લિયર, એડ્વર્ડ (જ. 12 મે 1812, હાઇગેટ, લંડન નજીક; અ. 29 જાન્યુઆરી 1888, સાન રેમો, ઇટાલી) : અંગ્રેજ કવિ અને ચિત્રકાર. પાંચ પાંચ પંક્તિઓવાળાં વિનોદી કાવ્યોના રચયિતા તરીકે સુપ્રસિદ્ધ આ કવિનાં કાવ્યો પ્રથમ નજરે અર્થહીન, વાહિયાત હોય તેમ લાગે છે. તેમની કવિતામાં અજબગજબનાં વિચિત્ર પ્રાણીઓની સૃષ્ટિ અર્થહીન શબ્દો દ્વારા રજૂઆત પામે છે. શાહીમાં કરેલાં રેખાંકનોને અનુરૂપ તેમણે પાંચ પંક્તિઓવાળાં ‘લિમરિક’ લખ્યાં. પોતે લગ્ન કર્યાં નહોતાં, પણ બાળકો પ્રત્યે તેમને અદભુત લગાવ હતો. એકવીસ ભાઈબહેનોમાં તેઓ સૌથી નાના હતા. તેમનો ઉછેર મોટાં બહેન ઍનને ત્યાં થયો. માત્ર 18 વર્ષની ઉંમરે રેખાંકનો દોરીને કમાવા માંડેલું. 1831માં ‘ઝૂલૉજિકલ સોસાયટી ઑવ્ લંડન’માં નોકરી સ્વીકારી ‘ઇલસ્ટ્રેશન ઑવ્ ધ ફૅમિલી ઑવ્ ધ પિટ્ટાસિડે’ (1832) પ્રગટ કર્યું, જે તે પ્રકારનું પોપટનાં ચિત્રોવાળું ઇંગ્લૅન્ડમાં પ્રથમ પ્રકાશન હતું. પાછળથી તેમણે બ્રિટિશ મ્યુઝિયમમાં કાર્ય કર્યું. પ્રાણીશાસ્ત્રી જૉન ગૂલ્ડ માટે પંખીઓનાં ચિત્રો તેમણે દોરી આપેલાં. જંગલી પશુઓના અર્લ ઑવ્ ડર્બીના અંગત સંગ્રહાલય માટે તેમણે ચિત્રો કરેલાં. આ જ ઉમરાવનાં પૌત્રપૌત્રીઓ માટે તેમણે ‘બુક ઑવ્ નૉનસેન્સ’ (1846; સંવર્ધિત આવૃત્તિઓ, 1861, 1863) પ્રસિદ્ધ કરી. જોકે પશુપંખીઓનાં ચિત્રો દોરવાનું તેમની દૃષ્ટિને હવે અનુકૂળ નહિ થતાં, નિસર્ગચિત્રોનું સર્જન કરવા માંડ્યું.
ચિત્રકામ શીખવવા માટે 1846માં રાણી વિક્ટોરિયાના ટ્યૂટર તરીકે તેઓ નિમણૂક પામ્યા. જીવનભર વાઈના અને ખેદોન્માદ-(melancholia)ના દર્દથી પીડાતા રહ્યા. 25 વર્ષની ઉંમર પછી મોટે ભાગે તેઓ ઇંગ્લૅન્ડની બહાર રહેતા હતા. ઇટાલી, ગ્રીસ, આલ્બેનિયા, પૅલેસ્ટાઇન, સીરિયા, ઇજિપ્ત અને પાછળથી હિંદ (ભારત) અને સિલોન(શ્રીલંકા)ના પ્રવાસો તેમણે કરેલા. પોતાના કાર્યમાં તેઓ સદા મગ્ન રહેતા હતા. તેમના ચિત્રકામમાં વ્યક્તિચિત્રો (water colour portraits), જળરંગચિત્રો (water colour pictures) અને તૈલચિત્રો(oil paintings)નો સમાવેશ થાય છે અને તેમના પર પ્રી-રૅફેલાઇટ કલાકારોની અસર સ્પષ્ટ છે. મિત્રોને લખેલા પત્રોમાં તેમનાં વિનોદવૃત્તિ, શ્લેષ (pun) અને જાણીબૂઝીને કરેલી જોડણીની ભૂલો ધ્યાન ખેંચે તેવાં છે. તેમની માનીતી બિલાડી ‘ફૉસ’(Foss)ને તેમણે સા રેમોના પ્રવાસમાં સાથે રાખેલી.
પંખીઓ અને પ્રાણીઓ પર ત્રણ પુસ્તકો, રેખાંકનોથી ભરપૂર સાત પ્રવાસકથાઓ (ખાસ કરીને ‘જર્નલ ઑવ્ અ લૅન્ડસ્કેપ પેન્ટર ઇન ગ્રીસ ઍન્ડ આલ્બેનિયા’, 1851), નૉનસેન્સ કાવ્યોના ચાર સંગ્રહો ‘ધ બુક ઑવ્ નૉનસેન્સ’ (1846), ‘નૉનસેન્સ સૉંગ્ઝ, સ્ટોરિઝ, બૉટની ઍન્ડ આલ્ફાબેટ્સ’ (1871), ‘મૉર નૉનસેન્સ, પિક્ચર્સ, રહાઇમ્સ, બૉટની એટ્સેટરા’ (1872) અને ‘લાફેબલ લિરિક્સ’ (1877) એ તેમનું ગ્રંથસ્થ સર્જન છે.
‘ધી આઉલ ઍન્ડ ધ પુસી કૅટ’ તેમનું સુપ્રસિદ્ધ લિમરિક કાવ્ય છે. ‘ક્વિયરી લિયરી નૉનસેન્સ’ (1911) એ લેડી સ્ટ્રેચીએ સંપાદિત કરેલો તેમનો મરણોત્તર કાવ્યસંગ્રહ છે. ટેનિસનનાં કેટલાંક કાવ્યો માટે તેમણે રેખાંકનો દોરી આપેલાં. વિવિયન નૉક્સે ‘એડ્વર્ડ લિયર, ધ લાઇફ ઑવ્ અ વૉન્ડરર’ (1968) નામનું તેમનું જીવનચરિત્ર લખ્યું છે. તેમની કલાને ફિલિપ હૉફરે ‘એડ્વર્ડ લિયર ઍઝ લૅન્ડસ્કેપ ડ્રાફ્ટ્સમૅન’(1967)માં નવાજી છે.
વિ. પ્ર. ત્રિવેદી