લિયૉન્તિફ કોયડો (Leontief paradox)

January, 2004

લિયૉન્તિફ કોયડો (Leontief paradox) : આંતરરાષ્ટ્રીય વેપાર અંગેના હેક્શર-ઓહલીન(સાધનપરિમાણ)ના સિદ્ધાંતના સંદર્ભમાં ઊભો થયેલો એક મુદ્દો. સાધનપરિમાણના સિદ્ધાંત પ્રમાણે દેશમાં સાપેક્ષ રીતે જે સાધનની વિપુલતા હોય તેનો જે ચીજના ઉત્પાદનમાં સવિશેષ ઉપયોગ થતો હોય તેની દેશમાંથી નિકાસ થાય છે. બીજી બાજુ, દેશમાં જે સાધનની સાપેક્ષ રીતે અછત હોય તેનો જે વસ્તુના ઉત્પાદન માટે સવિશેષ ઉપયોગ થતો હોય તેની દેશમાં આયાત થાય છે. અમેરિકામાં મૂડીની વિપુલતા છે અને શ્રમની અછત છે. એ જોતાં આ સિદ્ધાંત પ્રમાણે અમેરિકાની નિકાસો મૂડીપ્રચુર ચીજોની અને આયાતો શ્રમપ્રચુર ચીજોની હોવી જોઈએ.

અમેરિકાની આયાતો અને નિકાસો આ સિદ્ધાંત પ્રમાણે છે કે કેમ તેની અનુભવ-મૂલક ચકાસણી સર્વપ્રથમ અમેરિકાના એક અર્થશાસ્ત્રી લિયૉન્તિફે 1954માં કરી હતી. તે માટે તેમણે અમેરિકાની 1947ની આયાતો અને નિકાસોના આંકડાઓ લીધા હતા. લિયૉન્તિફના અભ્યાસનું તારણ વિપરીત નીકળ્યું. અમેરિકાની નિકાસો શ્રમપ્રચુર હોવાનું અને તેની આયાતો મૂડીપ્રચુર હોવાનું માલૂમ પડ્યું. આને કોયડો ગણવામાં આવ્યો; કેમ કે, અમેરિકામાં મૂડીની વિપુલતા અને શ્રમની અછત છે એમ સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યું છે. તેથી જો લિયૉન્તિફના તારણને સ્વીકારવામાં આવે તો હેક્શર-ઓહલીન સિદ્ધાંત અમેરિકાની બાબતમાં સાચો નથી એવું તારણ નીકળે, પરંતુ ઘણા અર્થશાસ્ત્રીઓ એ તારણ સ્વીકારવા પણ તૈયાર ન હતા. તેથી તેને એક કોયડો ગણીને તેનો ઉકેલ શોધવાના પ્રયાસો વિવિધ અર્થશાસ્ત્રીઓએ કર્યા.

એ પ્રયાસો અમેરિકાની કોઈક વિશેષતા શોધવા પર કેન્દ્રિત થયા હતા; દા. ત., એક અર્થશાસ્ત્રીએ એવી રજૂઆત કરી કે અમેરિકા પેટ્રોલ જેવી કુદરતી સંપત્તિની પ્રચુરતા ધરાવતી ચીજોની આયાતો કરતું હોવાથી એવી ચીજોની અવેજી વસ્તુઓનું ઘરઆંગણે થતું ઉત્પાદન મૂડીપ્રચુર માલૂમ પડે છે. એક અન્ય અર્થશાસ્ત્રીએ અમેરિકાની વપરાશ વધુ પ્રમાણમાં મૂડીપ્રચુર હોવાની શક્યતા પ્રત્યે આંગળી ચીંધી. એક અર્થશાસ્ત્રીએ અમેરિકામાં થતી શ્રમપ્રચુર વસ્તુઓની આયાતો પર ઊંચા દરે જકાત નાખવામાં આવતી હોવાથી અમેરિકામાં શ્રમપ્રચુર વસ્તુઓની આયાતોનું પ્રમાણ ઘટી જાય છે એવો ખુલાસો આપ્યો; પરંતુ આ પ્રકારના કોઈ ખુલાસા ટકી શક્યા નહિ. 1970 પછી અમેરિકાની આયાતો અને નિકાસોમાં આવેલાં પરિવર્તનો પછી તે હેકશર-ઓહલીન સિદ્ધાંતને અનુરૂપ બની હોવાના નિર્દેશો સાંપડ્યા હતા. એ પછી લિયૉન્તિફ કોયડાની ચર્ચા બંધ થઈ.

રમેશ શાહ