લિંગપુરાણ : સંસ્કૃત ભાષાનાં 18 મુખ્ય પુરાણોમાંનું શિવવિષયક પુરાણ. ‘લિંગપુરાણ’ બે ભાગમાં વહેંચાયેલું છે. પૂર્વાર્ધમાં 108 અને ઉત્તરાર્ધમાં 55 અધ્યાય છે.
પ્રથમ ભાગમાં શિવના લિંગની ઉત્પત્તિ અને લિંગ સંપ્રદાયવિષયક વિવિધ પરંપરાઓ આપવામાં આવી છે. શિવપૂજા, તેનાં વિધિવિધાન વગેરે વિવિધ પુરાકથાઓ, આખ્યાનો અને ઉપાખ્યાનો દ્વારા દર્શાવાયાં છે.
‘લિંગપુરાણ’માં નિરૂપિત ભૌગોલિક વિગતોમાં સપ્તદ્વીપ, તેનાં પ્રાકૃતિક વર્ણનો, લોકો, પર્વતો, સમુદ્રો, નદીઓ વગેરેનું વર્ણન મળે છે. સૂર્ય-ચંદ્રવંશીય મહત્વના રાજાઓનાં ચરિત્રો પણ આલેખાયાં છે. આ સાથે કેટલાક બળવાન અસુરોની તપશ્ચર્યા, તેમને મળેલું સામર્થ્ય અને તેમના વિનાશની કથાઓ પણ છે.
બીજા ભાગમાં લિંગની મહત્તા પ્રસ્થાપિત કરતી કથાઓ, તેના સ્વરૂપનું વિગતે વર્ણન, લિંગનો ખ્યાલ, ગુણો અને લિંગપૂજાવિષયક વ્રતો, દાન અને અર્ચન સાથે પ્રયોજાતા મંત્રોની સવિસ્તર માહિતી મળે છે. મોક્ષ પામવા પાશુપત માર્ગે પ્રયત્ન કરનારને અંતે પ્રાપ્ત થતું શિવકૈવલ્ય આ પુરાણનું લક્ષ્ય છે.
પરમાત્માસ્વરૂપ શિવનું નિષ્કલ (નિર્ગુણ) અને સકલ (સગુણ) સ્વરૂપનું વર્ણન આ પુરાણમાં છે. લિંગનું સ્વરૂપ, ગુણો, શિવલિંગની સ્થાપના, અર્ચન, તેના પૂજનનાં વિધિવિધાન અને ‘લિંગ’ દ્વારા વ્યક્ત થતી દાર્શનિક વિચારધારા લિંગ સંપ્રદાયના ઘડતરને વ્યક્ત કરે છે.
‘લિંગપુરાણ’ના કર્તા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ કહેવાય છે. પણ ‘ભવિષ્યપુરાણ’ તેના કર્તા ભિન્ન હોવાનો મત ધરાવે છે. ‘લિંગપુરાણ’ના કર્તા તંડિ છે એવા ‘ભવિષ્યપુરાણ’ના મતને ‘લિંગપુરાણ’નો આંતરિક આધાર મળતો નથી. પુરાણોનું ઘડતર કાળક્રમે થયું હોવાથી કોઈ એકનું કર્તૃત્વ માનવું હિતાવહ નથી, કારણ કે લિંગપુરાણ આજે મૂળ સ્વરૂપે પ્રાપ્ત થતું નથી.
‘લિંગપુરાણ’ (2/44, 36–37) અનુસાર બે ભાગમાં વહેંચાયેલા આ પુરાણના પ્રથમ ભાગમાં 108 અને બીજા ભાગમાં 46 અધ્યાય છે. વસ્તુત: બીજા ભાગમાં 55 અધ્યાય મળે છે. શિવતોષિણી નામની આ પુરાણની ટીકા આવો અર્થ લેવા મધ્યમપદલોપી સમાસ લે છે. ‘षट् च नव च चत्वारिंशच्च’ (6 + 9 + 40 = 55). ‘લિંગપુરાણ’ (1–8)માં આપેલી વિષયાનુક્રમણિકામાં બીજા ભાગની અનુક્રમણિકાનો અભાવ કર્તાનું બીજા ભાગ વિશે અજ્ઞાન સૂચવે છે.
