લિંકન, અબ્રાહમ (જ. 12 ફેબ્રુઆરી 1809, હોજેનવિલે, કેન્ટુકી રાજ્ય, અમેરિકા; અ. 15 એપ્રિલ 1865, વૉશિંગ્ટન ડી. સી., અમેરિકા) : અમેરિકાના તારણહાર, ગુલામોના મુક્તિદાતા, પ્રખર માનવતાવાદી અને તે દેશના 16મા પ્રમુખ. પિતા ટૉમસ લિંકન અને માતા નાન્સી હૅન્ક્સ લિંકન અત્યંત ગરીબીમાં પરિવારનું ભરણપોષણ કરતાં હતાં. વર્જિનિયા રાજ્યમાં સ્થિર થયેલાં આ પતિ-પત્ની – બંને અક્ષરજ્ઞાન ધરાવતાં નહોતાં. લાકડાના જાડા પાટાના બનેલા ઘરમાં આ દંપતીના બીજા બાળક અને પ્રથમ પુત્રનો જન્મ થયો તે અબ્રાહમ લિંકન. કુટુંબની અછતભરી સ્થિતિમાં તેમનો ઉછેર થયેલો. તેની સાત વર્ષની ઉંમરે 1816માં સમગ્ર પરિવાર કેન્ટુકી રાજ્ય છોડી, ઠેકઠેકાણે રઝળપાટ કરી અંતે ઇન્ડિયાના રાજ્યમાં સ્થાયી થયો. આ હાડમારીભરી જિંદગીમાં બાળક અબ્રાહમ ઝાઝું કામ કરતો. પરિણામે વ્યવસ્થિત શાળાજીવનની તક ન સાંપડી અને અભ્યાસ વેરવિખેર અને તૂટક રહ્યો. ફરતા શિક્ષકો દ્વારા ચાલતી શાળામાં અભ્યાસ કરી થોડુંઘણું શિક્ષણ મેળવી તેણે કામ ચલાવ્યું. તેમના પોતાના અંદાજ અનુસાર ઔપચારિક શિક્ષણના કુલ હાજરીના દિવસો 365થી વધુ થયા નહોતા. આમ છતાં તેઓ લખતાં, વાંચતાં અને સાદા દાખલા ગણતાં શીખી ગયા. 1818માં તેમની માતાનું અવસાન થયું, પરંતુ અપરમા સારાહ બુશ જ્હૉનસ્ટન પ્રેમાળ હતી અને લિંકનના જીવનમાં લાગણીસભર સ્થાન ધરાવતી હતી.
કિશોરવયે અન્ય કોઈ પણ ખેડૂતપુત્રની જેમ હળ ચલાવવાનું, બિયારણ ઓરવાનું તથા પાકની લણણી જેવાં અનેક કામો કરતાં તેમનો વિકાસ થયો. બે બાબતો તેમને સાથી કિશોરોથી અલગ પાડતી; એક, તેમની ઊંચી અને પાતળી 6 ફૂટ અને 4 ઇંચની દેહયષ્ટિ અને બીજી, તેમનો કસાયેલો અને સશક્ત શારીરિક બાંધો. આ કારણે વિવિધ રમતોમાં તે અન્ય કિશોરોને પાછા પાડી દેતા. જીવનના આ તબક્કે ઈસપની બોધકથાઓ, રૉબિન્સન ક્રૂઝો અને બાઇબલના ધર્મગ્રંથોનું વાચન કરવાની તક તેમને સાંપડી. વળી અમેરિકાના પ્રથમ પ્રમુખ જ્યૉર્જ વૉશિંગ્ટનનું જીવનચરિત્ર, અમેરિકાનો ઇતિહાસ અને ઇન્ડિયાના રાજ્યના કાયદાઓનો પણ તેમણે અભ્યાસ કર્યો. વાર્તાઓ, ઇતિહાસ, ધર્મગ્રંથો, જીવનચરિત્રો અને કાયદાનો અભ્યાસ – એમ તેમનું વાચનનું વિષયવૈવિધ્ય ધ્યાનપાત્ર હતું. 19 વર્ષની વય સુધી તેમનું ભાવજગત આ ગ્રંથો અને નાનકડા ઇન્ડિયાના રાજ્ય પૂરતું સીમિત હતું.
