લિવિંગ થિયેટર

January, 2004

લિવિંગ થિયેટર : 1947માં ઉદભવેલી અમેરિકન થિયેટર પ્રવૃત્તિ. જૂડિથ મૅલિના (જ. 1926) અને જૂલિયન બેક (જ. 1925) નામનાં અભિનેતા પતિ-પત્નીએ ભેગાં મળીને તેની સ્થાપના કરી હતી. શરૂઆતમાં તેઓ બ્રેખ્ત, ગાર્સિયા લૉર્કા, ગર્ટ્રૂડ સ્ટાઇન તથા પૉલ ગુડમૅન જેવાં નાટ્યકારોની લિખિત કૃતિઓ પ્રમાણે નાટ્ય-પાઠ ભજવતા. આખરે તેમણે આંતોનૅ આર્તો પ્રયોજિત શબ્દાતીત કે વાણીશૂન્ય (non-verbal) અભિનયની ટૅકનિક અપનાવી. ઑફ-બ્રૉડવે ઝુંબેશના અગ્રણી તરીકે આ લિવિંગ થિયેટરે 1956 સુધી પદ્યનાટકો ભજવ્યાં. 1959માં આ સંસ્થાએ જૅક ગૅલબરનું માદક દવાઓના બંધાણીઓ વિશેનું નાટક ‘ધ કનેક્શન’ ભજવ્યું. ત્યારથી માંડીને આ સંસ્થાની નાટ્યભજવણીમાં સામાજિક અને રાજકીય સમસ્યાઓ કેન્દ્રિત રહેવા પામી; તેમાં તેમની શાંતિવાદી તેમજ અરાજકતાવાદી માન્યતાઓ આવિર્ભાવ પામી. 1963માં આ નાટ્યજૂથે કેનેથ બ્રાઉન લિખિત ‘ધ બ્રિગ’ ભજવ્યું, તેમાં લશ્કરી જેલની પાર્શ્વભૂમિકા હતી. એ જ વર્ષે આ નાટ્યજૂથ જે મકાનમાં નાટકો ભજવતું હતું તેનો કર નહિ ભરવાના અપરાધ બદલ મકાનને તાળાં લાગ્યાં અને આ જૂથે દેશવટાનું પગલું અપનાવ્યું. 1964થી 1969 સુધી આ જૂથે યુરોપભરમાં નાટકો ભજવ્યાં. થોડો વખત અમેરિકા આવ્યા પછી આ જૂથ 1970માં બ્રાઝિલ ગયું અને ત્યાં ‘ધ લીગસી ઑવ્ કેઇન’ નામની મહા-નાટ્ય સમી કૃતિ હાથ ધરી. 1979માં બેક અને મૅલિના રોમ છોડી ન્યૂયૉર્ક સિટી આવ્યાં અને નાટ્યવાચનના કાર્યક્રમો રજૂ કર્યા અને એ સાથે તેમના દેશવટાનો ગાળો પૂરો થયો.

મહેશ ચોકસી