લિયર વિલિયમ પૉવેલ (જ. 26 જૂન 1902; અ. 14 મે 1978) : યુ.એસ.ના જાણીતા ઇલેક્ટ્રિક એન્જિનિયર અને ઉદ્યોગપતિ. તેઓ સ્વયંશિક્ષિત (self-taught) હતા. ‘લિયર જેટ કૉર્પોરેશન’ દ્વારા દુનિયામાં પ્રથમ જેટ એરક્રાફ્ટનું મોટા પાયે ઉત્પાદન કરનાર હતા. આ ઉપરાંત તેમણે ઑટોમોબાઇલ રેડિયો, આઠ ટ્રૅકનું સ્ટીરિયો-ટેપ અને એરક્રાફ્ટ માટેનો ઑટોમેટિક પાઇલટ સૌપ્રથમ તૈયાર કર્યાં.
અમેરિકામાં પરદેશી વસાહતી કુટુમ્બ અને ભગ્ન કુટુમ્બના પુત્ર વિલિયમે 12 વર્ષની વયે પોતાના જીવન માટેનો નકશો કંડારી રાખ્યો અને નક્કી કર્યું કે જે વસ્તુની માગ હોય, જેમાં નફાનું પ્રમાણ વધુ રહી શકે તેવી વસ્તુઓનું સંશોધન કરીને તૈયાર કરવી. મૃત્યુના સમયે તેમના નામે 150 ‘પેટન્ટ’ હતાં.
આઠમું ધોરણ પૂરું કરી, શાળા છોડી અને તેઓ મિકેનિક થયા. 16 વર્ષની ઉંમરે નેવીમાં જોડાવાનું થયું. પહેલા વિશ્વયુદ્ધમાં વિલિયમને રેડિયા વિશે જાણકારી મળી. નેવીમાંથી છૂટ્યા બાદ તેમણે ઑટોમોબાઇલ રેડિયોની બ્લૂ-પ્રિન્ટ તૈયાર કરી. તેના ઉત્પાદન માટે જરૂરી મૂડી ન મળતાં 1924માં તે જાણકારી મોટરરોલો કંપનીને વેચી. 1934માં ‘યુનિવર્સલ રેડિયો ઍમ્પ્લિફાયર’ અમેરિકાના રેડિયો કૉર્પોરેશને તેમના આ પ્લાન ખરીદ્યા અને વધુ વિકાસ માટે જરૂરી મૂડી આપી. 1939 સુધીમાં તો અમેરિકાના અડધા ઉપરાંત ખાનગી હવાઈ જહાજો લિયરના રેડિયો અને નૅવિગેશનનાં ઉપકરણો વાપરતાં થઈ ગયાં.
બીજા વિશ્વયુદ્ધમાં એરક્રાફ્ટ માટેનાં બીજાં ચોકસાઈવાળાં ઉપકરણોનું ઉત્પાદન શરૂ કર્યું. 1950થી 1962ની વચ્ચે લિયર વિલિયમનું ઉત્પાદન $ 90,000,000 સુધી પહોંચી ગયું. મિડવેસ્ટ પ્રાંતમાં તેમણે બીજી નવી કંપનીઓ શરૂ કરી સ્ટીરિયોફૉનિક સાઉન્ડ સિસ્ટમ અને સંદેશા માટેનાં નાનાં સેટેલાઇટ શરૂ કર્યાં. 1963માં તેમણે ‘લિયર જેટ ઇન્કૉર્પોરેશન, વિચિષ્ટકાન’ નામે કંપની શરૂ કરી અને નાના જેટ પ્લેનનું તેમજ 1967માં સ્ટીમ કારનું ઉત્પાદન શરૂ કર્યું.
ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