1828માં મિત્રો સાથે નાવ ભાડે લઈ મિસિસિપી નદીના પ્રવાસે નીકળ્યા ત્યારે તેમની દૃષ્ટિ સમક્ષ ખેતરો, પહાડો, નગરો અને મોટાં શહેરોનું નવું જગત ઊઘડવા લાગ્યું; જેમાં માનવોને ગુલામો તરીકે કામ કરતા જોયા અને હૃદય થડકારો ચૂકી ગયું. 1830માં સમગ્ર પરિવાર ઇલિનૉઇસ રાજ્યમાં સ્થિર થયો. અહીં વિશેષે લાકડાં ફાડવાની અને વહેરવાની મજૂરી કરી તેમણે કુટુંબને સ્થાયી થવામાં મદદ કરી. લાકડાં વહેરવાનું આ કામ ભવિષ્યમાં તેમનું રાજકીય પ્રતીક બન્યું હતું. આ પછી એક દુકાનમાં કારકુન તરીકે કામ કરતાં તેમણે નિખાલસપણા, પ્રામાણિકતા અને કામગરાપણાથી માલિકને ખુશ કર્યા. તે પછી વિવિધ નોકરીઓ કરી, દરમિયાન દેવું થયું. પણ પછી સદભાગ્યે, થોડો સમય પોસ્ટ-માસ્તર અને મોજણી અધિકારી બન્યા. મોજણીના કામમાં પારંગતતા વિકસાવી ખંતથી તે કામને વળગી રહ્યા.
ઇલિનૉઇસ રાજ્યના નીચલા ગૃહ પ્રતિનિધિસભાની ચૂંટણીમાં વ્હિગ પક્ષ વતી નિષ્ફળ ઉમેદવારી કરી રાજકીય કારકિર્દીનો આરંભ કર્યો. 1834માં ફરી આ ચૂંટણીમાં ઝંપલાવ્યું અને વિજયી નીવડ્યા. 1836માં ત્રીજી વારની ચૂંટણી લડી વિજયી બન્યા અને ગૃહમાં વ્હિગ પક્ષના નેતાનું સ્થાન મેળવ્યું. આ કારકિર્દી વેળા ગૃહમાં તેમણે ગુલામી પ્રથાને ‘અન્યાય પર આધારિત પ્રથા અને ખરાબ નીતિ’ તરીકે ઓળખાવી તેના પર કુઠારાઘાત કર્યો. પોતાના અલ્પ શિક્ષણથી કોચવાતા તેમણે સ્પષ્ટ અને અસરકારક વક્તૃત્વ અને લેખનશક્તિ વિકસાવવા અંગ્રેજી ભાષાના વ્યાકરણનો અભ્યાસ હાથ ધર્યો. પછી કાયદાનો અભ્યાસ કર્યો, સ્પ્રિંગફીલ્ડના વકીલ જૉન ટી. સ્ટુઅર્ટે તેમને પ્રોત્સાહિત કર્યા. કાયદાનાં પાઠ્યપુસ્તકો ઉછીનાં લઈ તેમણે અભ્યાસ આરંભ્યો અને સફળતા મેળવી. 1836માં કાયદાના ક્ષેત્રમાં કામ કરવાનો પરવાનો મેળવી સફળ કાયદાશાસ્ત્રી તરીકેની કારકિર્દીનાં મંડાણ કર્યાં. આ કામ તેમણે એટલા ખંતપૂર્વક કર્યું કે એક વર્ષમાં તેમનું નામ એટર્નિઝની યાદીમાં સમાવેશ પામ્યું.
વકીલ તરીકે તેમને વ્યાપક તક સાંપડી, 1839માં સ્પ્રિંગફીલ્ડ ઇલિનૉઇસ રાજ્યનું પાટનગર બનતાં તેમને માટે ઊજળી તકો ઊભી થઈ. કાયદા અંગેની તેમની સૂઝ, સમજ અને દૃષ્ટિ વિકસતાં વરિષ્ઠ વકીલ અને સહાયક જૉન સ્ટુઅર્ટે તેમને આ વ્યવસાયમાં ભાગીદાર બનાવ્યા અને ક્રમશ: તેઓ સિદ્ધિઓ પ્રાપ્ત કરતાં પ્રગતિના પંથે આગળ વધ્યા. કાયદાના અભ્યાસ સાથે તેમની રાજકારણ પરત્વેની રુચિ ખીલવા લાગી. 1840માં અમેરિકાના પ્રથમ વ્હિગ-પ્રમુખ વિલિયમ હેનરી હેરિસનની ચૂંટણીમાં તેમણે સક્રિય ભાગ લીધો. 1841માં સ્ટુઅર્ટ સાથેની ભાગીદારીમાંથી છૂટા થઈ તેઓ સ્ટીફન લોગાન સાથે જોડાયા અને જીવનભર આ વ્યવસાયી મિત્રનો સાથ નિભાવ્યો. આ વ્યવસાયમાં કામ કરવા નિજી આચારસંહિતા ઘડી તેને અમલમાં મૂકી. માનવધર્મને મુદ્રાલેખ ગણી, દંતકથારૂપ લાગે તેવા ઘણા કિસ્સા અદાલત સમક્ષ રજૂ કરી, તેઓ ગરીબોના બેલી બન્યા. જૂઠા કેસો સ્વીકારવાને બદલે સાચી વ્યક્તિઓને ન્યાય અપાવવા સાચી રજૂઆત કરવા બદલ તેમણે ભારે પ્રતિષ્ઠા મેળવી. પાશ્ચાત્ય સમાજમાં સહજ એવા દારૂ, સિગારેટ કે અન્ય વ્યસનથી દૂર રહ્યા. તેમનું સાદું, સ્વાવલંબી, પરગજુ અને ભાવનાશીલ જીવન સામાન્ય જનતાનું આકર્ષણ બન્યું હતું.
