારને પણ લિંગાયત સંપ્રદાયમાં મહત્વનું સ્થાન આપવામાં આવે છે. પંચાચારમાં સદાચાર, ગણાચાર, નિત્યાચાર, શિવાચાર અને લિંગાચારનો સમાવેશ થાય છે. સંપૂર્ણ રીતે ભૌતિક જીવન જીવવાને સદાચાર; સત્ય અને ધર્મના રક્ષણને ગણાચાર; લિંગપૂજા, પાઠ, ધ્યાન-વ્રતના કર્મકાંડને નિત્યાચાર; લિંગ ધારણ કરનાર દરેકનો આદર કરવો તે શિવાચાર અને શ્રદ્ધાપૂર્વક લિંગ ધારણ કરી તેની નિત્યનૈમિત્તિક પૂજા કરવાના કાર્યને લિંગાયત સંપ્રદાયમાં લિંગાચાર કહેવામાં આવે છે.

લિંગાયત સંપ્રદાયમાં પાંચ આચાર્યો અને તેમના મઠોને મહત્ત્વ આપવામાં આવે છે. પાંચ આચાર્યોમાં રેણુકારાધ્ય, મરૂળારાધ્ય, એકોરામ, પંડિતારાધ્ય અને વિશ્વારાધ્યનો સમાવેશ થાય છે. દરેક મઠના આચાર્યના નામ પરથી લિંગાયતોનાં ગોત્રનાં નામ નિર્ધારિત કરવામાં આવ્યાં છે.

લિંગાયત સંપ્રદાયમાં બાળવિવાહ અને પ્રૌઢવિવાહ બંને માન્ય રાખવામાં આવે છે. છૂટાછેડા અને પુનર્વિવાહ પણ માન્યતા ધરાવે છે. હિંદુઓનો વારસાહકનો કાયદો લિંગાયત સંપ્રદાય દ્વારા સ્વીકૃત કરવામાં આવેલો છે.

મરણ પછીની વિધિને વિભૂતિવેલાઈ કહેવામાં આવે છે. મરણ પામેલા માણસને સ્મશાનમાં ખાસ ખોદેલા ખાડામાં પલાંઠી વાળેલી સ્થિતિમાં બેસાડવામાં આવે છે અને તેના ડાબા હાથમાં લિંગ મૂકવામાં આવે છે, તેના શરીરની આસપાસ નારંગી રંગનાં વસ્ત્ર વિંટાળવામાં આવે છે અને ત્યારબાદ બેઠેલી સ્થિતિમાં તેને ખાડામાં પૂરી દેવામાં આવે છે. લિંગાયત સંપ્રદાયમાં શ્રાદ્ધવિધિનો રિવાજ સામાન્ય રીતે જોવા મળતો નથી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે