લિયુ શાઓ ચી (જ. 1898, ચીનશાન, હુનાન પ્રાંત, ચીન; અ. 12 નવેમ્બર 1969, કાઈ-ફગ, હુનાન પ્રાંત) : ચીનના સામ્યવાદી પક્ષના પ્રથમ હરોળના નેતા અને માઓ-ત્સે-તુંગના અનુગામી. સમૃદ્ધ ખેડૂત પિતાના તેઓ સૌથી નાના પુત્ર હતા. ચાંગસા અને શાંઘાઈમાં અભ્યાસ કરી શાંઘાઈમાં હતા ત્યારે તેઓ 1920માં સોશ્યલિસ્ટ યૂથ સોસાયટીમાં જોડાયા. 1921માં મૉસ્કો જઈ ટૉઇલરસ યુનિવર્સિટીમાં અભ્યાસાર્થે જોડાયા. એક વર્ષ બાદ સ્વદેશ પાછા ફર્યા અને પ્રારંભે કોલસાની ખાણમાં ખાણિયા તરીકે જોડાયા. ત્યાં ખાણિયાઓનું સંગઠન રચ્યું અને મજૂર સંગઠનોના કામના માહેર બનતાં વિવિધ મજૂર સંગઠનોમાં કામ કર્યું. 1928થી 1930 ચાઇનીઝ લેબરબ્યુરોના પ્રતિનિધિ તરીકે ફરી મૉસ્કોમાં બે વર્ષ કામ કર્યું. 1930માં દેશમાં પાછા ફરી લેબર ફેડરેશનના અધ્યક્ષ બન્યા. 1934માં તેમને સામ્યવાદી પક્ષના પૉલિટબ્યુરોના સભ્ય બનાવવામાં આવ્યા. ચીન-જાપાન યુદ્ધ (1937થી 1945) તથા ચીનના ગૃહયુદ્ધ (1949થી 1964) દરમિયાન સામ્યવાદી પક્ષનું સૈન્ય રચવાની તેમજ ગેરીલા એકમોનું ઘડતર કરવાની મુખ્ય જવાબદારી તેમના શિરે હતી. મજૂર સંગઠનકાર અને ભૂગર્ભ એજન્ટ તરીકે તેમની કામગીરી નોંધપાત્ર હતી. આ કાર્યોમાં તેમણે અસાધારણ નિષ્ઠાભરી કામગીરી અને સંગઠનશક્તિ દર્શાવ્યાં. આ કારણથી તેઓ માઓ-ત્સે-તુંગના માતબર જોડીદાર બનવા સાથે પક્ષના પ્રથમ હરોળના નેતાઓમાં સ્થાન પામ્યા. 1943માં પક્ષની કેન્દ્રીય સમિતિમાં ચૂંટાયા અને પક્ષના મહામંત્રી બન્યા તથા 1945 સુધીમાં તો તે માઓ-ત્સે-તુંગ પછીનું દ્વિતીય સ્થાન ધરાવતા નેતા ગણાવા લાગ્યા હતા.
1949માં ગૃહયુદ્ધને અંતે લાલ ચીનમાં સામ્યવાદી પક્ષે સત્તાનાં સૂત્રો હાંસલ કર્યાં ત્યારે છ ઉપાધ્યક્ષોમાંના તેઓ એક હતા. આ સમયે માઓના વિશ્વાસુ સાથીની ભૂમિકા નિભાવી તેમણે માઓની નીતિઓને અમલમાં મૂકી. 1959માં ચીની પ્રજાસત્તાકના અધ્યક્ષપદેથી રાજીનામું આપી માઓએ તે સ્થાન ખાલી કર્યું ત્યારે તેઓ અધ્યક્ષપદે પસંદ થયા અને માઓના વારસદાર સાબિત થયા.
1966ની ચીનની સાંસ્કૃતિક ક્રાંતિ વેળાએ માઓ સાથે તેમના વ્યાપક મતભેદોનો આરંભ થયો. માઓને લાગતું કે તેઓ મૂડીવાદી માર્ગ અખત્યાર કરી રહ્યા છે, આથી પક્ષમાંથી તેમની હકાલપટ્ટી કરી, તેમની અટકાયત કરવામાં આવી તથા ઑક્ટોબર 1968માં તેમને પદભ્રષ્ટ કરી પક્ષનું સભ્યપદ છીનવી લેવામાં આવ્યું. તેમને દેશદ્રોહી, રોગિષ્ઠ અને શત્રુપક્ષમાં ભળેલા જાહેર કરવામાં આવ્યા.
1968 પછી તેમને અંગે કોઈ સત્તાવાર સમાચારો ઉપલબ્ધ થઈ શક્યા નહિ. 1969માં પ્રારંભે બિનસત્તાવાર રીતે તેમના મૃત્યુના સમાચાર ફેલાયા અને ચીનના અખબારી જગતે 12 નવેમ્બર, 1969માં તેમનું અવસાન થયું હોવાના સમાચાર આપ્યા; જેમાં ન્યુમોનિયાને તેમના મૃત્યુના અગત્યના કારણ તરીકે રજૂ કરવામાં આવેલું. ‘બેઇજિંગ રિવ્યૂ’એ આ સમાચારોને આધારભૂત ગણાવ્યા, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય સમાચારમાધ્યમો તેમનું મૃત્યુ રહસ્યમય કારણોસર થયું હોવાનું માને છે. 1980 પછી ચીનના સામ્યવાદી પક્ષે તેમની સામેનું ટીકાત્મક વલણ છોડી તેમની સેવાઓની કદર રૂપે તેમનું મરણોત્તર સન્માન કર્યું હતું.
‘ધ કૉન્સ્ટિટ્યૂશન ઑવ્ ધ ચાઇનિઝ કૉમ્યુનિસ્ટ પાર્ટી’, ‘ધ લૅન્ડ રિફૉર્મ લૉ’, ‘ઑન પાર્ટી’ અને ‘હાઉ ટુ બી એ ગુડ કૉમ્યુનિસ્ટ’ એ તેમના ગ્રંથો છે.
રક્ષા મ. વ્યાસ