1842માં કેન્ટુકી રાજ્યના અગ્રણી પરિવારની સુશિક્ષિત કન્યા મેરી ટોડ સાથે લગ્નગ્રંથિથી જોડાયા અને ચાર પુત્રોના પિતા બન્યા.
1834થી ’42 સુધી સતત ચાર મુદત માટે ઇલિનૉઇસ રાજ્યની પ્રતિનિધિસભામાં ચૂંટાયા બાદ તેમણે સમવાય સરકારના નીચલા ગૃહ – પ્રતિનિધિસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને પરાજિત થયા; પરંતુ 1846માં વ્હિગ-ઉમેદવાર તરીકે તેઓ આ ચૂંટણીમાં વિજયી બન્યા. પ્રતિનિધિસભા ખાતેના તેમના અનુભવો નિરાશાજનક રહ્યા. તે સમયે મેક્સિકન યુદ્ધમાં અમેરિકા જોડાયું તેનો તેમણે વિરોધ કર્યો. કોલંબિયામાં ગુલામી નાબૂદ કરવા માટેનો ખરડો દાખલ કરવા અંગે એક નોટિસ તેમણે સરકારને પાઠવી, કેટલાક ઠરાવ રજૂ કરી પ્રમુખ જેમ્સ પોલ્ક પાસે તે મંજૂર કરાવ્યા; જેમાં તેમણે જણાવ્યું કે મેક્સિકોએ અમેરિકાના પ્રદેશ પર હુમલો કરી યુદ્ધને ઉત્તેજન આપ્યું છે તે આક્ષેપ સાચો પુરવાર કરી આપો. ગૃહની અંદર ધારદાર દલીલો, રમતિયાળ રજૂઆત અને ઉત્તમ વક્તવ્યથી તેમની પ્રતિભા અલગ તરી આવતી હતી.
આ અરસામાં વકીલાતના વ્યવસાય પર તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું, રાજ્યના વકીલમંડળ(bar)માં શ્રેષ્ઠ વકીલ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. ‘ઇલિનૉઇસ સેન્ટ્રલ કેસ’, ‘એફી આફટન કેસ’, ‘સૅન્ડ બાર કેસ’ જેવા વિવિધ અને નોંધપાત્ર કેસ જીત્યા. સમવાય સરકારની સર્વોચ્ચ અદાલતે તેમની અસાધારણ કાનૂની કુશળતા બિરદાવી તેથી તેઓ અમેરિકામાં વ્યાપક પ્રસિદ્ધિ પામ્યા.
વકીલાતની આ કારકિર્દી દરમિયાન નાગરિક સ્વાતંત્ર્યના સંદર્ભમાં કેટલીક કાયદાકીય ક્ષતિઓ તેમને માનસિક રીતે પજવતી હતી. 1820માં થયેલા ‘મિસૂરી કૉમ્પ્રોમાઇઝ’માં અમેરિકાની ભૂમિ પરથી ગુલામીપ્રથાને નાબૂદ કરવાની જાહેરાત થઈ ચૂકી હતી, જેને માટે દક્ષિણનાં રાજ્યો તૈયાર નહોતાં. આ અનુસંધાનમાં 1854માં અમેરિકાની સરકારે ‘કૅન્સાસ–નેબ્રાસ્કા ઍક્ટ’ ઘડ્યો હતો. આ અરસામાં અમેરિકાનાં કેટલાંક રાજ્યો – વિશેષે દક્ષિણનાં રાજ્યો અમેરિકાના સમવાયતંત્રથી અલગ પડવા (Right to Secede) માંગતા હતા. આથી સેનેટર સ્ટીફન ડગ્લાસે કૅન્સાસનેબ્રાસ્કા વિસ્તારોની પુનર્રચનાનો ખરડો સેનેટમાં