‘લિંગપુરાણ’ની શ્લોકસંખ્યા ‘નારદીય’ (102–4), ‘મત્સ્ય’ (2.55.36), ‘દેવીભાગવત’ (1–3–10), ‘અગ્નિપુરાણ’ (272.1415) અનુસાર 11,000 છે. મુદ્રિત ‘લિંગપુરાણ’માં 9,000 શ્લોકો મળે છે. નારદીય પુરાણ આ પુરાણને અગ્નિકલ્પનું પુરાણ ગણે છે. પણ લિંગપુરાણ અનુસાર તે ઈશાનકલ્પનું પુરાણ છે. (1–2–1). આમ લિંગપુરાણ એકથી વધુ હોવાની સંભાવના છે. ડૉ. હાજરા પુરાણિક રેકૉર્ડ્ઝ(પૃ. 137ની પાદનોંધ 131)માં નોંધે છે તેમ, નિબંધગ્રંથોમાં ‘લિંગપુરાણ’ના ઉદ્ધૃત સંદર્ભો ઉપલબ્ધ ‘લિંગપુરાણ’માં મળતા નથી. કદાચ તે અગ્નિકલ્પ કે બીજા કલ્પનું અથવા બૃહલ્લિંગપુરાણ હશે.
ઉપલબ્ધ ‘લિંગપુરાણ’ના ઘણા અંશો અન્ય પુરાણો – ખાસ કરીને કૂર્મ અને ‘મત્સ્યપુરાણ’–માંથી લીધા છે.
બલ્લાલસેનથી અલ્બેરૂની સુધીના સંદર્ભો ઉપરથી ‘લિંગપુરાણ’ ઈ. સ.ના અગિયારમા સૈકા સુધીમાં રચાઈ ચૂક્યું હતું. આ પુરાણ ઉપરની તાંત્રિક અસર તેનો કેટલોક અંશ ઈ. સ.ના આઠમાનવમા સૈકાનું ઘડતર સૂચવે છે. ડૉ. વાસુદેવશરણ અગ્રવાલના મતે પ્રથમ ભાગના 108 અધ્યાયો કુષાણયુગમાં પાશુપતનો અન્ય સંપ્રદાય ઉપર પ્રભાવ દર્શાવે છે. તેમના મતે બીજા ભાગના અધ્યાય 9થી 27 પાશુપત સંપ્રદાયના આચાર્યોએ ઉમેરેલા છે. આથી તે ગુપ્તયુગની અસર ધરાવે છે. બીજા ભાગના પ્રથમ આઠ અધ્યાય પાછળથી ઉમેરાયેલા છે. પણ ઘણાખરા વિદ્વાનો આવો વિચાર ધરાવતા નથી.
‘લિંગપુરાણ’ ઉપર શક સંવત 1760 કે 1769માં ગણેશે ‘શિવતોષિણી’ નામની ટીકા લખી છે.
