લિમયે, વૃન્દા (શ્રીમતી) (જ. 14 ફેબ્રુઆરી 1930, મુંબઈ, મહારાષ્ટ્ર) : મરાઠી કવયિત્રી. તેમણે મરાઠીમાં 14 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કાળોખ કમલ’ (કાવ્યસંગ્રહ, 1981); ‘જંતરમંતર’ (1966); ‘લૉલિપૉપ’ (1971); ‘કમાલ આણિ ધમાલ’ (1977); ‘ટિવળ્યા બાવળ્યા’ (1992); ‘ચિન્કુ ટિન્કુ’ (1994); ‘અટક મટક’ (1994); ‘જંગલ જાત્રા’ (1994); ‘બેટાવાચ્ચે બહાદુર’ (1994); ‘તીન કલન્દર બાડે બિલન્દર’ (1994) તેમના નોંધપાત્ર બાળકાવ્યસંગ્રહો છે. તેમનો ‘અક્ષરવિશ્વ’ નામનો વિવેચનગ્રંથ 1991માં પ્રગટ થયો હતો.
લેખનકાર્યની સાથોસાથ તેઓ આકાશવાણી અને દૂરદર્શન પરના કાર્યક્રમોમાં ભાગ લે છે. તેમણે યુ.એસ., યુ.કે., ફ્રાન્સ, ઇટાલી, જર્મની, સ્વીડન, નૉર્વે, સ્વિટ્ઝર્લૅન્ડ અને જાપાનનો પ્રવાસ ખેડ્યો છે.
તેમને તેમના સાહિત્યિક પ્રદાન બદલ તાત્યાસાહેબ સરવરે પુરસ્કાર; મહારાષ્ટ્ર સ્ટેટ ઍવૉર્ડ (બે વખત); રામમોહન રાય પુરસ્કાર; નૅશનલ કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.
બળદેવભાઈ કનીજિયા