દાખલ કર્યો, જેમાં આડકતરી રીતે ગુલામી પ્રથાની નાબૂદી અંગેની કલમોને બુઠ્ઠી બનાવી દઈ આ પ્રથા વાસ્તવમાં ચાલુ રહે તેવો આશય હતો. લિંકન જેવા નિષ્ણાત વકીલ આ બદઇરાદો કળી ગયા, ગુલામી-નાબૂદી માટે મથતા અને ઉમદા માનવ્ય-ગુણો ધરાવતા લિંકન આથી અત્યંત અકળાયા. આ તબક્કે તેમણે પ્રમુખપદના ઉમેદવાર રિચાર્ડ યેટ્સના ચૂંટણી-પ્રચારમાં જોડાવાનો દૃઢ નિર્ધાર કર્યો; કારણ યેટ્સ સૂચિત કૅન્સાસ–નેબ્રાસ્કા ઍક્ટ દ્વારા લંબાવાતી ગુલામી પ્રથાનો વિરોધ કરતા હતા. આ ચૂંટણી-યુદ્ધમાં લિંકનના ગુલામી-નાબૂદી અંગેનાં ઊંડાણ, ગાંભીર્ય, ઉત્કટતા અને નિસબત વ્યક્ત થયાં, તેમના શુભાશયોની પ્રતીતિ થતાં ઇલિનૉઇસની પ્રજાએ તેમને વ્યાપક સમર્થન આપ્યું. આથી અમેરિકાના રાજકારણની સૌથી મહત્વની ઘટના એ બની કે માનવીય ગરિમાને કેન્દ્રબિંદુ ગણતા નવા રિપબ્લિકન પક્ષનો ઉદય થયો. 1855માં ઇલિનૉઇસ રાજ્યના સેનેટર બનવાની તક લિંકને સહેજમાં ગુમાવી.
1858માં ‘કૅન્સાસ–નેબ્રાસ્કા ઍક્ટ’ના સમર્થક સેનેટર ડગ્લાસે પુન: ઉમેદવારી કરી. લિંકનને તેમના પક્ષે સર્વાનુમતિથી આ સ્થાન માટે પસંદ કર્યા. સ્પ્રિંગફીલ્ડ ખાતે 16 જૂનના રોજ ‘હાઉસ ડિવાઇડેડ’નું ધારદાર વક્તવ્ય આપ્યું, જે તેમનાં ખ્યાતનામ વ્યાખ્યાનોમાંનું એક ગણાય છે. તેમણે ડગ્લાસને સંયુક્ત ચર્ચા કરવા અને વ્યાખ્યાન આપવા લલકાર્યા. ઘણી આનાકાની પછી ડગ્લાસે આ પડકાર સ્વીકાર્યો. ચૂંટણી-પ્રચારમાં બંને એકસાથે હાજર રહી વારાફરતી પોતાનાં મંતવ્યો પ્રજા સમક્ષ મૂકતા. અલબત્ત, આ ચૂંટણીમાં ડગ્લાસ અસાધારણ બહુમતી સાથે ચૂંટાયા, પરંતુ લિંકનને એથી મહત્વનો લાભ એ થયો કે લોકો તેમની દલીલો વિચારતા અને આવકારતા થયા હતા. લોકપસંદગીનું પલ્લું તેમની તરફ નમવાની શરૂઆત થઈ હતી તેમજ ઇલિનૉઇસ રાજ્યની બહાર તેમને વ્યાપક રાષ્ટ્રીય પ્રસિદ્ધિ સાંપડી હતી. આથી 1860માં રિપબ્લિકન પક્ષે તેમને પ્રમુખપદ માટેના ભાવિ ઉમેદવાર તરીકે રજૂ કર્યા. શિકાગો ખાતેના પક્ષના રાષ્ટ્રીય કન્વેન્શનમાં પ્રમુખપદના ઉમેદવાર તરીકે લિંકનની વરણી થઈ. 1860ની પ્રમુખીય ચૂંટણીમાં લિંકન વિજેતા નીવડ્યા અને 1861થી ’64 દરમિયાન તેમણે અમેરિકાના 16મા પ્રમુખનો હોદ્દો શોભાવ્યો.
