લિલી, ડેનિસ કીથ

January, 2004

લિલી, ડેનિસ કીથ (જ. 18 જુલાઈ 1949, સુખિયાકો, પર્થ, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના મહાન ઝડપી ગોલંદાજ. 1970ના દશકામાં ઑસ્ટ્રેલિયાની ટીમમાં તેમણે પ્રતિષ્ઠા મેળવી; એ વખતે, તેમના એક બીજા ઝડપી ગોલંદાજ સાથી જેફ ટૉમસનના સાથથી કેવળ અતિઝડપી ગોલંદાજીના પ્રભાવથી તેમણે અનેક ટેસ્ટ ટીમોને હતોત્સાહ કરી મૂકી હતી. પછીના સમયમાં તેમણે પોતાની ગોલંદાજીમાં વૈવિધ્ય અને ચોક્કસ વિચારસરણીનો સમન્વય કર્યો. સર્વાંશે જોતાં તેઓ પોતાના કૌશલ્ય પર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવતા હતા અને ગોલંદાજીનું તેમનું ‘ઍક્શન’ લગભગ પરિપૂર્ણ હતું. તેઓ ખૂબ આદરપાત્ર પ્રશિક્ષક (coach) બની રહ્યા.

તેઓ વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા વતી રમતા હતા. 1971માં ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ-પ્રવેશ કર્યો. 1971–72માં રેસ્ટ ઑવ્ ધ વર્લ્ડ સામે તેમણે 4 મૅચમાં 23 વિકેટ ઝડપી અને 1972માં ઇંગ્લૅન્ડમાં 17.67ની સરેરાશથી 31 વિકેટ ઝડપી.

પણ 1974માં 23 વર્ષની વયે, કરોડરજ્જુની નીચેના ભાગમાં દબાણના કારણે અસ્થિભંગ થવાથી તેમની કારકિર્દી સામે જોખમ ઊભું થયું હતું, પણ સખત પરિશ્રમ અને દૃઢ નિર્ધારથી તેઓ પુન:કાર્યાન્વિત બન્યા અને 1974–77ની 4 ઉત્તરોત્તર શ્રેણીઓમાં 20 કે તેથી વધુ વિકેટો ઝડપી; પોતાની કારકિર્દીમાં આવી રીતે 4 વાર આટલી વિકેટો ઝડપી અને 1981માં ઇંગ્લૅન્ડમાં 6 ટેસ્ટમાં 22.31ની સરેરાશથી મહત્તમ સંખ્યારૂપે 39 વિકેટ ઝડપી. (એ વર્ષે એક જ કૅલેન્ડર વર્ષમાં ટેસ્ટમાં વિક્રમરૂપ 81 વિકેટ ઝડપી). 1983–84માં પાકિસ્તાન સામેની તેમની છેલ્લી શ્રેણીમાં 20 વિકેટ ઝડપી. ત્યાં સુધીમાં તો તેઓ ટેસ્ટના ઇતિહાસમાં વિકેટ ઝડપનાર અગ્રણી ગોલંદાજ (leading wicket-taker) નીવડ્યા હતા. જોકે વિશ્વ-શ્રેણીની ક્રિકેટમાં રમવાથી તેમનાં બેએક વર્ષ તો ટેસ્ટ-ક્રિકેટ રમવામાંથી છીનવાઈ ગયાં હતાં. ઇંગ્લૅન્ડ સામે તેમણે ફટકારેલા 167 રન, એક ટેસ્ટ સામેનો ટેસ્ટ-વિક્રમ બની રહ્યો છે. તેમને ‘મેમ્બર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર’નો ખિતાબ અપાયો હતો.

(1) 1971–84. 70 ટેસ્ટ; 13.71ની સરેરાશથી 905 રન; સૌથી વધુ જુમલો 73 (અણનમ), 23.92ની સરેરાશથી 355 વિકેટ; સૌથી ઉત્તમ ગોલંદાજી 7–83; 23 કૅચ.

(2) એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચ. 63; 9.23ની સરેરાશથી 240 રન; સૌથી વધુ જુમલો 42 (અણનમ), 20.82ની સરેરાશથી 103 વિકેટ; સૌથી ઉત્તમ ગોલંદાજી 5–34; 9 કૅચ.

(3) 1969–88. પ્રથમ કક્ષાની મૅચ. 13.90ની સરેરાશથી 2,377 રન; સૌથી વધુ જુમલો 73 (અણનમ), 23.46ની સરેરાશથી 882 વિકેટ; સૌથી ઉત્તમ ગોલંદાજી 8–29; 67 કૅચ.

મહેશ ચોકસી