સાર્તો, આન્દ્રેઆ દેલ (જ. 1486, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. સપ્ટેમ્બર 1530) : ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. પિતા દરજી હતા. (પિતાની અટક ‘સાર્તો’નો ઇટાલિયન ભાષામાં અર્થ છે – દરજી.) આઠ વરસની ઉંમરે તેમણે એક સોની હેઠળ સુવર્ણકામની તાલીમ લેવી શરૂ કરેલી; પરંતુ ચિત્રકલા માટેની તેમની લગની તેમને ફ્લૉરેન્સના ચિત્રકાર જિયાન બારિલે પાસે લઈ ગઈ. સાધારણ ચિત્રકાર બારિલેએ સાર્તોને નિપુણ ચિત્રકાર પિયેરો દિ કોસિમો હેઠળ શાગિર્દ તરીકે ગોઠવી આપ્યા. જર્મનીથી એ જ વખતે ઇટાલી આવેલાં ડ્યૂરરનાં છાપચિત્રો તથા માઇકેલૅન્જેલોના ચિત્ર ‘બૅટલ ઑવ્ કાસ્કિનાનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો. કૅન્વાસ ઉપર રંગો પીંછીઓ વડે ઘૂંટવાને બદલે ધાબા રૂપે મૂકીને ત્રિપરિમાણ સિદ્ધ કરનાર તેઓ પહેલા ફ્લૉરેન્ટાઇન-ચિત્રકાર છે. ફ્લૉરેન્સમાં તેમણે ત્રણ મહત્ત્વની ચિત્રશ્રેણીઓ ચિત્રિત કરી :
આન્દ્રેઆ દેલ સાર્તો
1. ‘મિરેકલ્સ ઑવ્ સેંટ ફિલિપ્પો બેનેત્ઝી’ (1509-10)
2. ‘સ્ટોરી ઑવ્ ધ બૅપ્ટિસ્ટ’ (1511-26)
3. ‘બર્થ ઑવ્ વર્જિન’ (1514)
સાર્તોની ખ્યાતિ ફ્રાન્સમાં પ્રસરતાં ફ્રેન્ચ રાજા ફ્રાંસ્વા પહેલાએ તેમને ચિત્રો ચીતરવા માટે ફ્રાન્સ આવવાનું આમંત્રણ આપ્યું. તેઓ ફ્રાન્સ ગયા, પરંતુ ફ્લૉરેન્સ-સ્થિત તેમની પત્નીએ તેમને કાગળ લખીને પાછા બોલાવી લેતાં તેમની કારકિર્દીનો અકાળે અંત આવ્યો. આ દુ:ખદ ઘટના ઉપર કવિ બ્રાઉનિંગે કવિતા પણ લખી છે. સાર્તોનું છેલ્લું ઉત્કૃષ્ટ ચિત્ર છે ‘મૅડોના દેલ સાચો’ (‘Madonna del Sacco’) (1525).
પોન્તોર્મો, રોસો જેવા મૅનરિસ્ટ શૈલીના શ્રેષ્ઠ ચિત્રકારો અને કલા-ઇતિહાસકાર તથા સ્થપતિ જ્યૉર્જિયો વસારી સાર્તોના શિષ્યો હતા. એ જોતાં મૅનરિસ્ટ શૈલીના આરંભકર્તા તરીકે સાર્તોને ગણવાનું વલણ વ્યાપક છે.
અમિતાભ મડિયા