આ હોદ્દાના પ્રારંભિક સમયગાળા બાદ દક્ષિણ અમેરિકાના નેતાઓએ સમવાયતંત્રમાંથી છૂટા પડવાના નિર્ણયનું પુનરુચ્ચારણ કર્યું. ક્રમશ: આ માંગ ગંભીર રૂપ ધારણ કરવા લાગી. સાઉથ કૅરોલિના રાજ્ય તેમાં અગ્રેસર હતું. તેણે 20 ડિસેમ્બર, 1860માં આ અંગેનો વટહુકમ જારી કર્યો. બે મહિના બાદ મિસિસિપી, ફ્લોરિડા, આલ્બામા, જ્યૉર્જિયા અને ટૅક્સાસનાં રાજ્યો સાઉથ કૅરોલિનાને અનુસર્યાં. દક્ષિણનાં આ રાજ્યોના વ્યાપક સમર્થનને કારણે આ જૂથે હવે નક્કર પગલાં લેવાની શરૂઆત કરી. ઉપર્યુક્ત રાજ્યોના પ્રદેશમાં આવેલા કેન્દ્ર સરકારના કિલ્લાઓ, જકાતગૃહો, પોસ્ટઑફિસો તેમજ શસ્ત્રાગારો પર કબજો જમાવ્યો. પ્રમુખ લિંકન ધીરજ ગુમાવ્યા વિના શાંતિથી પરિસ્થિતિનું અવલોકન કરી રહ્યા હતા. 4 માર્ચ, 1861ના રોજ પ્રજાજોગ જાહેર વક્તવ્યમાં તેમણે જણાવ્યું કે રિપબ્લિકન વહીવટી તંત્રથી પ્રજાએ ભય પામવાની (કારણ તેઓ ગુલામી પ્રથાની નાબૂદીના સમર્થક હતા.) જરૂર નથી. કોઈ પણ રાજ્યની સત્તા અને અધિકારો પર તરાપ મારવામાં આવશે નહિ. દક્ષિણનાં રાજ્યોની પ્રજાને આશ્વસ્ત કરી તેમણે અંતરાયો અને પૂર્વગ્રહો દૂર કરવા સમય માંગ્યો અને તેમને સમવાય સરકાર તરફથી નિશ્ચિંત બનવાનો સધિયારો આપ્યો. આવી પ્રારંભિક ખાતરી છતાં દક્ષિણનાં રાજ્યોનો રોષ શાંત ન પડ્યો, તે સંઘમાંથી છૂટાં પડવા લાગ્યાં. એથી અમેરિકાનાં સંયુક્ત રાજ્યોનો સંઘ છિન્નભિન્ન થવાની દહેશત વ્યાપક બની. આથી લિંકને ગુલામી પ્રથા ચાલુ રાખવાની વિવિધ ખાતરી પૂરી પાડી. આમ આંતરવિગ્રહનું પ્રધાન કારણ ગુલામી પ્રથા નહોતી. તેમની નેમ સંઘને તૂટતો અટકાવવાની હતી. આ સંઘમાં એક વાર જોડાણ મેળવ્યા પછી તેનાથી છૂટા કે અલગ પડી જવાનો હક્ક (Right of Secession) માન્ય રાખવાની તેમણે સાફ ના પાડી. આમ આંતરવિગ્રહનું મૂળ કારણ સમવાયતંત્રનું અસ્તિત્વ હતું અને તેની ઉપપેદાશ ગુલામી પ્રથાની નાબૂદી હતી. આંતરવિગ્રહ ટાળવાના લિંકનના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા. દક્ષિણનાં રાજ્યોએ ‘કૉનફેડરેટ સ્ટેટ્સ’ નામક સમૂહતંત્ર(confederation)ની રચના કરી. લિંકને અત્યંત દૂરંદેશીપૂર્વક આ પગલું અમાન્ય ઠેરવી વિગ્રહ કરવાનો નિર્ણય કર્યો.
સમવાય સરકાર અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે વિશ્વાસની કટોકટી ઊભી થઈ ચૂકી હતી. ચાર્લ્સટન બંદરે અને સુમટેરના કિલ્લા ખાતે સમવાય સરકારે અનાજનો પુરવઠો ઠાલવ્યો ત્યારે 12 એપ્રિલ, 1861ના રોજ આ વિસ્તારોમાં છીનાઝપટીની ઘટનાઓ ઘટી. 15 એપ્રિલ, 1861ના રોજ લિંકને આ ઘટનાઓને ‘બળવા’ તરીકે જાહેર કરતાં અમેરિકાના આંતરવિગ્રહનો આરંભ થયો. આંતરવિગ્રહની કટોકટીના આ તબક્કે તેમણે અન્ય પક્ષોના કાબેલ નેતાઓને મંત્રીમંડળમાં સમાવી જાતે રાષ્ટ્રીય સરકારની રચના કરી. તેમના પ્રખર વિરોધી સ્ટેન્ટનની પ્રચંડ શક્તિ પારખી તેને યુદ્ધમંત્રી નીમ્યા. આ સ્ટેન્ટન વકીલાતના સમયે લિંકનને ગંદા, ગોબરા અને મૂઢ માણસ તરીકે ઓળખાવતા હતા.