પ્રથમ ભાગમાં લિંગોદભવ પ્રતિજ્ઞા (1), વિષયાનુક્રમણિકા (2), પ્રાકૃત સર્ગ (3), સૃષ્ટિપ્રારંભ (4), પ્રજાસર્ગ (5), શિવસ્તવ (6), અષ્ટાંગ યોગ (7–9), ભક્તિભાવ (10), સદ્યોજાતાદિ શિવના પંચસ્વરૂપનો મહિમા (11થી 16), લિંગોદભવસ્તવ બ્રહ્મપ્રબોધાદિ (17થી 21), રુદ્રોત્પત્તિ (22), સદ્યોજાતાદિસંભવ – ગાયત્રીમહિમા (23થી 24), લિંગાર્ચનવિધિ, પંચયજ્ઞ (25થી 28), સુદર્શનાખ્યાન (29), શ્વેતકથા (30), શિવદર્શન-સ્તુતિ (31–32–33), દધીચથી વિષ્ણુનો પરાભવ (36), બ્રહ્માનો સર્ગ (38), યુગો (39–40), બ્રહ્મા-વિષ્ણુ-રુદ્રના સર્ગ (41), નંદીશ્વરચરિત (41થી 44), ભુવનકોશ (46થી 53), જ્યોતિશ્વ (54–62), દેવાદિ સૃષ્ટિ (63), રુદ્ર- સહસ્રનામ (65), સૂર્ય-ચંદ્ર વંશ (66), યયાતિ-જરાસંધ-વૃત્તાંત (68–69), ત્રિપુરદાહ (70–72), શિવભક્તિ (73–79), પાશુપતયાગ (80–81), શિવવ્રત (84–85), પંચાક્ષરમાહાત્મ્ય (88), સદાચાર (89), યતિપ્રાયશ્ચિત્ત (90), અરિષ્ટકથન (91), વારાણસીમાહાત્મ્ય (92), અન્ધકવૃત્તાંત (93), વરાહ-નરસિંહચરિત (95–96), જલન્ધરવધ (97), શિવસહસ્રનામ (98), દેવી-સંભવ-દક્ષયજ્ઞધ્વંસ, મદનદાહ, ઉમાસ્વયંવર (99–103), વિનાયકોત્પત્તિ (105), શિવતાંડવ (106), ઉપમન્યુચરિત (107), અને પાશુપતવ્રત (108).
પૂર્વ ભાગના વિષયો જોતાં વિષયવ્યવસ્થા સમુચિત નથી. કેટલીક બાબતોની પુનરાવૃત્તિ થયેલી છે.
બીજા ભાગમાં કૌશિકવૃત્ત (1), વૈષ્ણવગીત – વિષ્ણુની મહત્તા, વિષ્ણુભક્તિ (2–4), શ્રીમતીનું આખ્યાન, અલક્ષ્મીવ્રત (5–6), દ્વાદશાક્ષર અને અષ્ટાક્ષર મંત્રો (7–8), પાશુપતવ્રત (9), મહેશ-મહિમા-પૂર્તિ-શિવતત્વ-પૂજાવિધિ (10થી 19) સાંપ્રદાયિક અસર ધરાવે છે. દીક્ષા, ધ્યાન, અર્ચન (20–24) તાંત્રિક અસર ધરાવે છે. અઘોર-યતિ-જટાભિષેક (25–26) પછી વિવિધદાન (28–44), જીવચ્છ્રાદ્ધ (45), લિંગપ્રતિષ્ઠા (46–47), ગાયત્રીપૂજા (44), અઘોરસ્થાપના – વજ્રેશ્વરીવિદ્યા (51), ષટ્કર્મવિદ્યા (52) મૃત્યુંજય વિધિ અને ત્ર્યંબકપૂજન વિધિ મંત્ર અને પુરાણની અર્ચનપરંપરા ધરાવે છે. યોગભેદ, મોક્ષપ્રદ જ્ઞાન અને શિવપુરાણનો મહિમા અંતિમ અધ્યાયમાં આવરી લેવાયાં છે.
વિષયોની પુનરાવૃત્તિ, તેના સાતત્યનો અભાવ, આખ્યાનો, ઉપાખ્યાનોનું ઓછું પ્રમાણ, પુરાકથાઓના ઓછા અંશ, નવીન કથાઓનો, કલ્પનાનો અભાવ આ પુરાણની પ્રાચીન ઘડતરપરંપરા દર્શાવે છે. શિવસંબંધિત કથાઓનો વિસ્તાર પણ પ્રમાણમાં ઓછો ગણી શકાય.
દશરથલાલ ગૌરીશંકર વેદિયા