સારંગપુરની મસ્જિદ : ગુજરાતના પ્રસિદ્ધ સુલતાન મહમૂદ બેગડાના સમયની (1459-1511) સ્થાપત્યકીય કૃતિ. અમદાવાદમાં સારંગપુર ચકલામાં આ મસ્જિદ આવેલી છે. મલિક સારંગ મહમૂદ બેગડાનો રાજપૂત અમીર હતો. મહમૂદ બેગડાની અસર નીચે આવીને તેણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો એમ ‘મિરાત-એ-સિકંદરી’માં જણાવ્યું છે. તે જ્યારે સુલતાન મુઝફ્ફર બીજાના સમયમાં અમદાવાદનો સૂબો હતો ત્યારે તેણે આ મસ્જિદ બંધાવી હોવાનું મનાય છે. આ મસ્જિદ રાણી બીબીની મસ્જિદ તરીકે જાણીતી છે. અંદરથી આ મસ્જિદ 14.56 મી. લાંબી અને 11.13 મી. પહોળી છે. તેના લિવાનની છત ઉપર પાંચ મોટા ઘુંમટો છે. તેના કમાનાકાર મુખભાગ(facade)માં વચ્ચેની કમાન મોટી અને ઊંચી છે.

સારંગપુરની મસ્જિદ

તેની બંને બાજુએ બે ઊંચા મિનારા છે જે વર્તમાનમાં લિવાનની છત સુધી જ હયાત છે. આ દૃષ્ટિએ આ મસ્જિદ રાજપુરની બીબીજીની મસ્જિદને મળતી આવે છે. મુખભાગમાં ચાર, પાછળની દીવાલમાં છ અને પડખેની દીવાલોમાં બે જાળીદાર બારીઓ છે. આને લીધે લિવાનની અંદરના ભાગમાં હવા-ઉજાસ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. મુખ્ય મહેરાબ(મુખ્ય ગવાક્ષ)ને સંલગ્ન સોપાનયુક્ત મિંબર (વ્યાસપીઠ) અમદાવાદની અહમદશાહની મસ્જિદના મિંબરને મળતું આવે છે. હાલ તેના પરની છતરડી (canopy) નાશ પામી છે. મસ્જિદની સન્મુખે 22.86 મીટર સમચોરસ મકબરો છે. હાલ તેની જાળીઓ મોજૂદ નથી રહી. મકબરાની ઉપર મધ્યમાં એક મોટો ઘુંમટ અને ખૂણામાં ગૌણ ઘુંમટો છે. મકબરામાં આરસની બાંધણીની બે કબરો છે. તેમાંથી એક મલિક સારંગની છે અને બીજી કબર તેની પત્નીની હોવાનું મનાય છે.

થૉમસ પરમાર