‘કૉનફેડરેટ સ્ટેટ્સ’ના અલગતાવાદીઓએ ઠરાવો પર ઠરાવો કરી બળતામાં ઘી હોમ્યું. વર્જિનિયા, આરકાન્સાર અને ટેનિસી રાજ્યો સમવાય સરકારથી અલગ થયાં. વ્યાપક ગુલામી પ્રથા ધરાવતાં કેન્ટુકી, મિસૂરી અને મેરીલૅન્ડ રાજ્યોએ રૂખ બદલી. લિંકને ચતુરાઈપૂર્વક, પરંતુ દૃઢતા અને ધૈર્યથી પરિસ્થિતિનો સામનો કર્યો. ઉત્તરનાં રાજ્યો વતી તત્કાળ લશ્કરી પગલાં ભરવાની માંગ ઊઠી. પરિણામે સમવાય સરકારે લશ્કરને કૂચ કરવાનો આદેશ આપતાં વર્જિનિયા રાજ્યમાં બુલ રન મથકે ર1 જુલાઈ 1861થી ઘમસાણ યુદ્ધ આરંભાયું, જે ઇતિહાસમાં ‘ધ બૅટલ ઑવ્ બુલ’ તરીકે જાણીતું બન્યું. તે વાસ્તવમાં અમેરિકાનો આંતરવિગ્રહ હતો. પ્રારંભે દક્ષિણનાં રાજ્યો જીતની નજીક લાગ્યાં તેમજ કેન્દ્રીય દળો નબળાં પડતાં વૉશિંગ્ટન ખાતે ગભરાટ ફેલાયો; પરંતુ કૉનફેડરેટ સ્ટેટ્સનાં રાજ્યો માટે શક્તિ અને મજબૂતી જાળવી રાખવાનું કામ અઘરું હતું. યુદ્ધ ચાલ્યા કર્યું, ઉત્તરની સેનાએ દક્ષિણનાં રાજ્યોને પછાડ આપી.
લિંકનને પ્રમુખની રૂએ નિર્ણયાત્મક પગલાં ભરવાની ફરજ પડી. પ્રારંભે તેમનો ઉદ્દેશ સમવાય સરકારને જાળવી રાખવાનો હતો; પણ તે સાથે સમગ્ર યુદ્ધમાં મુખ્ય મુદ્દો ગુલામી પ્રથાનો હોવાથી જુલાઈ 1862માં લિંકને ગુલામોની મુક્તિઘોષણા કરવા વિચાર્યું, પણ તેમના મંત્રીમંડળના સાથીઓ આ અંગે પૂરેપૂરા સહમત નહોતા, તેથી નિર્ણય વિલંબમાં પડ્યો. મંત્રીમંડળના કેટલાક સાથીઓની અનિચ્છા છતાં 22 સપ્ટેમ્બર, 1862ના રોજ તેમણે અમેરિકાના પ્રમુખ અને પ્રથમ નાગરિકની રૂએ ગુલામી પ્રથાની નાબૂદીની ઘોષણા કરી, ગુલામોની મુક્તિનું જાહેરનામું બહાર પાડ્યું. એથી 40,00,000 ગુલામો મુક્ત થયા. બળવાખોર રાજ્યોને 1 જાન્યુઆરી, 1863 સુધીમાં રાજનિષ્ઠા અને સમવાય સરકાર પ્રત્યેની વફાદારી રૂપે પાછા ફરવાની તક આપતાં તેમણે જણાવ્યું કે આ તમામ રાજ્યોની હદમાં રહેતા ગુલામો ‘હરહંમેશ માટે મુક્ત’ (forever free) જાહેર કરાશે. વિરોધી રાજ્યોએ આ ઘોષણા ગણકારી નહિ. યુદ્ધ ચાલુ હતું પણ આંતરવિગ્રહની કરવટ બદલાઈ હતી. કેન્દ્રતરફી પરિબળો મજબૂત બનતાં ગેટિસબર્ગ તરફ સૈન્ય આગળ વધ્યું અને 1થી 3 જુલાઈ 1863 દરમિયાન ગેટિસબર્ગ ખાતે યુદ્ધ લડાયું. લિંકને યુ. ગ્રાંટને કેન્દ્રના સમગ્ર લશ્કરનો હવાલો સોંપ્યો અને યુદ્ધની બાજી પલટાવા લાગી. 9 એપ્રિલ, 1865ના રોજ દક્ષિણનાં રાજ્યોના સૈન્યે શરણાગતિ સ્વીકારી એથી યુદ્ધમાં સમવાયી પરિબળો વિજેતા નીવડ્યાં.
