લિયૉન્તિફ, વૅસિલી (જ. 1906, પેટ્રોગ્રાડ, રશિયા) : રશિયન મૂળના અમેરિકન અર્થશાસ્ત્રી તથા અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમના પિતા પણ અર્થશાસ્ત્રી હતા, જેમની પ્રેરણાથી વૅસિલીને અર્થશાસ્ત્રમાં રસ પડ્યો. અનુસ્નાતક સુધીનો અભ્યાસ વતનમાં પૂરો કર્યા બાદ 1925માં બૉલ્શેવિક વિચારસરણી સાથે વૈચારિક મતભેદ થતાં સોવિયેત સંઘનો ત્યાગ કરીને તે જર્મની જતા રહ્યા. 1927માં જર્મનીની કીલ (Kiel) યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસાર્થે જોડાયા.
ચીનમાં થતા રેલરોડ બાંધકામની પ્રવૃત્તિના સલાહકાર તરીકે 1929માં જોડાયા. 1930માં ડૉક્ટરેટની પદવી માટે બર્લિન યુનિવર્સિટીમાં જોડાયા. 1931માં કાયમી વસવાટ માટે અમેરિકા ખાતે સ્થળાંતર કર્યું તથા તે દેશના નૅશનલ બ્યૂરો ઑવ્ ઇકૉનૉમિક રિસર્ચ સંસ્થામાં મદદનીશ સંશોધકના પદે નિમાયા. તે જ વર્ષે અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા, જ્યાં 1946માં બઢતી મેળવી પ્રોફેસર બન્યા. 1948થી તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીના ઇકૉનૉમિક રિસર્ચ પ્રૉજેક્ટના ડિરેક્ટરના પદે કામ કરી રહ્યા છે. બીજા વિશ્વયુદ્ધ(1939–45)ના ગાળામાં અમેરિકાના શ્રમ મંત્રાલયના બ્યૂરો ઑવ્ લેબર સ્ટૅટિસ્ટિક્સના વિશેષ સલાહકારનું પદ ગ્રહણ કર્યું. પોતાના માર્ગદર્શન હેઠળ લિયૉન્તિફે તે વિભાગ માટે સૌપ્રથમ વાર નિવેશ-નિર્ગમ (input-output) સારણી તૈયાર કરી.
અર્થશાસ્ત્રમાં નિવેશ-નિર્ગમ સારણી તૈયાર કરવા માટે તેમણે જે જહેમત ઉઠાવી હતી તે કાર્ય લિયૉન્તિફનું અર્થશાસ્ત્રમાં શકવર્તી યોગદાન ગણાય છે. આ સારણીમાં તેમણે અર્થતંત્રનાં જુદાં જુદાં ક્ષેત્રો વચ્ચેના આંતરસંબંધોનું સૈદ્ધાંતિક અને પ્રયુક્ત વિશ્લેષણ કર્યું છે. હકીકતમાં જુદાં જુદાં ક્ષેત્રો વચ્ચેના આર્થિક આંતરસંબંધોની બાબત અંગેનો આછો ખ્યાલ ઘણા વખત પહેલાં કૅન્ટિલૉન, ક્વીઝને, કાર્લ માર્કસ અને લીયોન વાલરા જેવા અર્થશાસ્ત્રીઓએ આપવાનો પ્રયાસ કર્યો હતો, છતાં તેની સારણી બનાવવાના કામમાં તેમને સફળતા મળી ન હતી. લિયૉન્તિફે તેનાં સૈદ્ધાંતિક પાસાં પર પ્રકાશ પાડવાનું કામ તો કર્યું જ, પરંતુ તે ઉપરાંત વાસ્તવિક અર્થતંત્રને તે કેવી રીતે લાગુ પડે છે, નીતિવિષયક ઘડતરમાં તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેમ છે તેના પર પણ તેમણે તર્કશુદ્ધ પ્રકાશ પાડ્યો છે. આધુનિક જમાનામાં સંગણકોએ નિવેશ-નિર્ગમ વિશ્લેષણની પદ્ધતિને વ્યાપક પ્રમાણમાં શક્ય બનાવી છે તેનો જશ વૅસિલી લિયૉન્તિફના ફાળે જાય છે. હવે વિશ્વના બધા જ વિકસિત દેશો પોતપોતાના અર્થતંત્રના વિશ્લેષણમાં તેનો ઉપયોગ કરે છે. લિયૉન્તિફના આ યોગદાન માટે જ 1973માં તેમને અર્થશાસ્ત્ર માટેનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું.
લિયૉન્તિફ જર્મનીમાં ભણતા હતા ત્યારે જ 1925માં રશિયાના અર્થતંત્ર વિશેના એક સંશોધનલેખ દ્વારા તેમણે અર્થતંત્રના જુદાં જુદાં ક્ષેત્રો વચ્ચેના આંતરસંબંધો વિશેની પ્રાથમિક ભૂમિકા રજૂ કરી હતી. ત્યારબાદ પાંચ વર્ષ પછી અર્થતંત્રની સામાન્ય સમતુલાના ખ્યાલના સંદર્ભમાં તેને વૈશ્વિક વિશ્લેષણનું સ્વરૂપ આપવામાં આવ્યું. 1930 –40ના દાયકામાં હૅન્સ નાઇઝર, કાર્લ મેન્જર તથા વૉલ્ડ જેવા અર્થશાસ્ત્રીઓએ તેનાં અમુક પાસાં પર પ્રકાશ પાડ્યો. આ બધું કામ થયેલું હોવા છતાં આંકડાકીય વિગતોની મદદથી સમગ્ર રીતે સુગ્રથિત આર્થિક ઢાંચો (model) રજૂ કરવાનું મહત્વનું કાર્ય 1940માં વૅસિલી લિયૉન્તિફે કર્યું હતું, જેને પરિણામે હવે સમગ્ર દેશના અર્થતંત્રને એક એકમ ગણીને તેના માટે નિવેશ-નિર્ગમ વિશ્લેષણ રજૂ કરી શકાય છે. હવે તેને ‘આંતર-ઉદ્યોગ વિશ્લેષણ’ કહેવામાં આવે છે. વિશ્લેષણની આ સુગમતા લિયૉન્તિફના સંશોધનકાર્યને આભારી છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે