સાર્ડોનિક્સ (Sardonyx)

January, 2008

સાર્ડોનિક્સ (Sardonyx) : સિલિકા (SiO2) બંધારણવાળો ખનિજ-પ્રકાર. ક્વાર્ટઝ ખનિજનું સૂક્ષ્મ દાણાદાર સ્વરૂપ. સિલિકા ખનિજ-સમૂહમાં આવતા પટ્ટાદાર કૅલ્શિડૉનીની એક જાત. ઉપરત્ન તરીકે ઉપયોગમાં લેવાતું અર્ધકીમતી ખનિજ. કૅલ્શિડૉનીની જે વિવિધ જાતો મળે છે તે પૈકીની શ્વેત કે કાળા રંગની પશ્ર્ચાદ્ભૂમાં જ્યારે પીળાશ પડતી, લાલાશ પડતી કે કેસરી ઝાંયવાળી કથ્થાઈ પટ્ટીરચનાઓ હોય ત્યારે એવા કૅલ્શિડૉનીને સાર્ડોનિક્સ અથવા કાર્નેલિયન કહેવાય છે. કૅલ્શિડૉનીમાં અમુક પ્રમાણમાં લોહ ઑક્સાઇડની અશુદ્ધિ ભળેલી હોય ત્યારે પટ્ટાદાર રંગવિવિધતા ઉદ્ભવતી હોય છે. આ કારણે પ્રાચીન કાળથી આવી જાતોનું આર્થિક મૂલ્ય અંકાય છે અને ઉપરત્ન તરીકે ઉપયોગમાં લેવાય છે. ઓછાં ખર્ચાળ ઉપરત્નો પૈકી સાર્ડોનિક્સની ગણના થાય છે. તે વીંટીઓમાં જડવાના નંગ તરીકે તથા અન્ય ઝવેરાતમાં વપરાય છે. ઝવેરીઓ તેને તેના રંગપટ્ટા ઊપસી આવે તે રીતે ચપટા આકારમાં અથવા ઘૂમટ આકારમાં કપાવે છે. સાર્ડોનિક્સમાં કોતરણી કરીને કેમિયો (cameos) પણ બનાવાય છે. સાર્ડોનિક્સનાં મુખ્ય સ્રોતસ્થાનો ભારત, બ્રાઝિલ અને ઉરુગ્વે છે.

ગિરીશભાઈ પંડ્યા