આ સમગ્ર સંઘર્ષ દરમિયાન મંત્રીમંડળના તેમના સાથીઓ ગુલામી પ્રથાની નાબૂદીના નિર્ણય માટે સંપૂર્ણ સંમત નહોતા. લિંકનના મતે તેઓ નિર્ણય લેવાની બાબતમાં વિભક્ત અને અસમર્થ હતા તેમજ ઊંડી વિચારણાની પૂરતી લાયકાત ધરાવતા નહોતા. લિંકનના કૉંગ્રેસ સાથેના સંબંધો નાજુક તબક્કામાં પહોંચી ગયા હતા. વિગ્રહ દરમિયાન નાગરિક-સ્વાતંત્ર્યના નિયમોનું ઉલ્લંઘન થયું હતું, જેને કારણે લિંકન અગ્રણી રાજકીય વર્તુળોમાં ભારે ટીકાપાત્ર બન્યા હતા. સર્વોચ્ચ વહીવટી વડા તરીકે તેમણે અનેકગણો ભાર વહ્યો હતો.
આ તબક્કે લિંકનના નેતૃત્વનાં માનવીય પાસાંઓ વિચારીએ તો આંતર-વિગ્રહના બોજ છતાં વહીવટી કામો તેઓ વ્યક્તિગત ધોરણે કરતા, જેમાં પોસ્ટમાસ્તર જેવી સાવ સામાન્ય નિમણૂકોનો પણ સમાવેશ થતો હતો. રોજ એકાદ કલાકથી વધુ સમય તેઓ આમ-મુલાકાતીઓ માટે ફાળવતા હતા. સામાન્ય નાગરિકના પત્રોના જવાબ જાતે તૈયાર કરતા. એક વાર એક મહિલાએ નોકરીની શોધમાં મદદરૂપ થવા પ્રમુખને વિનંતી કરેલી ત્યારે તેમણે તે પત્રનો ખુદ જવાબ પાઠવી તેની કામ કરવાની તૈયારીને પ્રોત્સાહન આપ્યું હતું. બૂટને પૉલિશ કરવા જેવાં નાનાં કામ તેઓ કોઈ ચાકરોને સોંપતા નહિ. પ્રમુખપદના કાર્યાલયમાં આવતા હજારો પત્રો પર તેઓ સ્વહસ્તે નોંધ મૂકતા અને પત્ર વાંચ્યા બાદ ભાવિ પગલાં અંગે સૂચન કરતા. જવાબ માટે મોકલાતા તમામ પત્રો પર સુવાચ્ય અક્ષરોમાં કંઈક શુભ લખાણ તેઓ અવશ્ય લખતા અને પત્રલેખકને શુભેચ્છા પાઠવવાનું ચૂકતા નહિ. અનાથ બાળકો, નોંધારી વિધવાઓ અને લશ્કરી છાવણીમાં કેદ જવાનો અંગે તેઓ પારાવાર સહાનુભૂતિ દાખવતા અને દરેક માટે વ્યક્તિગત ધોરણે કંઈક કરી છૂટતા.
તેમનું અંગત જીવન અનેક સમસ્યાઓથી ઘેરાયેલું હતું. ચાર પુત્રો રૉબર્ટ ટોડ લિંકન (1843–1926), એડ્વર્ડ બેકર લિંકન (1846–50), વિલિયમ વૉલેસ લિંકન (1850–62) અને ટૉમસ ટેડ લિંકન(1853–71)માં બે પુત્રો એડ્વર્ડ અને વિલિયમના અકાળ અવસાનથી આ દંપતી વ્યથિત હતું. આ આઘાતને કારણે તેમનાં પત્ની મેરી લિંકને મહિનાઓ સુધી માનસિક સમતુલા ગુમાવી દીધી હતી અને ગુમસૂમ રહેતાં હતાં. એક વહાલા પુત્ર ટૉમસને અભ્યાસાર્થે ઘણો દૂર રાખવો પડતો હતો, જ્યારે સાથે રહેતો તોફાની પુત્ર ટોડ લિંકન તેમનો અપાર પ્રેમ પામતો હતો; પણ અતિવહાલથી તે બગડી ગયો હતો. ટૂંકમાં, લિંકન પરિવાર વ્હાઇટ હાઉસને આનંદભર્યું ઘર બનાવી શક્યો નહોતો. આમ છતાં લિંકન ભાગ્યે જ સ્વસ્થતા ગુમાવતા. પુત્રના શાળા-અભ્યાસ દરમિયાન તેની શાળાના આચાર્યને લખેલો ‘હે જગત ! મારા પુત્રને મૃદુતાથી શીખવજે’ પત્ર અનોખી શૈલીનો, પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી છે. વિશ્વભરના પત્રસાહિત્યમાં તે અનોખું સ્થાન ધરાવે છે. આંતરવિગ્રહના સમયે જે સગાંસંબંધીઓ પ્રતિપક્ષે હતાં તેમણે તેમના પર બેવફાઈનો આક્ષેપ મૂક્યો હતો. કામના અતિ બોજ હેઠળ તેઓ અપક્વ સમયે જાણે વૃદ્ધ બની ગયા હતા. તેમની ઋજુ અને સંવેદનશીલ પ્રકૃતિ પણ એ માટે કારણભૂત હતી. કટોકટી ટાણે તેઓ ઈશ્વરની અકળ ઇચ્છાને આધીન રહી વર્તતા હતા. રાષ્ટ્રના કરુણ યુદ્ધને તેઓ વીસરી શક્યા નહોતા. યુદ્ધ સમયે કૉંગ્રેસને તેમણે મોકલેલા વિવરણભર્યા સંદેશાઓ ઊંચું વૈચારિક મૂલ્ય ધરાવે છે.
આ સમગ્ર વેદના છતાં તેઓ માનવીઓ અને લોકશાહી પ્રત્યે અપ્રતિમ આસ્થા ધરાવતા હતા, જે તેમના ગેટિસબર્ગ વ્યાખ્યાનમાં પ્રતિબિંબિત થયેલી છે. કેટલાક ઇતિહાસકારો તેમને અમેરિકાના ઇતિહાસમાં લોકશાહીના પ્રવક્તા અને મહામાનવ તરીકે મૂલવે છે. અમેરિકાના આંતરવિગ્રહનું બીજું ચરણ જ્યાં લડાયું તે ગેટિસબર્ગ સેમિટરી (ગેટિસબર્ગ સ્મશાનગૃહ) રાષ્ટ્રને સમર્પિત કરતાં 19 નવેમ્બર 1863ના રોજ કરેલું ટૂંકું ઉદબોધન લોકશાહીની તેમની વિભાવનાનો શિરમોર બની રહ્યું. લોકશાહીના ઉત્તમ ફરજંદ અને મહાન સમર્થક તરીકે અલ્પતમ શબ્દોમાં લોકશાહીને વ્યાખ્યાબદ્ધ કરી ‘લોકોની, લોકો માટેની અને લોકોથી ચાલતી સરકાર’ તરીકે ઓળખાવી; તેમણે આ વ્યાખ્યાનને અમરતા બક્ષી.
તેઓ 8 નવેમ્બર, 1864ના રોજ બીજી મુદત માટે રિપબ્લિકન પ્રમુખ ચૂંટાયા. 4 માર્ચ, 1865ના રોજ પ્રમુખપદના હોદ્દાના સોગંદ લીધા ત્યારે આંતરવિગ્રહનો અંત નજીક હતો. સામાન્ય પ્રણાલિકાથી વિરુદ્ધ આ ઉદબોધનની સમગ્ર નોંધો માટે ઘણો આગોતરો પરિશ્રમ ઉઠાવી કાળજીપૂર્વક તેમણે તે તૈયાર કરી હતી. શાંતિ અને રાષ્ટ્રના પુનર્નિર્માણને પ્રાધાન્ય આપતાં તેમણે જણાવેલું કે ‘કોઈનાયે પ્રત્યે દ્વેષભાવ નહિ અને સૌ પ્રત્યે ઉદારતા’ની ભાવનાથી તેઓ હોદ્દા પર ચાલુ રહ્યા હતા.
આ પછી થોડા દિવસો બાદ 14 એપ્રિલ, 1865ની સાંજે તેઓ સપરિવાર વૉશિંગ્ટન ડી. સી.ના ફૉર્ડ્સ થિયેટરમાં નાટકના કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. ત્યાં જૉન વિલ્ક્સ બુથે ગોળી મારી તેમની હત્યા કરી અને 15મીની સવારે તેમણે પ્રાણત્યાગ કર્યો. તેમના દુ:ખદ અવસાન નિમિત્તે તેમના પ્રતિસ્પર્ધી અને યુદ્ધમંત્રી નિમાયેલા સ્ટેન્ટનના શબ્દો હતા : ‘દુનિયાએ ક્યારે પણ ન જોયો હોય એવો, માનવીઓનો સૌથી પરિપૂર્ણ શાસક અહીં સૂતો છે, લિંકન હવે અમર છે.’
તેમની અસાધારણ મહાન સેવાની અંજલિ રૂપે, સ્મૃતિચિહ્ન તરીકે 1922માં ‘લિંકન મેમૉરિયલ’ વૉશિંગ્ટન ડી. સી. ખાતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રૉય પી. બાસ્લેરે તેમના સમગ્ર સાહિત્યને આવરી લેતા આઠ ગ્રંથોનું સંપાદન કરી ‘કલેક્ટેડ વર્કસ ઑવ્ અબ્રાહમ લિંકન’ શીર્ષકથી 1953–55માં પ્રકાશિત કર્યા હતા.
રક્ષા મ. વ્યાસ